કમબૅકમાં જ મોહમ્મદ શમીએ તોડી નાખ્યો વર્લ્ડ રેકૉર્ડ, આટલા બૉલમાં લીધી 200મી વિકેટ

દુબઈઃ પેસ બોલર મોહમ્મદ શમી તાજેતરમાં ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં રમ્યો હતો, પરંતુ આઇસીસી ઇવેન્ટમાં તેણે 15 મહિને કમબૅક કર્યું છે અને આવતાંવેંત તેણે મોટો વર્લ્ડ રેકૉર્ડ તોડી નાખ્યો છે. તે વન-ડે ક્રિકેટ જગતમાં સૌથી ઓછા બૉલમાં 200 વિકેટ લેનાર બોલર બન્યો છે. તેણે ઑસ્ટ્રેલિયાના મિચલ સ્ટાર્કનો વિશ્વ વિક્રમ તોડી નાખ્યો છે.
શમીની આ પહેલાંની આઇસીસી ઇવેન્ટ 2023માં હતી. ત્યારે ભારતમાં આયોજિત વન-ડેના વર્લ્ડ કપ બાદ ઈજાને લીધે નહોતો રમી શક્યો. જોકે તેણે વિવિધ દેશોના ક્રિકેટોત્સવમાં પુનરાગમન કરતાંની સાથે જ સ્ટાર્કનો વર્લ્ડ રેકૉર્ડ તોડી નાખ્યો છે. સ્ટાર્કે 200 વિકેટ 5,240 બૉલમાં લીધી હતી અને અત્યાર સુધી એ વિશ્વ વિક્રમ હતો.
શમીએ 200 વિકેટ સ્ટાર્ક કરતાં ઘણા ઓછા એટલે કે 5,126 બૉલમાં લીધી છે.
114 બૉલમાં 68 રન બનાવનાર જાકર અલીની વિકેટ શમીની 200મી વિકેટ હતી.
કુલ મૅચની દૃષ્ટિએ જોઈએ તો શમી સૌથી ઓછી 104 વન-ડેમાં 200 વિકેટ લેનાર સંયુક્ત રીતે બીજા નંબરનો બોલર બન્યો છે. અગાઉ પાકિસ્તાનના સક્લેન મુશ્તાકે પણ 104 વન-ડેમાં 200 વિકેટ પૂરી હતી. આ રેકૉર્ડમાં મિચલ સ્ટાર્ક તેમનાથી આગળ અને પ્રથમ સ્થાને છે. સ્ટાર્કે 200મી વિકેટ પોતાની 102 નંબરની વન-ડેમાં લીધી હતી.
આ પણ વાંચો : મોહમ્મદ શમીનો 14 મહિનાનો વનવાસ પૂરોઃ સૂર્યા કૅપ્ટન, અક્ષર વાઇસ-કૅપ્ટન…
શમીએ 2013માં ભારત વતી ડેબ્યૂ કર્યું હતું. તે 104 વન-ડેમાં 202 વિકેટ લઈ ચૂક્યો છે. તે ખાસ કરીને સીમ બોલર છે. બૅટરને મુશ્કેલીમાં લાવવા તે બૉલ પરના દોરાથી બનેલી સીમનો બહુ સારો ઉપયોગ કરી જાણે છે. તેણે 64 ટેસ્ટમાં 229 અને પચીસ ટી-20માં 27 વિકેટ લીધી છે.
સૌથી ઓછા બૉલમાં 200 વિકેટ લેનાર બોલર
મોહમ્મદ શમીઃ 5,126 બૉલમાં
મિચલ સ્ટાર્કઃ 5,240 બૉલમાં
સક્લેન મુશ્તાકઃ 5,451 બૉલમાં
બે્રટ લીઃ 5,640 બૉલમાં
ટ્રેન્ટ બૉલ્ટઃ 5,783 બૉલમાં