ભારત ફાઇનલમાંઃ વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા સામે બદલો લઈ લીધો…
શમી, વરુણ, જાડેજાની ધમાલ પછી કિંગ કોહલીની કમાલઃ આજે બીજી સેમિ ફાઇનલ

દુબઈઃ ભારતે અહીંના દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં આજે વન-ડેના વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને વન-ડેની જ ચૅમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ સેમિ ફાઇનલમાં 11 બૉલ બાકી રાખીને ચાર વિકેટના માર્જિનથી હરાવીને ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. 2023માં અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને હરાવીને વિશ્વ વિજેતા બનેલા ઑસ્ટ્રેલિયાને દુબઈમાં આજે રોહિત શર્મા ઍન્ડ કંપનીએ જોરદાર પછડાટ આપીને સ્પર્ધાની બહાર કરી દીધું હતું અને રવિવારે દુબઈમાં જ રમાનારા નિર્ણાયક મુકાબલામાં પ્રવેશ મેળવી લીધો હતો.
Also read : ટ્રેવિસ હેડને વરુણ વહેલો આઉટ કરી શકે…ગાવસકરની આગાહી સાચી પડી
ભારતને 265 રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યો હતો જે એણે ધૈર્યપૂર્વક તથા સમજદારીભર્યા બૅટિંગ પ્રદર્શન સાથે 48.1 ઓવરમાં 267/6ના સ્કોર સાથે મેળવી લીધો હતો.
ભારત સતત ત્રીજી વાર ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું. આ પહેલાં, 2017ની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતનો પરાજય થયો હતો અને એ અગાઉ 2013માં ભારતે ધોનીના સુકાનમાં ફાઇનલમાં ઇંગ્લૅન્ડને હરાવીને ટ્રોફી જીતી લીધી હતી.
આજે બોલિંગમાં મોહમ્મદ શમી (48 બૉલમાં ત્રણ વિકેટ) સૌથી સફળ હતો અને બૅટિંગમાં વિરાટ કોહલી (84 રન, 98 બૉલ, પાંચ ફોર)એ સૌથી મોટું તેમ જ બહુમૂલ્ય યોગદાન આપ્યું હતું. સ્પિનર ઍડમ ઝૅમ્પાના બૉલમાં ડ્વારશુઇસના હાથમાં તે કૅચઆઉટ થતાં બાવનમી સેન્ચુરી ચૂકી ગયો હતો. કોહલી વન-ડે ક્રિકેટમાં તેની અસાધારણ કહી શકાય એવી ઇનિંગ્સ રમ્યો હતો,
કારણકે તેણે કાંગારું બોલર્સનો હિંમતથી સામનો કરતા રહીને ફક્ત પાંચ ફોર ફટકારી હતી અને 135 મિનિટ સુધી ચાલેલા આ યાદગાર દાવમાં (56 રન સિંગલમાં અને આઠ રન ડબલમાં (એ રીતે જુલાઈ 64 રન સિંગલ-ડબલમાં) બનાવીને સ્ટીવ સ્મિથ તથા તેના સાથીઓને ભયંકર પ્રેશરમાં મૅચ કેવી રીતે જીતી શકાય એના વ્યૂહનો પરિચય કરાવ્યો હતો.
કોહલી ઉપરાંત બીજા પાંચ બૅટરના ભારતની જીતમાં મહત્ત્વના યોગદાન હતા. એમાં શ્રેયસ ઐયર (45 રન, 62 બૉલ, ત્રણ ફોર), કેએલ રાહુલ (42 અણનમ, 34 બૉલ, બે સિક્સર, બે ફોર), હાર્દિક પંડ્યા (28 રન, 24 બૉલ, ત્રણ સિક્સર, એક ફોર), અક્ષર પટેલ (27 રન, 30 બૉલ, એક સિક્સર, એક ફોર) તેમ જ રોહિત શર્મા (28 રન, 29 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર)નો સમાવેશ હતો.
હાર્દિકે વિકેટ ગુમાવી એ પહેલાં ઉપરાઉપરી સિક્સર્સ ફટકારીને કાંગારુંઓના સઢમાંથી હવા કાઢી નાખી હતી અને ભારતીય ટીમને વિજયની નજીક પહોંચાડી દીધી હતી. ભારતીય બૅટર્સમાં માત્ર શુભમન ગિલ (આઠ રન) સારું રમવામાં નિષ્ફળ ગયો હતો અને રવીન્દ્ર જાડેજા બે રને અણનમ રહ્યો હતો.
ઑસ્ટ્રેલિયાની બોલર્સની ફોજમાં ઈજાગ્રસ્ત કમિન્સ, સ્ટાર્ક, હૅઝલવૂડ, માર્શ જેવા સ્ટાર બોલર્સની સ્પર્ધાની શરૂઆતથી જ ગેરહાજરી હતી અને આ સેમિ માટેની ટીમમાં કુલ પાંચ સ્પિનર હતા. ઍડમ ઝૅમ્પા તથા નૅથન એલિસને બે-બે વિકેટ તેમ જ બેન ડ્વારશુઇસ અને કૂપર કૉનોલીને એક-એક વિકેટ મળી હતી.
એ પહેલાં, ઑસ્ટ્રેલિયાએ બૅટિંગ પસંદ કરીને 264 રન બનાવ્યા હતા અને ભારતને 265 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. કાંગારુંઓ 49.3 ઓવરમાં ઑલઆઉટ થયા હતા. દસમાંથી પાંચ વિકેટ ભારતીય સ્પિનરે અને ચાર વિકેટ પેસ બોલરે લીધી હતી. ઍલેક્સ કૅરી (61 રન, 57 બૉલ, એક સિક્સર, આઠ ફોર) શ્રેયસ ઐયરના સીધા થ્રોમાં રનઆઉટ થયો હતો.
કૅપ્ટન સ્ટીવ સ્મિથ (73 રન, 96 બૉલ, એક સિક્સર, ચાર ફોર)ની હાફ સેન્ચુરી પણ ભારતીય ટીમને થોડી નડી હતી. તે 133 મિનિટ સુધી ક્રીઝ પર રહ્યો હતો અને સવાબે કલાક સુધી પોતાની ટીમ માટે આધારસ્તંભ બની ગયો હતો. તેણે ત્રણ હાફ સેન્ચુરી-પાર્ટનરશિપ કરી હતી. ટ્રેવિસ હેડ (39 રન) સાથે સ્મિથની બાવન રનની, માર્નસ લાબુશેન (29 રન) સાથે 56 રનની અને ઍલેક્સ કૅરી (61 રન) સાથે 54 રનની ભાગીદારી થઈ હતી.
મોહમ્મદ શમી (10-0-48-3) સૌથી સફળ બોલર બન્યો હતો. રવીન્દ્ર જાડેજા (8-1-40-2) અને ન્યૂ ઝીલૅન્ડ સામેની ગઈ મૅચના સુપરસ્ટાર સ્પિનર વરુણ ચક્રવર્તી (10-0-49-2)ની જોડીએ બે-બે શિકાર કર્યા હતા, જ્યારે અક્ષર પટેલ (8-1-43-1) ગ્લેન મૅક્સવેલની મહત્ત્વની વિકેટ લઈ શક્યો હતો. મૅક્સવેલને તેણે ક્લીન બોલ્ડ કર્યો હતો. ઑસ્ટ્રેલિયન ઇનિંગ્સની છેલ્લી વિકેટ હાર્દિક પંડ્યા (5.3-0-40-1)એ લીધી હતી જેમાં તેણે ઍડમ ઝૅમ્પાને ક્લીન બોલ્ડ કર્યો હતો.
ઑસ્ટ્રેલિયા પાસે ઝૅમ્પા, મૅક્સવેલ, સ્મિથ, તનવીર સંઘા અને કૂપર કૉનોલી સહિત પાંચ સ્પિનર હોવાથી ભારત માટે 265નો લક્ષ્યાંક મોટો તો હતો જ. ખરેખર તો ઑસ્ટ્રેલિયન બૅટર્સ પ્રથમ બૅટિંગનો પૂરો ફાયદો નહોતા લઈ શક્યા. કેટલાક બૅટરે લાપરવાહીભર્યા શૉટમાં વિકેટ ગુમાવી હતી.
ઓપનર ટ્રેવિસ હેડ (39 રન)ની મહત્ત્વની વિકેટ વરુણ ચક્રવર્તીએ ઑસ્ટ્રેલિયાના દાવની નવમી ઓવરમાં લીધી હતી. જોકે હેડને એ પહેલાં કેટલાક જીવતદાન મળ્યા હતા. મોહમ્મદ શમીએ મૅચના પહેલા જ બૉલ પર હેડનો કૅચ છોડ્યો હતો, એક તબક્કે તે રનઆઉટ થતાં બચ્યો હતો અને બે વખતે તે ક્લીન બોલ્ડ થતા બચી ગયો હતો. આ જીવતદાનને બાદ કરતા હેડે ટૂંકી ઇનિંગ્સમાં કેટલાક દર્શનીય શૉટ માર્યા હતા. હાર્દિકના એક બૉલમાં તેણે છગ્ગો ફટકાર્યો હતો અને શમીના લાગલગાટ ત્રણ બૉલ પર ચોક્કા માર્યા હતા. છેવટે નવમી ઓવરમાં હેડ ડીપમાં કૅચ આપી બેઠો હતો. શુભમન ગિલે દૂરથી દોડી આવીને હેડનો શાનદાર કૅચ પકડ્યો હતો.
બીજી મહત્ત્વની વિકેટ સ્ટીવ સ્મિથની હતી. શમીએ તેનું સ્ટમ્પ ઉખાડી નાખ્યું હતું. ગ્લેન મૅક્સવેલ પોતાના પાંચમા જ બૉલમાં અક્રોસ ધ લાઇન રમવા જતાં અક્ષરને ક્લીન બોલ્ડમાં વિકેટ આપી બેઠો હતો. કુલદીપ યાદવને 44 રનમાં વિકેટ નહોતી મળી, પરંતુ તેણે કાંગારુંઓને થોડા બાંધીને રાખ્યા હતા.
Also read : કંગના રનૌતે ક્રિકેટરોને ‘ધોબી કા કુત્તા’ કહ્યા હતાં! શમા મોહમ્મદનો ભાજપને વળતો જવાબ
હવે આવતી કાલે (બુધવારે) બીજી સેમિ ફાઇનલ લાહોરમાં છે જેમાં સાઉથ આફ્રિકા અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે ટક્કર થશે.