રવિવારે રોહિત માટે `13’નો આંકડો નસીબવંતો સાબિત થઈ શકે, ગેઇલની મોટી સિદ્ધિને ઓળંગી શકે

દુબઈઃ રોહિત શર્માએ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પહેલી બે મૅચમાં 41 રન અને 20 રન સાથે સાધારણ પર્ફોર્મ કર્યું છે, પણ રવિવારે ન્યૂ ઝીલૅન્ડ સામેની મૅચમાં તેને માત્ર 13 રન પણ એક મોટી સિદ્ધિ અપાવી શકે જેમાં તે ક્રિસ ગેઇલના એક મોટા કીર્તિમાનને ઓળંગી લેશે.
વાત એવી છે કે રોહિતે અત્યાર સુધીમાં ભારત વતી 496 મૅચની 529 ઇનિંગ્સમાં બૅટિંગ કરી છે અને એમાં તેણે કુલ 19,581 રન બનાવ્યા છે. એમાં તેની 49 સેન્ચુરી અને 107 હાફ સેન્ચુરી સામેલ છે.
આ પણ વાંચો: ઑસ્ટ્રેલિયા-સાઉથ આફ્રિકા મૅચ રદઃ જાણી લો…સેમિ ફાઇનલ માટે ગ્રૂપ `બી’માંથી હવે કોને કેટલો ચાન્સ છે
જો રોહિત રવિવારે કિવીઓ સામે ફક્ત 13 રન બનાવશે તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા બૅટર્સમાં ગેઇલને ઓળંગીને 14મા સ્થાને બિરાજમાન થઈ શકશે. ગેઇલે 483 મૅચની 551 ઇનિંગ્સમાં 19,593 રન બનાવ્યા છે.
ભારત વતી સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનારાઓમાં રોહિત ચોથા નંબરે છે. તેની આગળના ત્રણ બૅટર્સની વિગત આ મુજબ છેઃ સચિન તેન્ડુલકર (34,357 રન), વિરાટ કોહલી (27,503 રન) અને રાહુલ દ્રવિડ (24,208 રન).
રોહિત આ વર્ષમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન પૂરા કરી શકે એમ છે અને એવું કરનાર તે દુનિયાનો 14મો બૅટર બનશે.