Champions Trophy 2025

ENG vs AUS: ઓસ્ટ્રેલિયા સામે ઇંગ્લેન્ડે લગાવી રેકોર્ડ્સની વણઝાર, બેન ડકેટે રમી ઐતિહાસિક ઇનિંગ

લાહોર: પાકિસ્તાનના લાહોરમાં આવેલા ગદ્દાફી સ્ટેડિયમમાં આજે છગ્ગા-ચોગ્ગાનો વરસાદ જોવા મળ્યો. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ચોથી મેચ વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલીયા અને ઇંગ્લેન્ડની ટીમ વચ્ચે રમાઈ રહી (ENG vs AUS) છે. પ્રથમ બેટિંગ કરી રહેલી ઇંગ્લેન્ડના બેટર્સે ધુઆંધાર બેટિંગ કરી હતી, ઇંગ્લેન્ડે 8 વિકેટ ગુમાવીને સ્કોર બોર્ડ પર 351 રન ખડક્યા. બેન ડકેટે (Ben Duckett) 143 બોલમાં 165 રનની મોટી ઇનિંગ રમી. આ સાથે ડકેટ ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી મોટી ઇનિંગ રમનાર ખેલાડી બની ગયો છે. તેના ઉપરાંત જો રૂટે પણ 68 રન બનાવ્યા.

આ પણ વાંચો: Champions Trophy: લાહોરના સ્ટેડિયમમાં ભારતનું રાષ્ટ્રગીત વાગ્યું; પાકિસ્તાન ક્રિકેટ મેનેજમેન્ટે લોચો માર્યો!

આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શરૂઆતમાં આ નિર્ણય સાચો સાબિત થયો કારણ કે ઇંગ્લેન્ડના બંને ઓપનરોને 6 ઓવરમાં આઉટ થઇ ગયા. પરંતુ તે પછી ઓસ્ટ્રેલિયન બોલરો વિકેટ ન લઇ શક્યા. બેન ડકેટ અને જો રૂટ વચ્ચે 158 રનની મોટી પાર્ટનરશીપ થઇ.. કેપ્ટન જોસ બટલરે પણ 23 રન બનાવ્યા.

છેલ્લી 5 ઓવરમાં, ઇંગ્લેન્ડની ટીમ રન બનાવવા માટે સંઘર્ષ કરતી દેખાઈ અને સતત વિકેટો પડતી રહી. પરંતુ છેલ્લી ઓવરોમાં, જોફ્રા આર્ચરે 10 બોલમાં 21 રનની બનાવીને ટીમનો સ્કોર 350ને પાર લઇ ગયો.

આ પણ વાંચો: Champions Trophy: પાકિસ્તાન સામેની મેચ પહેલા ભારતનો આ સ્ટાર બેટર બીમાર પડ્યો; પ્લેઇંગ-11ને થશે અસર?

રેકોર્ડ તોડ ઇનિંગ:

ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 8 વિકેટે 351 રન બનાવ્યા. ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ દ્વારા બનાવેલો આ સૌથી વધુ સ્કોર છે. બેન ડકેટ હવે ICC ODI ટુર્નામેન્ટમાં ઈંગ્લેન્ડ માટે સૌથી મોટી ઇનિંગ રમનાર બેટ્સમેન બની ગયો છે.

ઇંગ્લેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર બનાવનાર ટીમ બની ગઈ છે. અત્યાર સુધી રમાયેલી 3 મેચમાં સૌથી વધુ સ્કોર 320 રનનો હતો, જે ન્યુઝીલેન્ડે પાકિસ્તાન સામે બનાવ્યો હતો.

બેન ડકેટની તોફાની ઇનિંગ:

બેન ડકેટે ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી મોટી ઇનિંગ રમનાર બેટ્સમેન બન્યો હતો. આ પહેલા, આ ટુર્નામેન્ટમાં સૌથી મોટી ઇનિંગ્સનો રેકોર્ડ ન્યુઝીલેન્ડના નાથન એસ્ટલના નામે હતો, જેમણે 10 સપ્ટેમ્બર 2004ના રોજ યુએસએ સામે 151 બોલમાં 145 રન બનાવ્યા હતા.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી મોટી ઇનિંગ:

165 રન – બેન ડકેટ, 2025
145* રન – નાથન એસ્ટલ,2004
145 રન – એન્ડી ફ્લાવર, 2002
141 રન – સચિન તેંડુલકર, 1998
141* રન – સૌરવ ગાંગુલી, 2000
141 રન – ગ્રીમ સ્મિથ, 2009

ઓસ્ટ્રેલિયન બોલિંગની હવા નીકળી:

ઈંગ્લેન્ડની મજબૂત બેટિંગ જોઈને ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે 7 બોલરોનો ઉપયોગ કરવો પડ્યો. બેન ડ્વારશુઇસ ટીમનો સૌથી અસરકારક બોલર સાબિત થયો, તેણે 10 ઓવરમાં 66 રન આપીને 3 વિકેટ લીધી. એડમ ઝામ્પા અને માર્નસ લાબુશેને બે-બે વિકેટ લીધી, જ્યારે ગ્લેન મેક્સવેલે પણ એક વિકેટ લીધી. નાથન એલિસ સિવાય, બધા ઓસ્ટ્રેલિયન બોલરોએ 6 થી વધુના ઇકોનોમી રેટથી રન આપ્યા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button