ICC ફાઇનલમાં ભારત સામે ન્યુઝીલેન્ડનું પલડું ભારે; જુઓ હેડ-ટૂ-હેડ રેકોર્ડ

મુંબઈ: 19 ફેબ્રુઆરીથી શરુ થયેલી ICC Champions Trophy 2025 ટુર્નામેન્ટમાં ચમ્પિયન કોણ બનશે એનો ફેંસલો 9મી માર્ચ રવિવારના દિવસે થઇ જશે. રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડીયમમાં (IND vs NZ, Dubai) રમાશે. ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં હજુ અજેય રહી છે, ભારતે લિગ મેચના તમામ ત્રણ મેચ અને સેમીફાઈનલ મેચમાં જીત મેળવી છે. બીજી તરફ ન્યુઝીલેન્ડ લિગ મેચમાં ભારત સામે એક જ મેચ હર્યું હતું, બાકીની તમામ મેચમાં ન્યુઝીલેન્ડે જીત મેળવી છે.
ગઈ કાલે રમાયેલી બીજી સેમી ફાઈનલમાં ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકા સામે શાનદાર જીત મળેવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ભારત અને ન્યુઝીલેન્ડ બંને ટીમોમાં દિગ્ગજ અને ઇન-ફોર્મ ખેલાડીઓ છે, ત્યારે રવિવારે દર્શકોને એક રસાકસીભરી મેચ જોવા મળી શકે છે. ચાલો જાણીએ કે બંને ટીમોનો હેડ-ટૂ-હેડ રેકોર્ડ.
ન્યુઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં હાર:
ભારતીય ટીમ અત્યાર સુધીમાં બે વાર ન્યુઝીલેન્ડ સામે ICC ફાઇનલ હારી ચૂકી છે. વર્ષ 2000ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને હરાવ્યું હતું, આ મેચમાં ભારત તરફથી સૌરવ ગાંગુલીએ સદી ફટકારી હતી, પરંતુ સામે ક્રિસ કેર્ન્સે ન્યૂઝીલેન્ડ માટે શાનદાર ઇનિંગ્સ રમી અને ગાંગુલીની સદી પર પાણી ફેરવી દીધું, ન્યુઝીલેન્ડ ફાઇનલ મેચ ચાર વિકેટથી જીતી ગયું. નોંધનીય છે કે એ સમયે આ ટુર્નામેન્ટ ‘નોકઆઉટ ટુર્નામેન્ટ’ તરીકે ઓળખાતી હતી.
WTC ફાઇનલ 2021:
2021 ની ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી, જેમાં ન્યુઝીલેન્ડે 8 વિકેટથી જીત મેળવી હતી. આ મેચમાં કાયલ જેમીસન ન્યુઝીલેન્ડ માટે હીરો સાબિત થયો, તેણે મેચમાં કુલ 7 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો…ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ પહેલા વધુ એક દિગ્ગજ ખેલાડીએ નિવૃત્તિ જાહેર કરી; આવી રહી કારકિર્દી
ચેમ્પિયન્સ ટ્રોફીમાં બંને ટીમોનો રેકોર્ડ:
ભારત અને ન્યુઝીલેન્ડ બંને ટીમો પાસે એકથી વધી એક ધુઆંધાર ખેલાડીઓ છે. ભારતીય ટીમની કમાન રોહિત શર્માના હાથમાં છે. ન્યુઝીલેન્ડનો કેપ્ટન મિશેલ સેન્ટનર છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધી ફક્ત બે મેચ રમાઈ છે, જેમાં ભારતે એક જીતી છે અને એક મેચમાં ન્યુઝીલેન્ડની જીત થઇ છે.
ભારતે આટલી વાર ચેમ્પિયન્સ ટ્રોફી ટાઇટલ જીત્યું:
ભારતે અત્યાર સુધીમાં બે વાર ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. એકવાર 2002 માં સૌરવ ગાંગુલી (સંયુક્ત વિજેતા) ની કેપ્ટનશીપ હેઠળ અને એકવાર 2013 માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ અત્યાર સુધી ફક્ત એક જ વાર ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતી શકી છે. ન્યુઝીલેન્ડે સ્ટીફન ફ્લેમિંગની કેપ્ટનશીપ હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફી 2000નો ખિતાબ જીત્યો હતો.