ભારત સામેની ટક્કર પહેલાં જ પાકિસ્તાનને મોટો ઝટકો, ખતરારૂપ ઓપનર સ્પર્ધાની બહાર
ટીમ ઇન્ડિયા સામે સારો રેકૉર્ડ ધરાવનાર બૅટરના સ્થાને ઇન્ઝમામના ભત્રીજાનો ટીમમાં સમાવેશ

દુબઈઃ વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીના યજમાન પાકિસ્તાનને બે દિવસમાં બે જોરદાર ઝટકા લાગ્યા છે. ગઈ કાલે કરાચીમાં સ્પર્ધાની પ્રારંભિક મૅચમાં મોહમ્મદ રિઝવાનની ટીમનો મિચલ સૅન્ટનરના સુકાનમાં રમતી પાકિસ્તાનની ટીમે ન્યૂ ઝીલૅન્ડ સામે 60 રનથી ઘોર પરાજય જોવો પડ્યો ત્યાર બાદ આજે પાકિસ્તાનનો ઓપનિંગ બૅટર ફખર ઝમાન ઘૂંટણની ઈજાને કારણે ટૂર્નામેન્ટની બહાર થઈ ગયો હતો. ફખરના સ્થાને ભૂતપૂર્વ કૅપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકના ભત્રીના ઇમામ-ઉલ-હકને ટીમમાં સમાવવામાં આવ્યો છે. ફખર વન-ડેમાં છેલ્લે 2023માં ભારત સામેની વન-ડે વર્લ્ડ કપની મૅચમાં રમ્યો હતો. તેને કરીઅર દરમ્યાન ઘૂંટણમાં વારંવાર દુખાવો થયો છે.
પાકિસ્તાનની ટીમ બુધવારે કરાચીમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની હાર બાદ દુબઈ જવા રવાના થઈ હતી અને ઇમામ તેની સાથે જોડાઈ રહ્યો છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવાર, 23મી ફેબ્રુઆરીએ (બપારે 2.30 વાગ્યાથી) દુબઈમાં ગ્રૂપ એ'ની હાઇ-વૉલ્ટેજ મૅચ રમાશે. ફખર ઝમાન સામાન્ય રીતે ભારત સામે સારું રમી ચૂક્યો છે એટલે તેની ગેરહાજરીથી રોહિતસેનાને ફાયદો થશે. જોકે ઇમામ પણ ટૅલન્ટેડ બૅટર છે. ફખરને ઘૂંટણની જૂની ઈજા છે અને તેને બુધવારની મૅચ દરમ્યાન ફરી ઘૂંટણમાં દુખાવો શરૂ થતાં તેણે ટીમમાંથી નીકળી જવું પડ્યું છે. તેની જગ્યાએ ઇમામને લેવા વિશે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આઇસીસીની ઇવેન્ટ ટેક્નિકલ કમિટીની પરવાનગી લેવી પડી હતી. 29 વર્ષનો ઇમામ પાકિસ્તાન વતી 72 વન-ડે રમ્યો છે જેમાં તેણે નવ સેન્ચુરી અને 20 હાફ સેન્ચુરીની મદદથી અને 48.27ની સરેરાશે 3,138 રન બનાવ્યા છે. ફખરે બુધવારે કિવીઓ સામેની મૅચમાં 41 બૉલમાં ચાર ફોરની મદદથી 24 રન બનાવ્યા હતા.
તે માઇકલ બે્રસવેલના બૉલમાં ક્લીન બોલ્ડ થયો હતો. એ પહેલાં તેણે કિવીઓ વતી 39 બૉલમાં ચાર સિક્સર અને ત્રણ ફોરની મદદથી ઝમકદાર 61 રન બનાવનાર ગ્લેન ફિલિપ્સનો કૅચ પકડ્યો હતો. ફખરે
એક્સ’ પર કહ્યું છે કે `કમનસીબે મારે આઇસીસી ચૅમ્પિયન્સ ટ્રોફીની બહાર થઈ જવું પડ્યું છે. જોકે અલ્લાને જે ઠીક લાગ્યું એ સ્વીકાર્ય છે. મને જે કંઈ તક મળી એ બદલ હું આભારી છું. હું ઘરમાં બેસીને મેન ઇન ગ્રીનને સપોર્ટ કરીશ.’
આ પણ વાંચો : ચૅમ્પિયન્સ ટ્રોફીની ધમાકેદાર શરૂઆત, પહેલા જ દાવમાં બે સદી અને બે સેન્ચુરી-પાર્ટનરશિપ
34 વર્ષનો ફખર 86 વન-ડે રમ્યો છે જેમાં તેણે 46.00 જેટલી સરેરાશે કુલ 3,651 રન બનાવ્યા છે જેમાં તેની 11 સેન્ચુરી અને 17 હાફ સેન્ચુરી સામેલ છે.
ફખર મૅચની પહેલી જ ઓવરમાં બાઉન્ડરી લાઇન તરફ જતા બૉલને રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેને ઘૂંટણની ઈજા નડી હતી. તે ઓપનિંગમાં બૅટિંગ નહોતો કરી શક્યો જેને લીધે સાઉદ શકીલને ઓપનિંગમાં મોકલવો પડ્યો હતો. ફખર ચોથા ક્રમે રમવા આવ્યો હતો અને બૅટિંગ દરમ્યાન તેને ઘૂંટણમાં ખૂબ દુખાવો થયો હતો.