દુબઈની પિચ ભારતીય ટીમ માટે વિપરીત થઈ શકેઃ ખુદ પિચ ક્યૂરેટરે મોટો ખુલાસો કર્યો છે

દુબઈઃ આવતી કાલે શરૂ થઈ રહેલી વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફી મુખ્યત્વે પાકિસ્તાનમાં રમાશે, પરંતુ ભારતની તમામ મૅચો દુબઈમાં રમાશે એટલે સ્વાભાવિક રીતે કરોડો ભારતીય ક્રિકેટપ્રેમીઓને દુબઈની જ પિચ વિશે જાણવાની તાલાવેલી હોય એટલે જણાવી દઈએ કે દુબઈની પિચ બનાવનાર ક્યૂરેટર મૅથ્યૂ સેન્ડર્સે એક જાણીતી અંગે્રજી ક્રિકેટલક્ષી વેબસાઇટને મુલાકાતમાં કહ્યું છે કે દુબઈની પિચ સ્લો નહીં રહે.
બીજી રીતે કહીએ તો દુબઈની પિચ સ્લો રહેશે એવું ધારીને ભારતીય સ્ક્વૉડમાં પાંચ સ્પિનર (રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, વૉશિંગ્ટન સુંદર)નો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે સૅન્ડર્સને દુબઈની પિચ સ્લો રહેશે? એવું પૂછાતાં તેમણે ના'માં જવાબ આપ્યો હતો. ભારતની પ્રથમ મૅચ ગુરુવારે બાંગ્લાદેશ સામે અને બીજી મૅચ રવિવારે પાકિસ્તાન સામે રમાશે. સૅન્ડર્સે દુબઈની પિચ વિશે વધુમાં કહ્યું,
યુએઇની સ્પર્ધા આઇએલટી20ની ફાઇનલ બાદ બે અઠવાડિયા સુધી પિચને રિકવરી ટાઇમ મળ્યો જેમાં પિચ બનાવવા માટે પૂરતો સમય મળ્યો એટલે અમે અહીંની પરિસ્થિતિ અનુસાર સારામાં સારી અને અનુકૂળ પિચ બનાવવાનો પ્રયાસ કર્યો છે. વન-ડે માટે વિશ્વભરની પિચો જેવી હોય છે એવી પિચ અમે અહીં બનાવી છે.’
આ પણ વાંચો…આવતી કાલથી 36 કૅમેરા અને અદ્યતન ટેક્નોલૉજીના અઢળક સાધનો ક્રિકેટરો પર રાખશે બાજ નજર
જો પિચ સ્લો રહેશે તો ભારતીય સ્પિનર્સને એનો ફાયદો ઉઠાવવાનો બહુ સારો મોકો મળશે. આઇએલટી20ની મૅચોમાં બોલર્સ અને બૅટર્સ, બન્નેને દુબઈની પિચ પર સારી મદદ મળી હતી. ખાસ ઉલ્લેખ કરવાનો કે આખી આઇએલટી20 દરમ્યાન ફક્ત એક વાર 200-પ્લસનો ટીમ-સ્કોર જોવા મળ્યો હતો.