પાકિસ્તાનના જ ગુજરાતી પ્લેયરે ચોંકાવનારા નિવેદનોમાં કહ્યું, `રિઝવાનની ટીમ ભારતનો સામનો કરવા પૂરી તૈયાર નથી’
ભૂતપૂર્વ સ્પિનરના મતે બાબર પોતાના સ્વાર્થ માટે જ રમે છે

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં રહેતા ગુજરાતી વૈષ્ણવ પરિવારના ભૂતપૂર્વ સ્પિનર દાનિશ કનેરિયાએ પાકિસ્તાનની ટીમની સફળતાને આપવાને બદલે અંગત કીર્તિમાનોને અગ્રતા આપવા બદલ ભૂતપૂર્વ સુકાની અને વર્તમાન બૅટિંગ લાઇન-અપના મુખ્ય બૅટર બાબર આઝમની ટીકા કરી છે તેમ જ આવતી કાલે દુબઈમાં ભારત સામે જે હાઈ-વૉલ્ટેજ ટક્કર થવાની છે એ પહેલાંની મોહમ્મદ રિઝવાનના નેતૃત્વ હેઠળની ટીમની પૂર્વતૈયારી બાબતમાં ચિંતા વ્યક્ત કરી છે.
Also read : અમદાવાદની મૅચમાં કૅચ એવો હતો કે અમ્પાયરો પણ મૂંઝાઈ ગયા…

સિંધ પ્રાન્તમાં કરાચીમાં જન્મેલા કનેરિયાએ પીટીઆઇ વીડિયો માટેની મુલાકાતમાં કહ્યું હતું કે પાકિસ્તાનની બૅટિંગ લાઇન-અપ સંઘર્ષ કરી રહી છે. બાબરને ટીમની સફળતા કરતાં અંગત પર્ફોર્મન્સમાં જ રસ છે. તે પોતાના માટે જ રમે છે. તે પ્રેશરમાં હોય ત્યારે પોતાના આંકડા સલામત રહે અને આઇસીસી રૅન્ક પણ અકબંધ રહે એના પર જ ધ્યાન આપતો હોય છે.’ થોડા જ દિવસ પહેલાં બાબરે વન-ડે બૅટર્સની નંબર-વન રૅન્ક ગુમાવી. તેના સ્થાને ભારતનો વાઇસ-કૅપ્ટન શુભમન ગિલ અવ્વલ થઈ ગયો છે. ન્યૂ ઝીલૅન્ડ સામે પાકિસ્તાન ગુરુવારે જે પ્રથમ મૅચ હાર્યું એમાં બાબરે ધીમી બૅટિંગમાં 90 બૉલમાં 64 રન બનાવ્યા એ બદલ તેની ટીકા થઈ રહી છે.
તે રનમશીનને વેગ નહોતો આપી શક્યો અને ખરા સમયે (34મી ઓવરમાં) વિકેટ ગુમાવી બેઠો હતો. પાકિસ્તાન કિવીઓ સામે 60 રનથી હારી ગયું અને પાકિસ્તાન માટે હવે 2017માં જીતેલું ચૅમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ સાચવવાનું મુશ્કેલ થઈ ગયું છે. કનેરિયાએ પીટીઆઇને વધુમાં કહ્યું,મેં હાફ સેન્ચુરી ફટકારી, મેં આ કર્યું, મેં પેલું કર્યું એવું બધુ તે કહ્યા કરે છે, પણ ટીમને વિજય અપાવવા માટેની પ્રબળ ઇચ્છાશક્તિ તેનામાં ક્યાં છે? જો તમે દેશ વતી રમતા હોવ તો દેશની સફળતા પર પહેલાં ધ્યાન આપવું જોઈએ. થોડી ઇચ્છાશક્તિ તો બતાવો. કમનસીબે, બાબરમાં એવું નથી જોવા મળી રહ્યું.’
Also read : Champions Trophy: આઉટ થયા બાદ પાકિસ્તાનનો આ બેટર ડ્રેસિંગ રૂમમાં પોક મૂકીને રડી પડ્યો! જાણો શું છે મામલો
કનેરિયાએ ન્યૂ ઝીલૅન્ડ સામેના બે સફળ બૅટર સલમાન આગા (28 બૉલમાં 42 રન) અને ખુશદિલ શાહ 49 બૉલમાં 69 રન)ની પ્રશંસા કરવાની સાથે પાકિસ્તાનની ટીમ વિશે વધુમાં કહ્યું હતું કે `આ વખતે ભારત સામેના મુકાબલા વખતે પાકિસ્તાનમાં ઓછો ઉત્સાહ જોવા મળ્યો છે, કારણકે પાકિસ્તાનની ટીમ હાલમાં સારું નથી રમી રહી, જ્યારે ભારતીયો ઉત્કૃષ્ટ ફૉર્મમાં છે. હમણાં જ તેમણે ઇંગ્લૅન્ડને હરાવીને 2025ના વર્ષની સારી શરૂઆત કરી છે.’