Champions Trophy 2025

ચેમ્પિયન્સ ટ્રોફીઃ સાઉથ આફ્રિકા માટે આવતીકાલે ‘કરો યા મરો’, ઇગ્લેન્ડને હરાવી સેમિફાઇનલમાં પહોંચવાનો કરશે પ્રયાસ

કરાંચીઃ દક્ષિણ આફ્રિકા આવતીકાલે અહીં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી ગ્રુપ બીની અંતિમ લીગ મેચમાં સંઘર્ષ કરી રહેલી ઈંગ્લેન્ડ સામે જીત નોંધાવીને પોતાનો દબદબો જાળવવાનો પ્રયાસ કરશે. સાઉથ આફ્રિકા સામે ઇગ્લેન્ડ સામેની મેચ ‘કરો યા મરો’ રહેશે. સાઉથ આફ્રિકા આ મેચમાં જીત મેળવીને સેમિફાઇનલમાં પહોંચવાનો પ્રયાસ કરશે. ગ્રુપ-એમાંથી ભારત અને ન્યૂ ઝીલેન્ડ પહેલા જ સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂક્યા છે, પરંતુ ગ્રુપ-બીમાંથી ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન રેસમાં છે.

રોમાંચક મુકાબલામાં આઠ રનથી જીત મેળવીને અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને સેમિફાઈનલની રેસમાંથી બહાર કરી દીધું હતું અને અંતિમ ચારમાં સ્થાન મેળવવાની તેની આશા જીવંત રાખી હતી. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. આ બંને ટીમોના હાલમાં ત્રણ-ત્રણ પોઈન્ટ છે જ્યારે અફઘાનિસ્તાનના બે પોઈન્ટ છે. ઈંગ્લેન્ડની ટીમને તેની બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો: IND vs NZ: આટલા રન બનાવતાની સાથે જ વિરાટ કોહલી સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડશે!

ઇંગ્લેન્ડ સામેની મેચમાં સાઉથ આફ્રિકાનો હાથ ઉપર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે તેની ટીમે અત્યાર સુધીમાં ત્રણેય વિભાગોમાં સારું પ્રદર્શન કર્યું છે અને તેના મોટાભાગના ખેલાડીઓ સારા ફોર્મમાં છે. બીજી તરફ ઈંગ્લેન્ડની ટીમ બેટિંગમાં જો રૂટ પર વધુ પડતી નિર્ભર છે. દક્ષિણ આફ્રિકાની ટીમ વરસાદથી પ્રભાવિત ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી માત્ર એક જ મેચ રમી શકી છે જેમાં તેણે અફઘાનિસ્તાનને 107 રનથી હાર આપી હતી.

આ મેચમાં રેયાન રિકલ્ટને સદી ફટકારી હતી, જ્યારે કેપ્ટન ટેમ્બા બાવુમા, રાસી વાન ડેર ડુસેન અને એડન માર્કરામે અડધી સદી ફટકારી હતી, જેના કારણે દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા છ વિકેટે 315 રન કર્યા હતા અને પછી અફઘાનિસ્તાનને 208 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.

આ પણ વાંચો: IND vs NZ: રોહિત શર્માને આરામ આપવામાં આવશે! કોણ બનશે કેપ્ટન અને કોણ કરશે ઓપનીંગ?

સાઉથ આફ્રિકાની ટીમ કાગળ પર મજબૂત દેખાતી હોવા છતાં અને આઈસીસી સ્પર્ધાઓમાં સારું પ્રદર્શન કર્યું હોવા છતાં છેલ્લા એક વર્ષમાં તે અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી નથી. દક્ષિણ આફ્રિકાને છેલ્લી 12 વન-ડે મેચમાંથી આઠ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનમાં રમાયેલી ત્રિકોણીય શ્રેણીમાં દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું

તેણે ઈંગ્લેન્ડ સામેની મેચમાં તેના પ્રદર્શનમાં સાતત્ય જાળવી રાખવું પડશે કારણ કે જોસ બટલરની કેપ્ટનશીપ હેઠળની ટીમ જીત સાથે તેના અભિયાનનો અંત લાવવા માંગશે. રૂટ સિવાય ઈંગ્લેન્ડનો કોઈ ખેલાડી ફોર્મમાં નથી. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારત સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં તેને તમામ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં જીત માટે ઇગ્લેન્ડની ટીમે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.

અફઘાનિસ્તાન સામેની છેલ્લી મેચમાં રૂટે 120 રનની શાનદાર ઇનિંગ રમી હતી પરંતુ તેના અન્ય બેટ્સમેનો ફરી નિષ્ફળ રહ્યા હતા. બોલરોની નિષ્ફળતાના કારણે ઈંગ્લેન્ડને તેની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button