Champions Trophy: પાકિસ્તાન તેરા ક્યા હોંગા…! બાંગ્લાદેશના સહારે પાકિસ્તાનની ટીમ, સેમીફાઈનલનું સમીકરણ

દુબઈ: પાકિસ્તાની યજમાની હેઠળ યોજાઈ રહેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (ICC Champions Trophy) ધીમે ધીમે વધુ રોમાંચક બની રહી છે. યજમાન પાકિસ્તાનની ટીમ આ ટુર્નામેન્ટના પહેલા બે મેચ હારીને મુશ્કેલીમાં મુકાઈ છે. ટુર્નામેન્ટની ઓપનીંગ મેચમાં ન્યુઝીલેન્ડ સામે પાકિસ્તાનને 60 રને હાર મળી હતી, ત્યારબાદ ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું. હવે પાકિસ્તાન ટુર્નામેન્ટની બહાર ફેંકાઈ જાય એવી શક્યતા છે, જોકે હજુ પણ આશાનું કિરણ બાકી છે. આજની મેચ બાદ પાકિસ્તાનનું ભાગ્ય નક્કી થઇ જશે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ 8 ટીમો ભાગ લઇ રહી છે, ચાર-ચાર ટીમોના બે ગ્રુપ બનાવવામાં આવ્યા છે. પ્રથમ રાઉન્ડમાં બધી ટીમો તેમના ગ્રુપની અન્ય ત્રણ ટીમો સામે એક એક મેચ રમશે. આ પછી, બંને ગ્રુપની ટોચની બે-બે ટીમો સેમિફાઇનલમાં પહોંચશે.
ગ્રુપ-Aમાં ભારત,પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશની ટીમોનો સમાવેશ થાય ચછે. પાકિસ્તાન હાલમાં બંને મેચ હાર્યા બાદ શૂન્ય પોઈન્ટ સાથે ગ્રુપમાં સૌથી નીચે છે. ટીમ ઈન્ડિયા બંને મેચ જીતીને ગ્રુપમાં ટોચ પર છે. હવે પાકિસ્તાનની આશા આજે રમાનારા ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચેના મેચ પર છે. ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને હરાવીને પોતાની પહેલી મેચ જીતી લીધી છે, એટલે કે તેના બે પોઈન્ટ છે. જો બાંગ્લાદેશ આજની મેચ જીતી જાય તો પાકિસ્તાનની આશા જીવંત રહી શકે છે, જો આજની મેચ ન્યુઝીલેન્ડ જીતી જશે તો ન્યુઝીલેન્ડ સેમીફાઈનલમાં પહોંચી જશે અને પાકિસ્તાન ટુર્નામેન્ટની બહાર ફેંકાઈ જશે.
પાકિસ્તાન માટે સેમીફાઈનલનું સમીકરણ:
જો બાંગ્લાદેશ આજની મેચ જીતી જાય, તો પાકિસ્તાનની આશા જીવતી રહેશે પરંતુ ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડને પણ હરાવે એ પણ જરૂરી રહેશે. આ ઉપરાંત પાકિસ્તાને બાંગ્લાદેશ સામેની મેચમાં મોટી જીત મેળવવી પડશે, આવું થાય તો ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશના બે-બે પોઇન્ટ રહેશે. આવી સ્થિતિમાં, ગ્રુપ A માંથી સેમિફાઇનલમાં પહોંચનાર બીજી ટીમનો નિર્ણય નેટ રન રેટના આધારે કરવામાં આવશે. જો ન્યુઝીલેન્ડ-બાંગ્લાદેશ મેચ રદ થાય, તો પણ પાકિસ્તાની ટીમ બહાર થઈ જશે.
આ પણ વાંચો…ICC Champions Trophy: આ મામલે વિરાટે પોન્ટિંગને પાછળ છોડ્યો, અન્ય ઘણા રેકોર્ડ્સ પણ બનાવ્યા
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગ્રુપ-Aના બાકીની મેચો:
આજે બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડની વચ્ચે રાવલપિંડીમાં મેચ યોજાશે. 27 ફેબ્રુઆરીએ, રાવલપિંડીમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. આ પછી, આ ગ્રુપની છેલ્લી લીગ મેચ 2 માર્ચે ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો વચ્ચે દુબઈમાં રમાશે.