ચેમ્પિયન અક્ષર પટેલ ઘરે પરત ફર્યો, અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માભેર સ્વાગત

અમદાવાદઃ ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા હતા. કેપ્ટન રોહિત શર્મા અને શ્રેયસ અય્યર મુંબઈ, ગૌતમ ગંભીર અને હર્ષિત રાણા દિલ્હી, વરૂણ ચક્રવર્તી અને રવીન્દ્ર જાડેજા ચેન્નઈ, અક્ષર પટેલ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. દરેક જગ્યાએ ક્રિકેટ ચાહકોએ તેમનું શાનદાર સ્વાગત કર્યું હતું.
કિવીઝ સામેની ગ્રુપ સ્ટેજ મેચથી ભારતે જે ચાર સ્પિનરોને રમાડ્યા હતા તેમાંના એક અક્ષરે ખૂબ ઈકોનોમિ બોલિંગ કરી હતી. ઉપરાંત ટોચના અને મધ્યમ ક્રમના બેટ્સમેન સાથે મહત્ત્વપૂર્ણ ભાગીદારી પણ કરી હતી. અક્ષરને એરપોર્ટ પરથી સુરક્ષા કર્મચારીઓએ ઘેરી લીધો હતો. હાથ હલાવીને તેના આગમનની રાહ જોઈ રહેલા ચાહકોનું સ્વાગત કર્યું હતું.
12મા ખેલાડી તરીકે સ્થાન
અક્ષરને સોમવારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ICC ની ટુર્નામેન્ટ ટીમમાં 12મા ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. તેણે બોલ સાથે યોગદાન આપ્યું, પાંચ વિકેટ લીધી અને બેટ સાથે કુલ 109 રન બનાવ્યા, જેમાં ફાઇનલમાં 29 રનનો સમાવેશ થાય છે.
અક્ષર આગામી થોડા દિવસોમાં દિલ્હી કેપિટલ્સ કેમ્પમાં જોડાય તેવી અપેક્ષા છે. દિલ્હી કેપિટલ્સ તેને કેપ્ટન બનાવી શકે છે.