લાહોરમાં સેન્ચુરિયન બેન ડકેટ છવાઈ ગયોઃ ઇંગ્લૅન્ડે હાઇએસ્ટ સ્કોરનો વિક્રમ રચી દીધો…

લાહોરઃ અહીં ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ગ્રૂપ `બી’ના મહત્ત્વના મુકાબલામાં ઇંગ્લૅન્ડે ઑસ્ટ્રેલિયા સામે બૅટિંગ મળ્યા બાદ ખરાબ શરૂઆત બાદ માત્ર બે બૅટરની મોટી ઇનિંગ્સની મદદથી 50 ઓવરમાં આઠ વિકેટે 351 રન ખડકી દીધા હતા. ચૅમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં હવે આ હાઇએસ્ટ ટોટલ છે. બ્રિટિશરોએ ન્યૂ ઝીલૅન્ડનો 347/4નો 21 વર્ષ જૂનો વિક્રમ તોડી નાખ્યો હતો. સૌથી મોટા ટોટલમાં પાકિસ્તાન 338/4ના સ્કોર સાથે ત્રીજા નંબરે અને ભારત 331/7ના ટોટલ સાથે ચોથા સ્થાને છે.
Also read : સાઉથ આફ્રિકા બે મૅચ-વિનર વગર રમ્યું છતાં જીતી ગયું
30 વર્ષની ઉંમરના લેફ્ટ-એન્ડ ઓપનર બેન ડકેટ (165 રન, 143 બૉલ, 215 બૉલ, ત્રણ સિક્સર, સત્તર ફોર) બ્રિટિશરોની આજની ઇનિંગ્સનો સુપર હીરો હતો. તેણે કરીઅરની ત્રીજી વન-ડે સેન્ચુરી ફટકારી હતી. તેની અને જૉ રૂટ (68 રન, 78 બૉલ, 106 મિનિટ, ચાર ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે 155 બૉલમાં 158 રનની તોતિંગ ભાગીદારી થઈ હતી.
શરૂઆતની છ ઓવરની અંદર ઇન્ફૉર્મ બૅટર-ઓપનર ફિલ સૉલ્ટ (10 રન) અને પછી વિકેટકીપર જૅમી સ્મિથ (15 રન)ની વિકેટ પડ્યા બાદ એક તબક્કે ઇંગ્લૅન્ડનો સ્કોર બે વિકેટે ફક્ત 43 રન હતો, પરંતુ ડકેટ-રૂટની જોડીએ ધબડકો રોકીને ટીમની આબરૂ સાચવી લીધી હતી. તેમણે સ્કોર 43 રન પરથી 200 ઉપર પહોંચાડી દીધો હતો. છેક 31મી ઓવરમાં 201 રનના ટીમ-સ્કોર પર રૂટ આઉટ થઈ ગયા બાદ ઇંગ્લૅન્ડનું રનમશીન ધીમું પડી ગયું હતું.
ટકેટ અને કૅપ્ટન જૉસ બટલર (23 રન) વચ્ચે પાંચમી વિકેટ માટે 61 રનની પાર્ટનરશિપ થઈ હતી. એ સિવાય બીજી મોટી ભાગીદારી નહોતી થઈ એમ છતાં લિઆમ લિવિંગસ્ટન (14 રન) તથા જોફ્રા આર્ચર (21 અણનમ) સહિતના પૂછડિયાઓ ટીમના સ્કોરને 350-પ્લસ સુધી પહોંચાડવામાં સફળ થયા હતા.
સ્ટીવ સ્મિથના સુકાનમાં ઑસ્ટ્રેલિયાના સાત-સાત બોલર બ્રિટિશરોને (ખાસ કરીને ડકેટ અને જૉ રૂટ) અંકુશમાં નહોતા રાખી શક્યા.
Also read : ગોવામાંથી ગુજરાતના ત્રણ જણ મૅચ પર બેટિંગ લેતા પકડાયા
ઑસ્ટ્રેલિયાની ટીમ મુખ્ય બોલર અને કૅપ્ટન પૅટ કમિન્સ, મિચલ સ્ટાર્ક, જૉશ હૅઝલવૂડ, મિચલ માર્શ વિના પાકિસ્તાન આવી છે. તેમની ગેરહાજરીમાં સ્પેન્સર જૉન્સને બોલિંગની આગેવાની સંભાળી હતી, પરંતુ તેને 54 રનમાં એકેય વિકેટ નહોતી મળી. ત્રીજી જ વન-ડે રમી રહેલા લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર બેન ડ્વારશુઇસ ત્રણ વિકેટ તેમ જ સ્પિનર ઍડમ ઝૅમ્પા અને માર્નસ લાબુશેન બે-બે વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. ગ્લેન મૅક્સવેલને એક વિકેટ મળી હતી, પણ નૅથન એલિસ તથા મૅથ્યૂ શૉર્ટ વિકેટ વિનાના રહ્યા હતા.