Champions Trophy 2025

‘આજે પાકિસ્તાન જ જીતવું જોઈએ, મજા આવશે’: ભારતનો ભૂતપૂર્વ બોલર કેમ આવું કહે છે?

દુબઈ/નવી દિલ્હી: આજે બપોરે 2:30 વાગ્યે દુબઈમાં શરૂ થનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફીની મૅચમાં ટીમ ઇન્ડિયા જ જીતે એવી કરોડો ભારતીય ક્રિકેટ પ્રેમીઓ આશા રાખીને બેઠાં હશે એવામાં ભારતના જ એક ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે ચોંકાવનારા નિવેદનમાં કહ્યું છે કે ‘આજે તો પાકિસ્તાન જ જીતવું જોઈએ, મજા આવશે.’

1990-91 દરમ્યાન ભારત વતી ચાર ટેસ્ટ અને નવ વન-ડે રમી ચૂકેલા ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અતુલ વાસને આ સનસનાટીભર્યું નિવેદન આપ્યું છે. જોકે આવું કહેવા પાછળનો તેમનો આશય જાણવા જેવો છે.

હેડ-ટુ-હેડ મુકાબલામાં કોણ ચડિયાતું?

છેલ્લા પાંચ વર્ષમાં પાકિસ્તાન સામેની વન-ડે મૅચોમાં ભારતનો રેકોર્ડ બહુ સારો છે, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનનો હાથ ઉપર છે. છેલ્લે 2017માં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાને ભારતને જ હરાવીને ટાઈટલ જીતી લીધું હતું. જોકે આજે ભારત જો પાકિસ્તાનને હરાવશે તો એ હારનો બદલો તો લીધો જ કહેવાશે, એ ઉપરાંત યજમાન પાકિસ્તાન આ ટૂર્નામેન્ટની બહાર ફેંકાઈ શકે એવી પણ પાકી સંભાવના છે.

અતુલ વાસનનો પાકિસ્તાનને સપોર્ટ કેમ?

એ.એન.આઈ.ના અહેવાલમાં મૂળ દિલ્હીના અતુલ વાસને આજના હાઈ-વૉલ્ટેજ મુકાબલા માટે પાકિસ્તાનને સપોર્ટ કેમ કર્યો એ જણાવાયું છે.

56 વર્ષીય અતુલ વાસનનું માનવું છે કે ‘આજે ભારત સામે જો પાકિસ્તાન જીતે તો જ આ ટૂર્નામેન્ટમાં ખરો રોમાંચ અને ખરી રસાકસી ટકી રહેશે.’

હરીફાઈ ટકી રહે તો જ રસ જળવાશે: વાસન

અતુલ વાસને એવું કહ્યું છે કે ‘હું તો ઇચ્છું છું કે આજે પાકિસ્તાન જ જીતે, મઝા આયેગા. આજે જો પાકિસ્તાન નહીં જીતે તો પછી બાકી શું રહ્યું? બીજી વાત એ છે કે પાકિસ્તાન જો જીતશે તો જ આ ટૂર્નામેન્ટમાં ખરી હરીફાઈ જળવાઈ રહેશે. સ્પર્ધામાં બરાબરીની હરીફાઈ હોવી જોઈએ. પાકિસ્તાન આવી મહત્વની મૅચ જીતે તો જ આ સ્પર્ધા વધુ ઇન્ટરેસ્ટિંગ બને. નહીં તો પછી આ સ્પર્ધા ઘણા લોકો રસ નહીં લે.’

આ પણ વાંચો…IND vs PAK: દુબઈની પિચ પર ટોસનું કેમ છે મહત્ત્વ, પાકિસ્તાનના આ ખેલાડી ભારતને પડી શકે છે ભારે

ભારતની ટીમને કેવી ગણાવી?

જોકે અતુલ વાસનનું એવું પણ કહેવું છે કે ‘ભારતની બૅટિંગ લાઇન-અપ ખૂબ લાંબી અને જબરદસ્ત છે. હાલમાં તમામ ટીમોમાં ભારતની ટીમ ગ્રેટેસ્ટ છે અને દુબઈમાં આક્રમણ શરૂ કરવાની બાબતમાં ભારતીય ટીમનો જે પ્લાન છે એને હું દિલથી સપોર્ટ કરું છું.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button