રોહિત, વિરાટ અને ગંભીરની ત્રિપુટીએ ફાઇનલ પહેલાં 20 મિનિટ શું કરી ચર્ચા? જાણો

દુબઈઃ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ફાઇનલ મુકાબલો ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે દુબઈમાં રમાઈ રહ્યો છે. મેચ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને કોચ ગૌતમ ગંભીર વચ્ચે 20 મિનિટ સુધી ચર્ચા થઈ હતી. જે પિચ પર મેચ રમાઈ રહી છે તેની નજીક ત્રિપુટી ઉભી હતી.
પિચ ભારત માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. ભારત દુબઈની પરિસ્થિતિથી ઘણું પરિચિત છે. કારણકે ટીમ ઈન્ડિયાએ ટુર્નામેન્ટની તમામ મેચ અહીં રમી છે. એક રિપોર્ટ પ્રમાણે, આ ત્રિપુટીએ શનિવારે ભારતનું નેટ સેશન શરૂ થવાની 20 મિનિટ પહેલા ચર્ચા કરી હતી. ગંભીર અને રોહિતે પહેલા 10 મિનિટ સુધી ચર્ચા કરી હતી. જે બાદ કોહલીને તેમની સાથે જોડાવા કહ્યું હતું. આ મીટિંગમાં મેચ દરમિયાન કેવી વ્યૂહરચના અપનાવવી તેને લઈ ચર્ચા થઈ હતી.
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલઃ ન્યૂ ઝીલેન્ડે જીત્યો ટોસ, ભારતની પ્રથમ બોલિંગ…
ઉલ્લેખનીય છે કે ચેમ્પિયન્સ ટ્રોફી મેચમાં આ વખતે ઉપયોગમા લેવામાં આવેલી પિચ ધીમી અને સ્પિનર્સને અનુકૂળ રહી છે. ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ સેમિફાઇનલમા ઉપયોગમાં લેવામાં આવેલી નવી પિચે ભ્રમ પેદા કર્યો હતો. આ ઉપરાંત ટુર્નામેન્ટની શરૂઆતમાં દુબઈમાં વાતાવરણ ઠંડુ હતું પરંતુ હાલ ગરમી છે. જો તાપમાન વધે તો ઝાકળનો પ્રભાવ પડે છે. જેનો અર્થ ટોસ જીતનારી ટીમ રન ચેઝ કરવાનું પસંદ કરશે. તેનાથી ભારતની વ્યૂહરચના પર અસર પડી શકે છે. ભારત છેલ્લી બે મેચમાં ચાર સ્પિનર્સ સાથે રમ્યું હતું. ભારત ટુર્નામેન્ટની પ્રથમ બે મેચમાં ત્રણ ફાસ્ટ બોલર અને ત્રણ સ્પિનર સાથે ઉતર્યું હતું અને જીત મેળવી હતી. સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત થયા બાદ એક ફાસ્ટ બોલરના સ્થાને સ્પેશલિસ્ટ સ્પિનર સાથે ઉતર્યું હતું. જેનો ફાયદો પણ ટીમને મળ્યો છે.
આ પણ વાંચો: ભારતીય ટીમ સતત 15 મો ટોસ હારી, રોહિત શર્માએ લારાની કરી બરાબરી…
વન ડેમાં હેડ ટુ હેડ રેકોર્ડ
ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે વન ડે મુકાબલા પર નજર કરીએ તો વધારે અંતર નથી. ભારતનું પલડું ભારે છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 119 વન ડે મેચ રમાઈ છે. જેમાં ટીમ ઈન્ડિયાએ 61 મેચ જીતી છે. ન્યૂ ઝીલેન્ડે 50 મેચ જીતી છે. જ્યારે 7 મેચનું કોઈ પરિણામ આવ્યું નથી અને એક મેચ ટાઈ પડી હતી.