અફઘાનિસ્તાનના 325/7, ઝડ્રાને રચ્યો ઈતિહાસ: ઇંગ્લૅન્ડ માટે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ટકવું મુશ્કેલ

લાહોરઃ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં અફઘાનિસ્તાને આજે અહીં બૅટિંગ પસંદ કર્યા બાદ 50 ઓવરમાં સાત વિકેટે 325 રન બનાવીને ઇંગ્લૅન્ડને 326 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો. વિક્રમોની હારમાળા વચ્ચે અફઘાનિસ્તાને બ્રિટિશરો માટે હવે આ ટૂર્નામેન્ટમાં ટકવું મુશ્કેલ બનાવી દીધું છે, કારણકે આ મૅચમાં પરાજિત થનારી ટીમ સ્પર્ધાની બહાર ફેંકાઈ જવાની છે. ઇબ્રાહિમ ઝડ્રાન (177 રન, 146 બૉલ, છ સિક્સર, બાર ફોર) આ ઇનિંગ્સનો સુપર હીરો હતો. ચૅમ્પિયન્સ ટ્રોફીના સૌથી મોટા વ્યક્તિગત સ્કોર્સમાં હવે ઝડ્રાનના 177 રન નવો વિક્રમ છે.
23 વર્ષનો રાઇટ-હૅન્ડ બૅટર ઝડ્રાન એક વર્ષ પછી પહેલી વાર વન-ડે રમ્યો છે. તે ઓપનિંગમાં આવ્યો હતો અને છેક 50મી ઓવરમાં આઉટ થયો હતો. તેણે ઇંગ્લૅન્ડના છ બોલરનો હિંમત અને સમજદારીથી સામનો કર્યો હતો અને તમામ બોલરની બોલિંગ ઍનેલિસિસ બગાડી નાખી હતી. ઝડ્રાનનો તેમ જ અફઘાનિસ્તાનના બૅટર્સમાં વન-ડેમાં આ હાઇએસ્ટ સ્કોર હતો.
ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને 64 રનમાં ત્રણ વિકેટ મળી હતી. જૅમી ઓવર્ટન (10-0-72-1) સૌથી મોંઘો સાબિત થયો હતો. બીજા છ બોલરના બોલિંગ વિશ્લેષણ આ મુજબ હતાઃ માર્ક વૂડ (8-0-50-0), આદિલ રાશિદ (10-0-60-1), લિઆમ લિવિંગસ્ટન (5-0-28-2) અને જૉ રૂટ (7-0-47-0).
અફઘાનિસ્તાનની ટીમમાં બીજા ત્રણ બૅટરના યોગદાન સાધારણ હતા, પરંતુ તેમણે ઝડ્રાન સાથે મહત્ત્વની ભાગીદારીઓ કરી હતી. ઝડ્રાનની કૅપ્ટન હશમતુલ્લા શાહિદી (40 રન) સાથે 103 રનની, અઝમતુલ્લા ઓમરઝાઇ (41 રન) સાથે 72 રનની અને મોહમ્મદ નબી (40 રન) સાથે 111 રનની ભાગીદારી કરી હતી.
ઝડ્રાને 50 રન 65 બૉલમાં, 100 રન 106 બૉલમાં અને 150 રન 134 બૉલમાં પૂરા કર્યા હતા.
ચૅમ્પિયન્સ ટ્રોફીના ટૉપ-સ્કોરર્સ
(1) ઇબ્રાહિમ ઝડ્રાન, અફઘાનિસ્તાન, 177 રન ઇંગ્લૅન્ડ સામે
(2) બેન ડકેટ, ઇંગ્લૅન્ડ, 165 રન, ઑસ્ટ્રેલિયા સામે
(3) નૅથન ઍસ્ટલ, ન્યૂ ઝીલૅન્ડ, અણનમ 145 રન, યુએસએ સામે
(4) ઍન્ડી ફ્લાવર, ઝિમ્બાબ્વે, 145 રન, ભારત સામે
(5) સૌરવ ગાંગુલી, ભારત, અણનમ 141, સાઉથ આફ્રિકા સામે