નવી દિલ્હીઃ એશિયા કપ પછી પાકિસ્તાન પાસેથી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પણ છીનવાઇ શકે છે. જો ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાથી ઇનકાર કરે છે તો આઇસીસી ટુર્નામેન્ટના હાઇબ્રિડ મોડેલ પર વિચાર કરી શકે છે. આ એક એવા સમાચાર છે જેણે પાકિસ્તાનની ઉંઘહરામ કરી દીધી છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની યજમાની પાકિસ્તાન પાસે છે, પણ આ કરાર પર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની સાઇન નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ને જલદીથી આ કરાર પર સહી કરવા જણાવ્યું છે.
પાકિસ્તાનના ક્રિકેટબોર્ડને એ વાતનો ડર છે કે એશિયા કપ 2023 ની જેમ બીસીસીઆઇ ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવાથી ઇનકાર કરી શકે છે. પીસીબીએ આઈસીસીને એમ પણ કહ્યું છે કે અગર કોઇ પણ કારણસર ભારત પાકિસ્તાનમાં મેચ રમવાનો ઇનકાર કરે છે તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને થનારા નુક્સાનનું વળતર મળવું જોઇએ.
આ પહેલા એશિયા કપ અને વર્લ્ડ કપમાં પણ બીસીસીઆઇ અને પીસીબી વચ્ચે ટકરાવ જોવા મળ્યો હતો. ભારતે એશિયા કપ માટે પાકિસ્તાન જવાનો ઇનકાર કરી દીધો હતો, ત્યારબાદ પાકિસ્તાને ODI વર્લ્ડ કપ રમવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે, એ સમયે બીસીસીઆઇ પીસીબી પર ભારી પડી હતી અને પાકિસ્તાનને હાઇબ્રિડ મોડલ પર એશિયા કપ રમવો પડ્યો હતો. શ્રીલંકાએ પાકિસ્તાન સાથે મળીને એશિયા કપની યજમાની કરી હતી. પાકિસ્તાનની ટીમ પણ ODI વર્લ્ડ કપ રમવા માટે ભારત આવી હતી.
ચેમ્પિયન ટ્રોફી 2025માં કુલ 8 ટીમો એકબીજાનો સામનો કરવા માટે તૈયાર છે. પરંતુ ચેમ્પિયન ટ્રોફી પહેલા તેને પાકિસ્તાનની બહાર ખસેડવાની ચર્ચા ચાલી રહી છે. છેલ્લી વખત ચેમ્પિયન ટ્રોફી વર્ષ 2017માં રમાઈ હતી, જેનું ટાઈટલ પાકિસ્તાન ક્રિકેટ ટીમે જીત્યું હતું. પાકિસ્તાન ચેમ્પિયન ટ્રોફી 2025ની યજમાની કરવા માટે તૈયાર હતું, પરંતુ હવે તેને શિફ્ટ કરી શકાય છે.
ઉલ્લેખનીય છે કે UAEને પાકિસ્તાનનું બીજું ઘર કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો ભારતને પાકિસ્તાન જવાનો ઇનકાર કરશે તો ચેમ્પિયન ટ્રોફી 2025 દુબઈમાં યોજવામાં આવી શકે છે. એટલે કે દુબઈ ચેમ્પિયન ટ્રોફી 2025ની યજમાની માટે પ્રબળ દાવેદાર છે.
નોંધનીય છે કે અત્યાર સુધીમાં કુલ 8 વખત ચેમ્પિયન્સ ટ્રોફી રમાઈ છે. 2025માં 9મી વખત ચેમ્પિયન્સ ટ્રોફી રમાશે. આ ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયાએ બે-બે વખત ખિતાબ જીત્યો છે અને પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝે એક-એક વખત ટાઈટલ જીત્યું છે. આ વખતની ચેમ્પિયન્સ ટ્રોફી ખાસ છે, કારણ કે છેલ્લા 8 વર્ષથી ICC ચેમ્પિયન્સ ટ્રોફી રમાઈ નથી.
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર એ હવે લગભગ નક્કી જ છે કે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની પાકિસ્તાન પાસેથી છીનવાઇ જશે અને ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન દુબઈમાં કરવામાં આવશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને