Champions Trophy 2025ટોપ ન્યૂઝસ્પોર્ટસ

Champions Trophy 2025: એશિયાના બે કટ્ટર હરિફ ભારત-પાકિસ્તાનનો આજે મુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને કેવું રહેશે હવામાન

દુબઈઃ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં આજે એશિયાના બે કટ્ટર હરિફ ભારત-પાકિસ્તાનનો મુકાબલો થશે. આ હાઇ વોલ્ટેજ મુકાબલા પર સમગ્ર વિશ્વની નજર છે. આ મેચ દુબઈમં રમાશે. પાકિસ્તાન પ્રથમ વખત દુબઈમાં રમશે. ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે પ્રથમ મેચ જીતીને વિજય સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરી હતી. ગત વખતે જ્યારે આ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું ત્યારે ફાઇનલ મેચ આ બંને ટીમો વચ્ચે જ રમાઈ હતી. 2017માં રમાયેલી આ ફાઇનલ મેચમાં પાકિસ્તાને ભારતને હરાવીને ખિતાબ જીત્યો હતો.

દુબઈમાં કેવી રહેશે પિચ
દુબઈની પિચ બેટ્સમેનોને મદદગાર માનવામાં આવે છે. નવા બોલ સાથે ફાસ્ટ બોલરને શરૂઆતમાં સફળતા મળવાની આશા રહે છે પરંતુ બોલ જૂનો થવાની સાથે પિચ સ્પિન બોલરને મદદ કરે છે. આ સ્થિતિમાં રન બનાવવા માટે બેટ્સમેનોએ પિચ પર સમય વીતાવવો પડે છે. આ મેદાન પર ભારત સામે પ્રથમ મેચમાં બાંગ્લાદેશ એક સમયે 35 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ તેમ છતાં 228 રનનો સ્કોર બનાવ્યો હતો.

કેવું રહેશે હવામાન
દુબઈમાં આજે હવામાન ચોખ્ખું રહેશે. ક્રિકેટ રસીયાઓને મેચનો સંપૂર્ણ આનંદ માણવા મળશે. મેચ દરમિયાન વરસાદની જરા પણ શક્યતા નથી. આજે દુબઈનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ 23 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે. હળવા વાદળ પણ છવાયેલા રહેશે અને 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

કેટલા વાગે શરૂ થશે મેચ
ભારત અને પાકિસ્તાનનો મુકાબલો બપોરે 2.30 કલાકે શરૂ થશે. ટૉસ બપોરે 2 વાગે થશે. ભારત આ મેચમાં 2017ની ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં મળેલી હારનો બદલો લેવા ઉતરશે.

બાંગ્લાદેશ સામે મેચ બાદ રોહિત શર્માએ કહ્યું હતું કે, તેમને લાગે છે કે આગામી મેચમાં પણ પિતની કંડીશન પ્રથમ મુકાબલા જેવી જ રહેશે. તેના નિવેદન પરથી એવો અંદાજ લગાવવામાં આવે છે કે ભારત તેના કોમ્બિનેશનમાં કોઈ બદલાવ નહીં કરે અને સ્પિનર્સ પર ભરોસો જાળવી રાખશે. જ્યારે પાકિસ્તાનના કોચ આકિબ જાવેદ તેના ફાસ્ટ બોલર પર ભરોસો જાળવી રાખશે. આકિબ જાવેદે કહ્યું, દબાણ હંમેશા રહે છે. દબાણ વગર કોઈ મેચ હોતી નથી. કોઈપણ ખેલાડી માટે તેમની છાપ છોડવાનો આ સોનેરી મોકો છે. અમારી પાસે શાનદાર સ્પિનર નથી પરંતુ અમારી તાકાત ફાસ્ટ બોલિંગ છે. વર્તમાન ત્રિપુટી મને 90ના દાયકાની યાદ અપાવે છે, તેઓ કઈંક ખાસ કરશે.

આ પણ વાંચો…ઇંગ્લૅન્ડના ડકેટની વિક્રમી સેન્ચુરી સામે ઑસ્ટ્રેલિયાના ઇંગ્લિસની મૅચ-વિનિંગ સદી…

બન્ને દેશની સંભવિત ઇલેવન

ભારતઃ રોહિત (કૅપ્ટન), ગિલ (વાઇસ-કૅપ્ટન), કોહલી, શ્રેયસ, રાહુલ (વિકેટકીપર), હાર્દિક, જાડેજા, અક્ષર, હર્ષિત/અર્શદીપ, શમી અને કુલદીપ.

પાકિસ્તાનઃ રિઝવાન (કૅપ્ટન, વિકેટકીપર), ઇમામ-ઉલ-હક, બાબર, શકીલ, સલમાન, તૈયબ તાહિર, ખુશદિલ, શાહીન આફ્રિદી, નસીમ, રઉફ અને અબ્રાર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button