Vinesh Phogat: CASના નિર્ણયમાં કેમ થઈ રહ્યો છે વિલંબ? કોને થશે ફાયદો? જાણો
પેરીસ ઓલમ્પિકમાં 50kg રેસલિંગના ફાઈનલ મેચમાં વિનેશ ફોગટ(Vinesh Phogat)ને ગેરલાયક ઠેરવતા ભારતને ગોલ્ડ મેડલ મળવાની આશા પર પાણી ફરી વળ્યું હતું, વિનેશ ફોગટને સિલ્વર મેડલ અપાવવામાં માટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS) માં અરજી કરવામાં આવી છે, CASએ તેનો ચુકાદો 16 ઓગસ્ટ સુધી મુલતવી રાખ્યો છે.
ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન(IOA) એ એક નિવેદનમાં માહિતી આપી છે કે હવે આ નિર્ણય 16 ઓગસ્ટના રોજ ભારતીય સમય અનુસાર રાત્રે 9.30 વાગ્યે આપવામાં આવશે. આવી સ્થિતિમાં હવે સવાલ એ ઊભો થાય છે કે શું નિર્ણયમાં વિલંબ વિનેશ ફોગટના તરફેણમાં હશે કે નહીં? આવી સ્થિતિમાં, વિલંબના કરાણો વિષે પણ ચર્ચાઓ થઇ રહી છે.
નિર્ણયમાં વિલંબનું મહત્વનું કારણ એ છે કે CASમાં આ બાબતની ખૂબ ચર્ચા થઈ રહી છે. સામાન્ય રીતે, આવા કિસ્સામાં નિર્ણય 24 કલાકમાં આપવામાં આવે છે. પરંતુ આ મામલે નિર્ણય લેવામાં વિલંબ થયો છે. આનો સીધો અર્થ એ થયો કે આ કેસ પર ગંભીરતાથી વિચાર કરવામાં આવી રહ્યો છે. IOAએ આ મામલે ટોચના વકીલ હરીશ સાલ્વેને લાવીને મોટું પગલું ભર્યું હતું.
UWW ના નિયમોમાં જાહેર થયેલી મોટી ખામી:
UWW (યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ) ના નિયમો અનુસાર, ફાઇનલમાં હારી ગયેલા કુસ્તીબાજ જ રિપેચેજનો દાવો કરી શકે છે. 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ રેસલિંગમાં જાપાનના યુઇ સુસાકીને રેપેચેજ રાઉન્ડમાં બ્રોન્ઝ મેડલ માટે લડવાની તક આપવામાં આવી હતી. પરંતુ, નિયમો અનુસાર, વિનેશ ફાઇનલિસ્ટ નથી કારણ કે તેનું વજન નિયમથી વધુ હતું. ફાઈનલ ક્યુબાના યુસ્નેલિસ ગુઝમેન અને યુએસએની સારાહ હિલ્ડેબ્રાન્ડ વચ્ચે રમાઈ હતી. જે સારા હિલ્ડેબ્રાન્ડે જીતી હતી. બીજી તરફ, વિનેશ ફાઇનલમાં ન હતી, તો પછી સુસાકીને રિપેચેજમાં ભાગ લેવાની મંજૂરી કયા આધારે આપવામાં આવી? જો નિયમોનું પાલન કરવામાં આવ્યું હોત, તો સુસાકીને રિપેચેજ રમવાની મંજૂરી ન આપવી જોઈતી હતી, પરંતુ UWWએ તે થવા દીધું. વિનેશે રાઉન્ડ 16ની મેચમાં યૂઈ સુસાકીને કરાવી હતી. વિનેશ પર ચુકાદો આવે તે પહેલા આંજે CASની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવશે. હવે જોવાનું એ રહે છે કે વિનેશને લઈને શું નિર્ણય લેવામાં આવે છે.
વિલંબ માટે CAS એ શું કારણ આપ્યું:
CASએ કહ્યું કે તે ઓલિમ્પિક ગેમ્સ માટે CAS આર્બિટ્રેશન નિયમોની કલમ 18 હેઠળ નિર્ણય લેવામાં વિલંબ કરી રહ્યું છે. અસાધારણ કેસોમાં, CAS આર્બિટ્રેશન નિયમોની કલમ 18 અનુસાર, સંજોગોમાં જરૂર જણાય તો એડ હોક ડિવિઝનના પ્રમુખ દ્વારા આ સમય મર્યાદા વધારવામાં આવી શકે છે.
કેસ મહિનાઓ સુધી લંબાઈ શકે છે:
નિર્ણય બાદ જે પક્ષ હારે છે તે નિર્ણયની વિરુદ્ધ અપીલ કરશે અને એવી સંભાવના છે કે મામલો ઉચ્ચ અધિકારી પાસે લઈ જવામાં આવી શકે છે, જેના કારણે આ મામલો હજુ થોડા મહિનાઓ સુધી ચાલી શકે છે.