કેપ વર્ડી નામ કદી સાંભળ્યું છે? આ દેશ 2026 ફૂટબૉલ વર્લ્ડ કપમાં રમવાનો છે! | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

કેપ વર્ડી નામ કદી સાંભળ્યું છે? આ દેશ 2026 ફૂટબૉલ વર્લ્ડ કપમાં રમવાનો છે!

લંડનઃ આફ્રિકા ખંડમાં આવેલો કેપ વર્ડી (Cape Verde) નામનો દેશ 2026ના ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપમાં રમવાનો છે. સૉકરના વિશ્વ કપ માટે આ ટચૂકડો દેશ પહેલી જ વાર ક્વૉલિફાય થયો છે. સોમવારે ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં એસ્વાટિનીને 3-0થી હરાવીને કેપ વર્ડીએ આ અનેરી સિદ્ધિ મેળવી.

નવાઈની વાત એ છે કે કેપ વર્ડીએ આફ્રિકન દેશોના ક્વૉલિફાઇંગ (Qualifying) રાઉન્ડમાં સૉકર જગતના જાણીતા રાષ્ટ્ર કૅમેરૂનથી પણ આગળ રહીને વર્લ્ડ કપમાં રમવાની પાત્રતા મેળવી લીધી છે. કેપ વર્ડીની વસતી દિલ્હીની વસતીના માંડ દોઢ ટકા જેટલી છે.

આપણ વાંચો: મોં પર ત્રણ ટાંકા લીધા બાદ હાલૅન્ડના પાંચ ગોલ, નોર્વેનો વર્લ્ડ કપ ક્વૉલિફાઇંગમાં 11-1થી વિજય

વિશ્વ કપમાં સૌથી નાનો દેશ

પુરુષોના ફિફા વર્લ્ડ કપ (World Cup)ની શરૂઆત 1930માં થઈ હતી અને ત્યારથી માંડીને અત્યાર સુધીમાં (95 વર્ષમાં) ભાગ લઈ ચૂકેલા સૌથી નાના દેશોમાં હવે કેપ વર્ડી સૌથી ટચૂકડો દેશ ગણાશે.

કેપ વર્ડીનો ઇતિહાસ શું છે

પશ્ચિમ આફ્રિકાના ટચૂકડા ટાપુ જેવા દેશ કેપ વર્ડીએ 50 વર્ષ પહેલાં પોર્ટુગલથી આઝાદી મેળવી હતી. આ દેશ વિસ્તારની દૃષ્ટિએ વિશ્વમાં 166મા ક્રમે છે. કેપ વર્ડીમાં 6,00,000 જેટલા લોકો વસે છે અને વસતીની દૃષ્ટિએ આ દેશ 172મા નંબરે છે.

આ દેશમાં 82 ટકા લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે. આફ્રિકા કપ ઑફ નૅશન્સ નામની ફૂટબૉલ સ્પર્ધામાં આ દેશ બે વખત (2013માં અને 2023માં) ક્વૉર્ટર ફાઇનલ સુધી પહોંચ્યો હતો અને હવે સીધા વર્લ્ડ કપમાં એન્ટ્રી કરી છે.

આપણ વાંચો: મેસીની વર્લ્ડ ચૅમ્પિયન આર્જેન્ટિનાની ટીમ ભારત આવશે, જાણી લો ક્યારે અને ક્યાં રમશે

બીજા ચાર નાના દેશ પણ વિશ્વ કપમાં

નવેમ્બર 2022નો ફિફા વર્લ્ડ કપ લિયોનેલ મેસીના સુકાનમાં આર્જેન્ટિના જીત્યું હતું. આર્જેન્ટિનાએ ફાઇનલમાં 3-3ની બરાબરી બાદ પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સને 4-2થી હરાવ્યું હતું.

ક્રોએશિયા ત્રીજા સ્થાને અને મોરોક્કો ચોથા નંબરે રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે 2026ના આગામી વર્લ્ડ કપમાં ભાગ લેનાર કેપ વર્ડી પછીના બીજા ચાર નાના દેશોમાં આઇસલૅન્ડ, પારાગ્વે, ટ્રિનિદાદ ઍન્ડ ટૉબેગો અને નૉર્ધર્ન આયર્લેન્ડનો સમાવેશ છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button