સ્પોર્ટસ
ન્યૂ ઝીલૅન્ડ પોતાના બે ‘સેન્ચુરિયન’ને વિજયની ભેટ આપી શકશે?

ક્રાઇસ્ટચર્ચ: ન્યૂ ઝીલૅન્ડને અહીં શુક્રવારે ઑસ્ટ્રેલિયા સામે શરૂ થતી સિરીઝની બીજી અને આખરી ટેસ્ટ (વહેલી સવારે 3.30 વાગ્યાથી લાઇવ) જીતીને પોતાના બે ‘સેન્ચુરિયન’ ખેલાડીઓને વિજયની ગિફ્ટ આપવાનો બહુ સારો મોકો છે.
કેન વિલિયમસન અને ટિમ સાઉધી 100મી ટેસ્ટ રમવા જઈ રહ્યા છે. આ બે લેજન્ડરી ક્રિકેટર હાલમાં સારા ફૉર્મમાં છે એટલે તેઓ પણ કિવી ટીમને આ મૅચમાં વિજય અપાવી સિરીઝને 1-1ની બરાબરી સાથે પૂરી કરવામાં યોગદાન આપી શકે.
ઑસ્ટ્રેલિયાએ વેલિંગ્ટનમાં શ્રેણીની પ્રથમ ટેસ્ટ 172 રનથી જીતીને 1-0થી સરસાઈ લીધી હતી.
દરમ્યાન, ઑસ્ટ્રેલિયાના મિચલ સ્ટાર્કને તેના દેશ વતી સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં ડેનિસ લિલીને પાર કરવા માટે માત્ર બે વિકેટની જરૂર છે.
ક્રાઇસ્ટચર્ચમાં હેગ્લી ઓવલની પિચ ફાસ્ટ બોલરોને વધુ માફક આવે એવી છે. જોકે આ પિચ પર પુષ્કળ રન પણ થઈ શકે એમ છે.