IPL 2024સ્પોર્ટસ

ટેબલ-ટૉપર રાજસ્થાન સામે મુંબઈ હવે વાનખેડેનો બદલો જયપુરમાં લઈ શકશે?

બુમરાહને બાદ કરતા મુંબઈનું બોલિંગ આક્રમણ નબળું: રાજસ્થાનનો બટલર બે સેન્ચુરી ફટકારી ચૂક્યો છે

જયપુર: આઇપીએલની 2024ની સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ સાતમાંથી છ મૅચ જીતીને 12 પૉઇન્ટ સાથે મોખરે છે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ સાતમાંથી ત્રણ મૅચ જીતીને છ પૉઇન્ટ સાથે છઠ્ઠા નંબરે છે. જયપુરમાં સોમવારે (સાંજે 7.30 વાગ્યાથી) આ બે ટીમ વચ્ચે જયપુરમાં ટક્કર છે. સંજુ સૅમસનની ટીમ જયપુરમાંના રાઉન્ડને વિજય સાથે પૂરો કરવા માગે છે, જ્યારે હાર્દિક પંડ્યા ઍન્ડ કંપની 21 દિવસ પહેલાંની હારનો બદલો લેવાની મનમાં ગાંઠ વાળીને જયપુર આવી છે. જોકે ઑન પેપર, રાજસ્થાન જીતવા માટે ફેવરિટ છે.


પહેલી એપ્રિલે વાનખેડેમાં રાજસ્થાને મુંબઈને લો-સ્કોરિંગ મુકાબલામાં 27 બૉલ બાકી રાખીને છ વિકેટે હરાવ્યું હતું. ટ્રેન્ટ બૉલ્ટે એ દિવસે રોહિત શર્મા (0), નમન ધીર (0) અને ડેવાલ્ડ બ્રેવિસ (0)ને તેમના પહેલા બૉલમાં (ગોલ્ડન ડકમાં) આઉટ કરીને મુંબઈની છાવણીમાં હાહાકાર મચાવી દીધો હતો. ચહલે પણ ત્રણ તથા બર્ગરે બે વિકેટ લીધી હતી. મુંબઈએ 9 વિકેટે 125 રન બનાવ્યા બાદ રાજસ્થાને 15.3 ઓવરમાં ચાર વિકેટે 127 રન બનાવીને મૅચ જીતી લીધી હતી.


જસપ્રીત બુમરાહ (5.96ના ઇકોનોમી રેટ સાથે લીધી કુલ 13 વિકેટ)ને બાદ કરતા મુંબઈ પાસે નબળું બોલિંગ-આક્રમણ છે. એટલે આવી બોલિંગના જોરે જીતવું મુશ્કેલ છે. જોકે કૉએટ્ઝીનો બુમરાહને સામા છેડે સાથ મળી શકે. બન્નેએ મળીને આ વખતે કુલ પચીસ વિકેટ લીધી છે.


હાર્દિક અને આકાશ મઢવાલ, બન્ને રમ્યા હોય એવી પાંચ મૅચમાં ઓવરદીઠ 11થી વધુ રન આપી ચૂક્યા છે અને તેમણે કુલ મળીને માંડ નવ વિકેટ લીધી છે. અફઘાનના સ્પિનર મોહમ્મદ નબીને હાર્દિકે ચાર મૅચમાં કુલ ફક્ત છ ઓવર બોલિંગ આપીને તેનો પૂરતો ઉપયોગ નથી કર્યો.


રાજસ્થાન માટે બૅટિંગમાં યશસ્વી જયસ્વાલની નિષ્ફળતા સૌથી મોટી ચિંતા છે. તે સાતમાંથી છ મૅચમાં પાવરપ્લેની અંદર જ આઉટ થયો છે.


મુંબઈના બોલર્સે રાજસ્થાનના રિયાન પરાગથી ચેતવું પડશે. તે સાત મૅચમાં 20 સિક્સર ફટકારી ચૂક્યો છે. રાજસ્થાનના બૅટર્સમાં આ હાઇએસ્ટ છે.


યાદ રહે, રાજસ્થાનનો જૉસ બટલર આ સીઝનમાં સૌથી વધુ બે અણનમ સેન્ચુરી ફટકરી ચૂક્યો છે: બેન્ગલૂરુ સામે અણનમ 100 રન અને કોલકાતા સામે અણનમ 107 રન.


મુંબઈ પાસે બૅટિંગ-પાવર બહુ સારો છે. રોહિત શર્મા, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, મોહમ્મદ નબી સહિત આઠમા સ્થાન બૅટિંગ લાઇન-અપ છે, પણ સામે રાજસ્થાન પાસે મજબૂત બોલિંગ છે. ટ્રેન્ટ બૉલ્ટ ઉપરાંત કુલદીપ સેન, આર. અશ્ર્વિન અને આવેશ ખાન મુંબઈના બૅટર્સને મુસીબતમાં મૂકી શકશે, યુઝવેન્દ્ર ચહલનો સૌથી વધુ ડર છે. તેણે સાતમાંની પ્રત્યેક મૅચમાં વિકેટ લીધી છે અને જયપુરમાં ચાર મૅચમાં સાત શિકાર કરી ચૂક્યો છે.

બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન

મુંબઈ: હાર્દિક પંડ્યા (કૅપ્ટન), રોહિત શર્મા, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ટિમ ડેવિડ, મોહમ્મદ નબી, રોમારિયો શેફર્ડ, શ્રેયસ ગોપાલ, જસપ્રીત બુમરાહ અને જેરાલ્ડ કૉએટ્ઝી. 12મો પ્લેયર: આકાશ મઢવાલ

રાજસ્થાન: સંજુ સૅમસન (કૅપ્ટન, વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, જૉસ બટલર, રિયાન પરાગ, શિમરૉન હેટમાયર, ધ્રુવ જુરેલ, રૉવમૅન પોવેલ, આર. અશ્ર્વિન, ટ્રેન્ટ બૉલ્ટ, આવેશ ખાન અને યુઝવેન્દ્ર ચહલ. 12મો પ્લેયર: કુલદીપ સેન.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…