ટેનિસ પ્લેયરથી રૅકેટ હાથમાંથી છૂટ્યું અને મહિલા પ્રેક્ષકને વાગ્યું!
ઑકલૅન્ડઃ બ્રિટિશ ટેનિસ પ્લેયર કૅમેરન નૉરીથી અહીં આજે ઑકલૅન્ડ ઓપન ટૂર્નામેન્ટની મૅચ દરમ્યાન હાથમાંથી ભૂલમાં રૅકેટ છૂટીને સીધું નજીકમાં બેઠેલી યુવાન મહિલા પ્રેક્ષકને વાગ્યું હતું. જોકે નૉરીએ તરત જ રૅકેટ લેવા જતી વખતે મહિલાની માફી માગી લીધી હોવાથી નૉરીને આ મૅચમાંથી ગેરલાયક ઠરાવવા જેવું ગંભીર પગલું નહોતું ભરવામાં આવ્યું.
આ પણ વાંચો :મેલબર્નમાં 121 મીટર લાંબી સિક્સર…કોણે ફટકાર્યો આ `રેકોર્ડ-બ્રેક છગ્ગો?’
મહિલા ગંભીર ઈજાથી બચી ગઈ હતી. નૉરીને ચૅર-અમ્પાયરે હવે પછી આવું ફરી ન થાય એનું તેણે ખાસ ધ્યાન રાખવું પડશે એવી ચેતવણી આપી હતી.
નૉરી છે ઇંગ્લૅન્ડનો, પણ તેનો જન્મ ઑકલૅન્ડમાં થયો હતો. તેની આ મૅચ આર્જેન્ટિનાના ડિયાઝ ઍકોસ્ટા સામે હતી જેમાં નૉરીનો 2-6, 3-6થી પરાજય થયો હતો.
મૅચ પછી નૉરીએ પત્રકારોને કહ્યું, મારાથી ભૂલથી રૅકેટ હાથમાંથી છૂટી ગયું હતું. હું સંમત થાઉં છું કે આ નહોતું જ બનવું જોઈતું. અગાઉ મારાથી આવી ભૂલ ક્યારેય નહોતી થઈ. મારાથી ભૂલમાં રૅકેટ વાગ્યું ત્યાર બાદ એ મહિલા મોટેથી હસી પડી હતી અને મેં પણ તેને સૉરી કહી દીધું હતું.
મહિલાએ મને કહ્યું કે મને કોઈ જ ઈજા નથી થઈ. આય ઍમ ઑકે.’ નૉરીનું રૅકેટ યુવાન મહિલાને વાગ્યું હોવાથી કોઈકને એવું લાગ્યું હશે કે નૉરીએ જાણી જોઈને આવું કર્યું હશે. નૉરીએ ફ્લર્ટ કર્યું હોવાનું પણ કેટલાકને લાગ્યું હશે. જોકે નૉરીએ પત્રકારોને કહ્યું કેમહિલાને જાણી જોઈને રૅકેટ મારવાનો મારો કોઈ જ ઇરાદો નહોતો. હું એવું ક્યારેય વિચારી પણ ન શકું. મેં તેની તો માફી માગી જ હતી, જાહેરમાં પણ માફી માગી લઉં છું. મને ખુદને આ ભૂલ બદલ અફસોસ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : વિશ્વની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી સબાલેન્કાએ ટાઈટલની જીત સાથે કરી શરૂઆત…
કોઈ ખેલાડીથી ભૂલથી પ્રેક્ષકને કે લાઇન-અમ્પાયરને ઈજા થઈ હોય તો અને એ ખેલાડી મૅચમાંથી ગેરલાયક ઠરાવાયો હોય એવા કિસ્સા ભૂતકાળમાં બની ગયા છે. 2020ની યુએસ ઓપન દરમ્યાન નોવાક જૉકોવિચથી ભૂલમાં લાઇન-જજને બૉલ વાગી ગયો હતો ત્યારે જૉકોવિચ સામે કડક પગલું ભરવામાં આવ્યું હતું. 2012ની ક્વીન્સ ટૂર્નામેન્ટમાં ડેવિડ નાલબૅન્ડિયને ગુસ્સામાં ઍડવર્ટાઇઝિંગ બોર્ડને લાત મારી હતી જેમાં એ બોર્ડ નજીકના લાઇન-જજને વાગ્યું હતું. આ હરકત બદલ નાલબૅન્ડિયનને ફાઇનલમાંથી ગેરલાયક ઠરાવવામાં આવ્યો હતો.