કેમરૂન ગ્રીનની ઇજાથી બેનક્રોફ્ટને ટેસ્ટ ટીમમાં વાપસીનો માર્ગ મોકળો…
સિડની: ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માર્ક ટેલરને લાગે છે કે ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનની ઈજા આવતા મહિને ભારત સામે રમાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં કેમરૂન બેનક્રોફ્ટની ટેસ્ટ ક્રિકેટમાં વાપસીનો માર્ગ મોકળો કરી શકે છે.
રિપોર્ટ્સ અનુસાર, પીઠના નીચેના ભાગમાં સ્ટ્રેસ ફ્રેક્ચરની સર્જરીને કારણે ગ્રીન ભારત સામેની આગામી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ શકે છે. 25 વર્ષીય ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરને ભૂતકાળમાં ચાર વખત તેની પીઠમાં સ્ટ્રેસ ફ્રેક્ચર થયું છે પરંતુ 2019 પછી તેને આવી કોઈ સમસ્યા થઈ નથી. ગ્રીનની ગેરહાજરીનો અર્થ છે કે ઓસ્ટ્રેલિયાએ તેમના બેટિંગ ઓર્ડરમાં ફેરફાર કરવો પડશે.
ટેલરે ‘વાઇડ વર્લ્ડ ઓફ સ્પોર્ટ્સ’ પર કહ્યું હતું કે, “આ વિચિત્ર છે નહીં? કેમરૂન ગ્રીન ગયા વર્ષે એશિઝ શ્રેણી દરમિયાન ઓસ્ટ્રેલિયન ટીમની બહાર હતો અને મિશેલ માર્શ આવ્યો હતો પરંતુ ઓસ્ટ્રેલિયા તેને પરત લાવવા માટે ખૂબ જ ઉત્સુક હતું.
આ વર્ષની શરૂઆતમાં ડેવિડ વોર્નરની નિવૃત્તિ પછી બૅનક્રોફ્ટને ઇનિંગ્સની શરૂઆત માટે દાવેદાર માનવામાં આવતો હતો પરંતુ પસંદગીકારોએ ગ્રીનને ટેસ્ટ ટીમમાં પાછો બોલાવ્યો હતો અને સ્ટીવ સ્મિથ પાસે ઇનિંગ્સની શરૂઆત કરાવી હતી.
જોકે, અનુભવી બેટ્સમેન સ્મિથે ઓપનિંગ બેટ્સમેન તરીકે સારું પ્રદર્શન કર્યું ન હતું અને ટેલરનું માનવું છે કે સ્મિથ ચોથા નંબર પર પરત ફરશે.
બૅનક્રોફ્ટ પર 2018ના બૉલ-ટેમ્પરિંગ કૌભાંડ મામલે નવ મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો અને છેલ્લા બે વર્ષથી શેફિલ્ડ શીલ્ડમાં સૌથી વધુ રન ફટકારી રહ્યો છે. ટેલરને લાગે છે કે પસંદગીકારો બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટેની ટેસ્ટ ટીમમાં શેફિલ્ડ શીલ્ડમાં દક્ષિણ ઓસ્ટ્રેલિયા સામે સતત બે સદી ફટકારનાર યુવા ઓપનર સેમ કોન્સ્ટાસનો પણ સમાવેશ કરી શકે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી પર્થમાં પાંચ મેચોની સીરિઝ શરૂ થશે.