બુમરાહ બન્ને ટેસ્ટ રમશેઃ ઈશ્વરનની જરૂર પડશે તો તાબડતોબ મોકલવામાં આવશે | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

બુમરાહ બન્ને ટેસ્ટ રમશેઃ ઈશ્વરનની જરૂર પડશે તો તાબડતોબ મોકલવામાં આવશે

ન્યૂ ઝીલૅન્ડ સામેની 0-3ની કારમી હાર પરથી બોધ શીખ્યા છીએઃ આગરકર

નવી દિલ્હીઃ ઘરઆંગણે વેસ્ટ ઇન્ડિઝ (west indies) સામે બીજી ઑક્ટોબરે શરૂ થનારી બે મૅચની ટેસ્ટ સિરીઝ માટેની ભારતીય ટીમમાં વર્કલૉડ મૅનેજમેન્ટના વિષયમાં ચર્ચાસ્પદ બનેલા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Bumrah) વિશે આશ્ચર્યજનક માહિતી એ છે કે તે આ બન્ને ટેસ્ટ (test)માં રમશે, કારણકે તેણે એશિયા કપમાં રમવાની સાથે પૂરો આરામ કરી લીધો છે અને તે ટેસ્ટ શ્રેણી રમવા માટે તૈયાર છે.

ચીફ સિલેક્ટર અજિત આગરકરે પત્રકારોને કહ્યું હતું કે ` ઇંગ્લૅન્ડના પ્રવાસ બાદ બુમરાહે પૂરો આરામ કર્યો છે. એ પ્રવાસમાં તે પાંચમી ટેસ્ટ નહોતો રમ્યો. બીજી રીતે કહીએ તો તેણે પાંચ અઠવાડિયાનો બે્રક લીધો હતો. તે વેસ્ટ ઇન્ડિઝ સામેની બન્ને ટેસ્ટ રમવા તૈયાર હોવાની સાથે ખૂબ ઉત્સાહિત પણ છે.’

આગરકરે ભારપૂર્વક કહ્યું હતું કે ` ગયા વર્ષે ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતીય ટીમની 0-3થી જે કારમી હાર થઈ હતી એના પરથી બોધ શીખ્યા છીએ. એ શ્રેણી ટીમ ઇન્ડિયા માટે બહુ ખરાબ અનુભવવાળી હતી. એ શ્રેણી પરથી આંખ ઊઘડી ગઈ એવું પણ કહી શકાય. સામાન્ય રીતે ઘરઆંગણે ભારતીય ટીમ ખૂબ મજબૂત હોય છે, પરંતુ ન્યૂ ઝીલૅન્ડ સામે જે કંઈ બની ગયું એનું હવે પુનરાવર્તન થાય એ ખાસ ધ્યાન રાખવું પડશે.’

ગયા વર્ષે 16મી ઑક્ટોબરથી ત્રીજી નવેમ્બર દરમ્યાન ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતનો બેંગલૂરુ ટેસ્ટમાં આઠ વિકેટે, પુણે ટેસ્ટમાં 113 રનથી અને વાનખેડે ટેસ્ટમાં પચીસ રનથી પરાજય થયો હતો.

30 વર્ષના કરુણ નાયરને પડતો મૂકીને પસંદગીકારોએ દેવદત્ત પડિક્કલને 15 ખેલાડીની ટીમમાં સમાવ્યો છે. બંગાળના ઓપનર અભિમન્યુ ઈશ્વરન વિશે આગરકરે પત્રકારોને કહ્યું હતું કે ` ઈશ્વરન છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ટીમ ઇન્ડિયા સાથે પ્રવાસ કરે છે, પણ તેને ટીમ વતી રમવા નથી મળ્યું એ વાતને અમે જરાય ગંભીરતાથી નથી લેતા. આગામી એક વર્ષમાં કોઈ વિદેશી પ્રવાસ ન હોવાને લીધે ઈશ્વરનનું ટેસ્ટ ડેબ્યૂ અસંભવ લાગે છે. તેને બદલે વિકેટકીપર-બૅટ્સમૅન એન. જગદીશનને ટીમમાં ત્રીજા સંભવિત ઓપનર તરીકે ગણવામાં આવ્યો છે. સામાન્ય રીતે વિદેશ પ્રવાસ માટે 16-17 ખેલાડીની પસંદગી કરવામાં આવતી હોય છે અને એમાં ત્રીજા ઓપનર તરીકે જગદીશનને નવી ટીમમાં સ્થાન અપાયું છે. યશસ્વી જયસ્વાલ અને કે. એલ. રાહુલે સારું પર્ફોર્મ કર્યું છે એટલે હાલમાં ટીમને ત્રીજા ઓપનરની જરૂર નથી. ઇશ્વરનને ત્રીજા ઓપનર તરીકે ગણાવીને માત્ર સ્ક્વૉડમાં રાખીને મૅચની બહાર બેસાડી રાખવાનો કોઈ અર્થ નથી. કોઈ ટેસ્ટમાં તેની જરૂર પડશે તો અમે તેને વહેલામાં વહેલી ફ્લાઇટમાં ટેસ્ટ મૅચના સ્થળે મોકલી શકીશું.’

જાડેજા કેમ વાઇસ-કૅપ્ટન?

રિષભ પંત ઈજાને કારણે વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ-શ્રેણીમાં નહીં રમે. તે નથી રમવાનો એટલે રવીન્દ્ર જાડેજાને (તે સિનિયર-મોસ્ટ ખેલાડી હોવાથી) વાઇસ-કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. પંત વેસ્ટ ઇન્ડિઝ સામેની શ્રેણી બાદ રમાનારી સાઉથ આફ્રિકા સામેની સિરીઝથી પાછો રમવા આવી જશે.

ભારતીય ટેસ્ટ ટીમઃ

શુભમન ગિલ (કૅપ્ટન), રવીન્દ્ર જાડેજા (વાઇસ કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, સાઇ સુદર્શન, કે. એલ. રાહુલ, દેવદત્ત પડિક્કલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), એન. જગદીશન (વિકેટકીપર), વૉશિંગ્ટન સુંદર, નીતીશ રેડ્ડી, અક્ષર પટેલ, પ્રસિદ્ધ ક્રિષ્ના, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ

આ પણ વાંચો…અશ્વિન બિગ બૅશમાં જોડાનારો પ્રથમ ભારતીય, પણ શરૂઆતની મૅચો ગુમાવશે…જાણો શા માટે

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button