સ્પોર્ટસ

રોહિતના સ્થાને બુમરાહને ટેસ્ટ કૅપ્ટન બનાવવાનું લગભગ નક્કી થઈ ગયું!

ચેતન શર્માએ કરેલી ભૂલ આગરકરની કમિટીએ ટાળી, જાણો કેવી રીતે…

નવી દિલ્હીઃ બીસીસીઆઇના મોવડીઓ તેમ જ સિલેક્ટરો જે અભિગમ અપનાવી રહ્યા છે એ જોતાં લાગે છે કે ટેસ્ટના વર્લ્ડ નંબર-વન ફાસ્ટ બોલર તેમ જ ટેસ્ટ ટીમના વાઇસ-કૅપ્ટન જસપ્રીત બુમરાહને વર્લ્ડ ક્લાસ બોલર તરીકે જાળવી રાખવાનો જ તેમનો આશય નથી, રોહિત શર્માના સ્થાને ભવિષ્યમાં (જૂનમાં ઇંગ્લૅન્ડના ટેસ્ટ પ્રવાસમાં) તેને ટેસ્ટની કૅપ્ટન્સી સોંપી શકાય એટલે તેની ફિટનેસની બાબતમાં કોઈ કચાશ ન રહી જાય એ જોવાનો પણ તેમનો હેતુ છે.

બુમરાહને આ બે મોટા કારણસર જ 19મી ફેબ્રુઆરીએ શરૂ થનારી વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી માટેના 15 ખેલાડીઓની ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યો. બીજી રીતે કહીએ તો તેને ટેસ્ટના ભાવિ કૅપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો હોવાથી તેની ફિટનેસની બાબતમાં ભારતીય ક્રિકેટના મોવડીઓએ કોઈ પણ ઉતાવળ કરવાનું ટાળ્યું છે.

આ પણ વાંચો: બુમરાહ અને સ્મૃતિને મળ્યા બીસીસીઆઇના આ સર્વશ્રેષ્ઠ પ્રતિષ્ઠિત પુરસ્કાર…

તાજેતરમાં ભારતે ચૅમ્પિયન્સ ટ્રોફી માટે આઇસીસીને 15 ખેલાડીઓની જે ફાઇનલ ટીમ આપી એમાં બુમરાહના સ્થાને હર્ષિત રાણાનું નામ લખ્યું હતું. ચીફ સિલેક્ટર અજિત આગરકર અને તેમની સિલેક્શન કમિટી ધારત તો બુમરાહને એમાં સામેલ કરી શક્યા હોત, કારણકે બેન્ગલૂરુની નૅશનલ ક્રિકેટ ઍકેડેમી (એનસીએ) કે જ્યાં બુમરાહની પીઠનું સ્કૅન કરવામાં આવ્યું હતું એણે સારો રિપોર્ટ આપ્યો હતો. એનસીએની મેડિકલ ટીમના ચીફ અને ફિઝિયોથેરપિસ્ટ નીતિન પટેલે એનસીએમાં બુમરાહનું રિહૅબિલિટેશન પૂરું થઈ ગયું છે એવું ક્રિકેટ બોર્ડને જણાવ્યું હતું, પરંતુ બુમરાહ મૅચમાં રમવા માટે ફિટ છે કે નહીં એ વિશે તેમણે ચૂપકીદી સેવી હતી. એ જોતાં આગરકરની કમિટીને લાગ્યું કે ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં બુમરાહ કોઈ મૅચ ન રમવાનો હોવાથી તેની ફિટનેસની ખાતરી ન થઈ શકે એટલે પૂરેપૂરો ફિટ હોય એવા જ ફાસ્ટ બોલર (હર્ષિત રાણા)ને ટીમમાં સમાવવો જોઈએ.

આ પણ વાંચો: બુમરાહ ફરી છવાયોઃ ICC ટેસ્ટ ક્રિકેટર ઑફ ધ યરનું સન્માન મળ્યું બુમરાહને

વાત એવી છે કે થોડા વર્ષ પહેલાં જ્યારે ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ચેતન શર્મા પસંદગીકારોની સમિતિનો ચીફ હતો ત્યારે તેની કમિટીએ બુમરાહની ફિટનેસ વિશે એનસીએ પાસે રિપોર્ટ માગ્યો હતો ત્યારે પટેલે આવો જ રિપોર્ટ આપ્યો હતો, પરંતુ શર્માની કમિટીએ બુમરાહને ત્યારે ટી-20 વર્લ્ડ કપ પહેલાંની ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં રમવા મોકલ્યો હતો, પરંતુ તેને એ જ ઈજા ફરી નડી હતી અને તે વર્લ્ડ કપની બહાર થઈ ગયો હતો અને એક વર્ષ સુધી નહોતો રમ્યો તેમ જ તેણે ત્યારે સર્જરી પણ કરાવવી પડી હતી. આગરકરની કમિટીએ આ વખતે એવી કોઈ ભૂલ ન થાય એની તકેદારી લીધી અને બુમરાહને ચૅમ્પિયન્સ ટ્રોફીથી દૂર રાખ્યો છે.

બુમરાહ હવે સીધો 21મી માર્ચે શરૂ થનારી આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સની ફાસ્ટ બોલર્સની ફોજની આગેવાની સંભાળશે અને પછી જૂનમાં ઇંગ્લૅન્ડના પ્રવાસમાં ટેસ્ટનું સુકાન સોંપાશે તો એ સ્વીકારશે, કારણકે રોહિતને હવે ટેસ્ટ ટીમમાં કદાચ સમાવવામાં જ નહીં આવે એવું પીટીઆઇના અહેવાલમાં જણાવાયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button