ટેસ્ટના રૅન્કિંગમાં બુમરાહનું જ રાજઃ નંબર-વન રૅન્ક જાળવી…
દુબઈઃ ભારતના ફાસ્ટ બોલર અને હાલમાં ક્રિકેટ જગતમાં કાતિલ બોલિંગથી હરીફ ટીમોના બૅટર્સ પર આતંક ફેલાવનાર જસપ્રીત બુમરાહે આઇસીસી ટેસ્ટ-બોલર્સ રૅન્કિંગમાં મોખરાની રૅન્ક જાળવી રાખી છે. આજે અહીં આઇસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા નવા રૅન્કિંગમાં કરીઅર-બેસ્ટ 908 રેટિંગ પૉઇન્ટ સાથે અવ્વલ સ્થાને છે.
આ પણ વાંચો : રોહિત શર્માનું ટેસ્ટ કરિયર ખતમ! BCCI મોટો નિર્ણય લઇ શકે છે, જાણો શું છે અહેવાલ
બુમરાહે તાજેતરમાં સિડનીમાં ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝની અંતિમ ટેસ્ટ પહેલાં 907મો રેટિંગ પૉઇન્ટ નોંધાવીને ટેસ્ટ રૅન્કિંગ્સમાં ભારત માટે નવો વિક્રમ સ્થાપિત કર્યો હતો. સિડની ટેસ્ટના પહેલા દાવમાં તેણે બે વિકેટ લીધી હતી અને તેના પૉઇન્ટ વધીને 908 થઈ ગયા છે. પીઠના દુખાવાને કારણે તેણે બીજી ઇનિંગ્સમાં બોલિંગ નહોતી કરી.
ઑસ્ટ્રેલિયાનો કૅપ્ટન પૅટ કમિન્સ (841 પોઇન્ટ) છેલ્લી ટેસ્ટમાં પાંચ વિકેટ લઈને રૅન્કિંગ્સમાં બીજા ક્રમે આવી ગયો છે. સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર કૅગિસો રબાડા (837) ત્રીજા નંબરે આવી ગયો છે અને ઑસ્ટ્રેલિયાનો જૉશ હૅઝલવૂડ (835) બીજા પરથી ચોથા સ્થાને ધકેલાઈ ગયો છે.
સ્પિનર રવીન્દ્ર જાડેજા (745) ટૉપ-ટેન બોલર્સમાં બીજો ભારતીય છે. તે દસમા સ્થાન પરથી હવે ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર સ્કૉટ બૉલેન્ડ (745) સાથે સંયુક્ત રીતે નવમા નંબરે છે. બૉલેન્ડે સિડનીની આખરી ટેસ્ટમાં કુલ 10 વિકેટ (4/31 અને 6/45) લઈને ભારતીય ટીમને હરાવવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી.
ટેસ્ટ-બૅટિંગના રૅન્કિંગ્સમાં રિષભ પંતે ઘણી પ્રગતિ કરી છે. સિડની-ટેસ્ટના બીજા દાવમાં તેણે 33 બૉલમાં આક્રમક 61 રન બનાવ્યા હતા જે બદલ તે ત્રણ ક્રમ ઉપર આવીને ટૉપ-ટેનમાં આવી ગયો છે. તે નવમા સ્થાને છે. યશસ્વી જયસ્વાલે ચોથો ક્રમ જાળવી રાખ્યો છે.
આ પણ વાંચો : `2021માં રહાણે વશમાં નહોતો આવ્યો, પણ આ વખતે રોહિત આવી ગયો એટલે ઑસ્ટ્રેલિયનો સિરીઝ જીતી શક્યા’
સાઉથ આફ્રિકાનો કૅપ્ટન ટેમ્બા બવુમા (106 રન) પાકિસ્તાન સામે તાજેતરની કેપ ટાઉન ટેસ્ટના પ્રથમ દાવમાં સેન્ચુરી ફટકારીને ત્રણ સ્થાન આગળ આવી ગયો છે. તે કરીઅર-બેસ્ટ 769ના રેટિંગ પૉઇન્ટ સાથે હવે છઠ્ઠા નંબરે છે. ઇંગ્લૅન્ડનો જૉ રૂટ હજી પણ બૅટિંગમાં પ્રથમ સ્થાને છે.