બુમરાહને બાંગ્લાદેશ સામે આરામ? ન્યૂ ઝીલૅન્ડ સામે કરી શકે કમબૅક

નવી દિલ્હી: શ્રીલંકાનો પ્રવાસ પૂરો થયા બાદ ટીમ ઇન્ડિયાને હવે લગભગ એક મહિનાની છુટ્ટી છે. ભારતના મોટા ભાગના ખેલાડીઓ દુલીપ ટ્રોફી સહિતની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટોમાં રમતા જોવા મળશે, પરંતુ રોહિત શર્મા તેમ જ વિરાટ કોહલી, આર. અશ્ર્વિન અને જસપ્રીત બુમરાહનો બ્રેક લંબાવવામાં આવ્યો છે. હા, બુમરાહની જ વાત નીકળી છે તો ખાસ જણાવવાનું કે ભારતીય ટીમની આગામી સિરીઝ 19મી સપ્ટેમ્બરથી ઘરઆંગણે બાંગ્લાદેશ સામે રમાશે જે ટેસ્ટ-સિરીઝ હશે અને એમાંથી પણ બુમરાહને આરામ અપાશે એવી સંભાવના છે.
જોકે એક ગુડ ન્યૂઝ એ છે કે બાંગ્લાદેશ સામેની ટેસ્ટ અને ટી-20 સિરીઝ બાદ ભારતીયોની ન્યૂ ઝીલૅન્ડ સામે ટેસ્ટ શ્રેણી શરૂ થશે અને એમાં બુમરાહ કમબૅક કરતો જોવા મળશે.
હવે સવાલ એ છે કે બુમરાહ જો બાંગ્લાદેશ સામેની શ્રેણીઓમાં નહીં રમે તો મેન ઇન બ્લ્યૂમાં તેનું સ્થાન કોણ લેશે? કયા સ્ટાર પેસ બોલરને રમવાનો મોકો મળશે?
બુમરાહની ગેરહાજરીમાં ભારતીય ટીમમાં સામેલ કરી શકાય એવા ત્રણ નામ બોલાય છે. એમાં અર્શદીપ સિંહ, યશ દયાલ અને ખલીલ અહમદનો સમાવેશ છે. જોકે એ પહેલાં દુલીપ ટ્રોફીની મૅચો રમાશે એટલે સિલેક્ટરોને પસંદગી કરવી સહેલી પડશે. દુલીપ ટ્રોફીનો પાંચમી સપ્ટેમ્બરે આરંભ થશે.
ભારતની આગામી ત્રણ સિરીઝ કઈ?
બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણી: 19મી સપ્ટેમ્બરથી પ્રથમ ટેસ્ટ (ચેન્નઈ) અને 27મી સપ્ટેમ્બરથી બીજી ટેસ્ટ (કાનપુર)
બાંગ્લાદેશ સામે ટી-20 શ્રેણી: 6ઠ્ઠી ઑક્ટોબરે પ્રથમ મૅચ (ગ્વાલિયર), 9મી ઑક્ટોબરે બીજી મૅચ (દિલ્હી) અને 12મી ઑક્ટોબરે ત્રીજી મૅચ (હૈદરાબાદ)
ન્યૂ ઝીલૅન્ડ સામે ટેસ્ટ શ્રેણી: 16મી ઑક્ટોબરથી પ્રથમ ટેસ્ટ (બેન્ગલૂરુ), 24મી ઑક્ટોબરથી બીજી ટેસ્ટ (પુણે) અને પહેલી નવેમ્બરથી ત્રીજી ટેસ્ટ (મુંબઈ)