સિરાજના કનેક્શનવાળી બુમરાહની પોસ્ટે મીડિયામાં બબાલ મચાવી, ટ્રૉલ થયો

નવી દિલ્હીઃ ક્યારેક એવું બને છે કે કોઈ સેલિબ્રિટી કે મોટી હસ્તી કંઈક અનિચ્છનીય બોલી નાખે તો સોશિયલ મીડિયામાં ટ્રૉલ થાય છે અને ક્યારેક તે કંઈ ન બોલે તો પણ લોકો તેને છોડતા નથી. બધુ ક્રિકેટપ્રેમીઓના મૂડ પર આધાર રાખે છે.
ટેસ્ટના વર્લ્ડ નંબર-વન બોલર જસપ્રીત બુમરાહ (BUMRAH)ના કિસ્સામાં આવું જ બન્યું. તેણે પોતાના સોશિયલ અકાઉન્ટ પરની એક પોસ્ટમાં ભારત-ઇંગ્લૅન્ડ સિરીઝ વિશે ઘણું લખ્યું, પરંતુ તેની ગેરહાજરીમાં ભારતને બે ટેસ્ટમાં વિજય અપાવનાર મોહમ્મદ સિરાજ (Siraj)ની પ્રશંસામાં કંઈ જ ન લખ્યું એ કેટલાક ક્રિકેટપ્રેમીઓને નથી ગમ્યું.
આ પણ વાંચો: બુમરાહે કપિલનો વિક્રમ તોડ્યો, પણ સેલિબ્રેશન કરવાનું ટાળ્યું
સિરાજ શ્રેણીની પાંચેય ટેસ્ટ રમ્યો અને તેની 23 વિકેટ બન્ને દેશના બોલર્સમાં સૌથી વધુ હતી. બુમરાહ બે ટેસ્ટ નહોતો રમ્યો અને તે 14 વિકેટ સાથે ભારતીયોમાં બીજા નંબર પર હતો. બુમરાહે સિરીઝની અગાઉથી જ કહી દીધું હતું કે વર્કલૉડ મૅનેજમેન્ટના ભાગરૂપે તે પાંચને બદલે ત્રણ જ ટેસ્ટ રમશે. તે પહેલી, ત્રીજી અને ચોથી ટેસ્ટમાં રમ્યો હતો. તે જે બે ટેસ્ટ (બીજી તથા પાંચમી)માં ન રમ્યો એમાં ભારત જીત્યું હતું. કહેવાનો અર્થ એ છે કે સિરાજ તથા બીજા બોલર્સે બીજી તથા પાંચમી ટેસ્ટમાં બુમરાહની ખોટ નહોતી વર્તાવા દીધી. એ બે ટેસ્ટના વિજય થકી જ ભારતે સિરીઝ 2-2થી ડ્રૉ કરાવી હતી.

છેલ્લી ટેસ્ટમાં સિરાજે કુલ નવ વિકેટ લીધી હતી. સોમવારે શ્રેણીના અંતિમ દિવસે સિરાજે બાકી રહેલી ચારમાંથી ત્રણ વિકેટ લઈને ભારતને છ રનથી વિજય અપાવ્યો હતો અને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતી લીધો હતો. સિરાજે સિરીઝના સમાપન બાદ કહ્યું હતું કે બુમરાહ પણ સાથે હોત તો મેં આ વિજયનો વધુ આનંદ માણ્યો હોત.’ બુમરાહે શ્રેણી પૂરી થયા બાદ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરની પોસ્ટ (Post)માં લખ્યું, અમે ઉગ્ર હરીફાઈવાળી તેમ જ રોમાંચક ટેસ્ટ સિરીઝ (Test Series)માંથી બેમિસાલ યાદગીરીઓ સાથે પાછા આવ્યા છીએ. હવે પછી શું થશે એની બધા કાગડોળે રાહ જોશે.’
આ પણ વાંચો: બોલતાં પહેલાં વિચાર કર, કર્મનો સિદ્ધાંત પોતાને પણ લાગુ પડે છેઃ અશ્વિને આવું કોના માટે કહ્યું?
આ પોસ્ટ બદલ કેટલાક ક્રિકેટપ્રેમીઓ તેને ટ્રૉલ કરી રહ્યા છે. એનું કારણ એ છે કે બુમરાહે પોતાની પોસ્ટમાં મોહમ્મદ સિરાજનું નામ જ નથી લીધું. એક યુઝરે લખ્યું છે, બુમરાહ શું સિરાજથી પોતાને અસલામત માને છે.' બીજા એક યુઝરે લખ્યું,
જસપ્રીત બુમરાહની આ પોસ્ટ ખૂબ રસપ્રદ છે, પણ તેણે સિરાજની પ્રશંસા કરી જ નહીં. પ્રસિદ્ધ ક્રિષ્ના અને શુભમન ગિલ વિશે પણ કંઈ ન લખ્યું.’
બુમરાહની વહારે કેટલાક ફૅન્સ આવ્યા છે. તેમનું એવું કહેવું છે કે ` બધા જાણે છે કે બુમરાહે લાજવાબ બોલિંગથી ટીમને અગાઉ ઘણી મહત્ત્વપૂર્ણ મૅચો જિતાડી છે. તે આમ જ ટેસ્ટનો નંબર-વન બોલર નથી બન્યો. તે કોઈના વખાણ ન કરે એનો અર્થ એ નથી કે તેની ટીકા કરવાની.’