ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં જ ભારતીય ટીમને મોટો ઝટકો
મૅચ-વિનર ખેલાડી આઉટ અને સ્ટાર ઓપનરની બાદબાકી: જાણો, ક્યા બે પ્લેયરનો થયો સમાવેશ…
![Jasprit Bumrah and Varun Chakravarthy in cricket jerseys during Champions Trophy match.](/wp-content/uploads/2025/02/bumrah-varun-champions-trophy-squad-change.webp)
મુંબઈ: 19મી ફેબ્રુઆરીએ શરૂ થનારી વન-ડેની ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી જસપ્રીત બુમરાહની છેવટે બાદબાકી થઈ ગઈ છે અને યશસ્વી જયસ્વાલને પણ મુખ્ય ટીમની બહાર કરી રાખવામાં આવ્યો છે. બુમરાહ પીઠની ઈજાને કારણે આ સ્પર્ધા માટે ડાઉટફુલ હતો જ. તેના સ્કૅનના રિપોર્ટમાં કંઈ જ અજુગતું નથી આવ્યું, પરંતુ કહેવાય છે કે બુમરાહ પોતે જ હજી આંતરરાષ્ટ્રીય મૅચોમાં બોલિંગ કરવા માટે તૈયાર નથી એટલે ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ફાઈનલ ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધા પછી માર્ચ મહિનામાં આઇપીએલ શરૂ થશે.
બુમરાહના સ્થાને હર્ષિત રાણાને મુખ્ય ટીમમાં સમાવવામાં આવ્યો છે.
ઈજાને કારણે બુમરાહ ત્રણ વર્ષમાં બીજી વખત આઈસીસી ઇવેન્ટ ગુમાવશે. 2022માં તે ટી-20 વર્લ્ડ કપમાં નહોતો રમી શક્યો. ત્યારે તેણે સર્જરી કરાવવી પડી હતી. ગયા મહિને બીસીસીઆઈએ કામચલાઉ ટીમ જાહેર કરી ત્યારે જ પત્રકારોને કહેવામાં આવ્યું હતું કે અંતિમ 15 ખેલાડીઓમાં બુમરાહનો સમાવેશ તેની ફિટનેસને આધારે જ કરવામાં આવશે. હર્ષિત રાણાએ તાજેતરમાં જ વન-ડેમાં ડેબ્યૂ કર્યું છે. ઇંગ્લૅન્ડ સામેની વર્તમાન વન-ડે સિરીઝની બે મૅચ તે રમ્યો છે જેમાં તેણે ચાર વિકેટ લીધી છે. એ પહેલાં ઇંગ્લૅન્ડ સામેની જ ટી-20 મૅચમાં તેણે ત્રણ વિકેટ લીધી હતી.
Also read: ભારત પ્રવાસ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઇગ્લેન્ડની ટીમ જાહેરઃ રૂટની વન-ડે ટીમમાં વાપસી…
તમામ દેશોએ આઈસીસીને અગાઉ જ કામચલાઉ ટીમ આપી દીધી હતી અને ફાઇનલ ટીમ આપવા માટે 11મી ફેબ્રુઆરી નિયત કરવામાં આવી હતી. હવે પછી જો કોઈ દેશે પોતાની ટીમમાં કંઈ પણ ફેરફાર કરવાનો રહેશે તો એણે આઇસીસીની ટેક્નિકલ કમિટીની પરવાનગી લેવી પડશે. યુવાન ઓપનિંગ બૅટર યશસ્વી જયસ્વાલ કામચલાઉ ટીમમાં સામેલ હતો, પણ હવે તેના સ્થાને સફળ સ્પિનર વરુણ ચક્રવર્તીને લેવામાં આવ્યો છે. યશસ્વી તેમ જ મોહમ્મદ સિરાજ અને શિવમ દુબેને નૉન-ટ્રાવેલિંગ સબ્સ્ટિટયૂટ તરીકે સમાવવામાં આવ્યા છે. વરુણ ચક્રવર્તીએ ભારતની ટી-20 ટીમમાં કમબૅક કર્યું ત્યાર પછી તેણે 31 વિકેટ લીધી છે.
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં રમાવાની છે, પરંતુ ભારતની તમામ મૅચો દુબઈમાં રમાશે. ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈ-વૉલ્ટેજ મૅચ રવિવાર, 23મી ફેબ્રુઆરીએ (બપોરે 2:30 વાગ્યાથી દુબઈમાં રમાશે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી અને વરુણ ચક્રવર્તી.
નૉન-ટ્રાવેલિંગ સબસ્ટિટયૂટ્સ:
યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ અને શિવમ દુબે.