બુમરાહ ટેસ્ટ-ક્રિકેટમાં 10,000મો બૉલ ફેંકનાર આટલામો ભારતીય બોલર બન્યો…

ગુવાહાટીઃ અહીં સિરીઝની બીજી ટેસ્ટમાં પણ ભારત પરાજયની દિશામાં આગળ વધી રહ્યું છે, પરંતુ એ નિરાશાજનક માહોલમાં ટેસ્ટના વર્લ્ડ નંબર-વન બોલર જસપ્રીત બુમરાહે એક મોટી સિદ્ધિ મેળવી છે જેમાં તેણે 10,000મો બૉલ ફેંક્યો છે અને એ સાથે તે રેકૉર્ડ-બુકમાં આવી ગયો છે.
બુમરાહ ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં 10,000 બૉલ ફેંકનાર ભારતનો છઠ્ઠો પેસ બોલર બન્યો છે. ભારત વતી પેસર્સ અને સ્પિનર્સ, બન્નેની ગણતરી કરીએ તો બુમરાહ ટેસ્ટ ફૉર્મેટમાં 10,000 બૉલ ફેંકનાર 17મો બોલર છે. સમગ્ર ટેસ્ટ-ક્રિકેટની વાત કરીએ તો 10,000 બૉલ ફેંકનાર તે વિશ્વનો કુલ 130મો બોલર અને 75મો પેસ બોલર બન્યો છે.
સાઉથ આફ્રિકા સામે ડેબ્યૂ કર્યું હતું
31 વર્ષના બુમરાહે (Bumrah) 2018ની પાંચમી જાન્યુઆરીએ કેપ ટાઉનમાં ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારે તેણે પ્રથમ બૉલ એબી ડિવિલિયર્સને ફેંક્યો હતો. ડિવિલિયર્સ સાઉથ આફ્રિકાનો ખેલાડી હતો અને ગુવાહાટી (Guwahati)માં બુમરાહે 10,000મો બૉલ એઇડન માર્કરમને ફેંક્યો હતો અને તે પણ સાઉથ આફ્રિકન છે.
ભારતીયોમાં પ્રથમ કોણ
ભારત વતી ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ બૉલ ફેંકવાનો વિક્રમ પેસ બોલર્સમાં કપિલ દેવના નામે છે. તેમણે 227 ઇનિંગ્સમાં કુલ 27,740 બૉલ ફેંક્યા હતા. બીજા નંબરે ઇશાંત શર્મા છે. તેણે 188 ઇનિંગ્સમાં 19,160 બૉલ ફેંક્યા હતા. આ યાદીમાં ત્રીજા નંબરે ઝહીર ખાન (165 દાવમાં 18,785 બૉલ), ચોથા નંબરે જાવાગલ શ્રીનાથ (121 દાવમાં 15,104 બૉલ), પાંચમા નંબરે મોહમ્મદ સિરાજ (122 દાવમાં 11,515 બૉલ) છે. બુમરાહ છઠ્ઠા નંબરે (99 દાવમાં 10,013 બૉલ) છે. વિશ્વભરના ઝડપી બોલરમાં સૌથી વધુ 40,037 બૉલ ફેંકવાનો વિશ્વ વિક્રમ ઇંગ્લૅન્ડના જેમ્સ ઍન્ડરસનના નામે છે.
કુંબલેએ 40,000-પ્લસ બૉલ ફેંક્યા હતા
ઉલ્લેખનીય છે કે ભારત (India) વતી ટેસ્ટમાં સૌથી વધુ 619 વિકેટ લેનાર સ્પિનર અનિલ કુંબલેએ કુલ 40,850 બૉલ ફેંક્યા હતા. ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ 44,039 બૉલ ફેંકવાનો વિશ્વવિક્રમ શ્રીલંકાના મુથૈયા મુરલીધરનના નામે છે. ટેસ્ટમાં સૌથી વધુ 800 વિકેટ લેનાર મુરલીધરને સપ્ટેમ્બર, 1992માં કોલંબોમાં ઑસ્ટ્રેલિયા સામેની ઇનિંગ્સમાં પહેલો બૉલ ફેંક્યો ત્યારે તેણે કલ્પના પણ નહીં કરી હોય કે તે 44,000-પ્લસ બૉલ ફેંકવાનો વિશ્વવિક્રમ રચશે.
આપણ વાંચો: IND vs SA 2nd Test: ભારતીય ટીમને મળ્યો 549 રનનો ટાર્ગેટ, જીત લગભગ અશક્ય



