સ્પોર્ટસ

શુભમન ગિલને સેન્ચુરીથી વંચિત રાખવા બ્રિટિશ બોલરની નાપાક હરકત

એજબૅસ્ટનઃ એક સમય હતો જ્યારે ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડના તેમ જ ખાસ કરીને પાકિસ્તાનના ખેલાડીઓ ` જેન્ટલમૅન્સ ગેમ’ની ભાવનાઓ બાજુ પર રાખીને અને શરમ નેવે મૂકીને ભારતીય ખેલાડીઓ સામે સ્લેજિંગનું શસ્ત્ર અજમાવતા હતા, પણ 2008માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના આરંભ સાથે એ જ દેશના ખેલાડીઓને દર વર્ષે ભારતમાં રમવા આવીને કરોડો રૂપિયાની લાલચ થઈ એટલે ભારતીયો સામે સ્લેજિંગ કરવાનું તેમણે ઓછું કરી દીધું હતું. જોકે બુધવારે એક અંગ્રેજ બોલરની હરકત જોઈને એવું કહેવાનું મન થાય છે કે વાંદરો ક્યારેય ગુલાંટ મારવાનું ન ભૂલે.

વાત એવી છે કે ભારતનો નવો ટેસ્ટ સુકાની શુભમન ગિલ (Shubhman Gill) ઐતિહાસિક સેન્ચુરીની લગોલગ હતો ત્યારે ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર બ્રાયડન કાર્સે (Brydon Carse) એક બૉલ ફેંકતાં પહેલાં રન-અપ પર દોડીને આવતાં પહેલાં ડાબો હાથ વિના કારણ એવી રીતે હલાવ્યો કે ગિલની એકાગ્રતાભંગ થઈ જાય અને તે વિકેટ ગુમાવી બેસતાં સેન્ચુરી (Century) પણ ગુમાવી બેસે.

https://twitter.com/SonySportsNetwk/status/1940485241417724213

ઓપનર યશસ્વી જયસ્વાલ 87 રને આઉટ થઈ જતાં તે 13 રન માટે છઠ્ઠી સદી ચૂકી જ ગયો હતો ત્યાર બાદ ગિલે એક છેડો સાચવી રાખીને ભારતીય ટીમને મોટી મુશ્કેલીમાંથી ઉગારી હતી અને તે સાતમી સેન્ચુરીની સાવ નજીક હતો ત્યારે બ્રાયડન કાર્સવાળી ઘટના બની હતી. એ પહેલાં ગિલ બ્રિટિશરોની અનેક પરીક્ષામાંથી પાસ થઈ ગયો હતો અને કાર્સવાળા આ બનાવે હદ પાર કરી દીધી હતી.

આ પણ વાંચો: કેપ્ટન ગિલની સતત બીજી ટેસ્ટમાં સદી: આ ત્રણ લેજન્ડની હરોળમાં થયો…

34મી ઓવરના ત્રીજા બૉલમાં કાર્સ રન-અપ પરથી દોડીને આવતો હતો ત્યારે તેણે બૉલ ફેંકતાં પહેલાં ડાબો હાથ હલાવવાનો શરૂ કરી દીધો હતો કે જેથી ગિલની એકાગ્રતા તૂટી જાય. પરિણામ એ આવ્યું કે ગિલને પરેશાન કરવાના ચક્કરમાં ખુદ કાર્સે જ કિંમત ચૂકવવી પડી. તે બદઇરાદા પછીનો એ બૉલ ફેંકે એ પહેલાં જ ગિલ તેની ગંદી હરકતને પારખી ગયો હતો અને ક્રીઝમાંથી નીકળી ગયો હતો જેને લીધે કાર્સ બૉલ નહોતો ફેંકી શક્યો અને તેણે (જાણે કંઈ જાણતો જ ન હોય એવો ચહેરા પર ભાવ બતાવ્યા બાદ) ફરી બૉલ ફેંકવા માટે રન-અપ પર ચાલતી પકડી હતી.

કાર્સ ત્યારે ગિલને ચીટિંગથી આઉટ કરવા માગતો હતો, પણ એમાં સફળ નહોતો થયો. બુધવારના એ પહેલા દિવસે કાર્સે 16 ઓવર બોલિંગ કરી હતી જેમાં તેને 49 રનમાં ત્રીજા ક્રમના બૅટ્સમૅન કરુણ નાયરની વિકેટ મળી હતી.
શુભમન ગિલે 199 બૉલમાં અગિયાર ફોરની મદદથી 100 રન પૂરા કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button