119 કિલોમીટરની ઝડપે ફેંકાયેલો બૉલ મહિલા વિકેટકીપરને માથામાં વાગ્યો અને…
ક્રિકેટના મેદાનો પર અત્યાર સુધીમાં 17 ખેલાડી જાન ગુમાવી ચૂક્યા છે!
નોર્થ સિડની: ઑસ્ટ્રેલિયામાં મહિલાઓની બિગ બૅશ લીગ સ્પર્ધામાં મંગળવારના ત્રીજા દિવસે ટૂર્નામેન્ટની પાંચમી મૅચમાં એક ખેલાડીનાં માથેથી ઘાત ટળી હતી. મહિલા વિકેટકીપર બ્રિજેટ પૅટરસનને માથામાં બૉલ વાગ્યો હતો. સદનસીબે તે ગંભીર ઈજાથી બચી ગઈ હતી.
આ પણ વાંચો : અમદાવાદમાં ભારતીય મહિલા ક્રિકેટરોની દિવાળી યાદગાર…
વાત એવી છે કે ઍડિલેઇડ સ્ટ્રાઇકર્સ અને સિડની સિકસર્સ વચ્ચે મૅચ ચાલી રહી હતી. આ ઘટના ઍડિલેઇડની વિકેટકીપર પૅટરસન સાથે બની હતી.
સિડની સિક્સર્સની ઇનિંગ્સની ચોથી ઓવર ચાલી રહી હતી. ઍડિલેઇડની જાણીતી બોલર ડાર્સી બ્રાઉને ઓવરનો પાંચમો બૉલ કલાકે 119 કિલોમીટરની ઝડપે ફેંક્યો હતો. એ બૉલ ઑફ સાઇડમાં પડ્યો હતો. બૉલ ગુડ લેન્ગ્થ પર ટપ પડ્યા બાદ બૅટર પાસેથી થઈને પાછળની બાજુએ ગયો હતો. વિકેટકીપર પૅટરસને બૉલ પકડવાની કોશિશ કરી, પરંતુ અણધાર્યા ઉછાળને કારણે બૉલ સીધો તેના માથાને વાગ્યો હતો.
આ પણ વાંચો : ભારતની આ સ્ટાર મહિલા ક્રિકેટર નંબર-વનની રૅન્કથી એક જ ડગલું દૂર
બૉલ વાગતાં જ પૅટરસન નીચે પટકાઈ હતી અને માથુ દબાવતી અને કણસતી થોડી વાર સુધી ઘાસ પર જ પડી રહી હતી. તેણે મેદાન છોડીને જવું પડ્યું એના પરથી જ ખ્યાલ આવી જાય છે કે માથામાં તેને બૉલ જોરદાર વાગ્યો હતો. નસીબજોગે તેની હાલત હવે સારી છે.
ક્રિકેટના મેદાન પર ખેલાડીને બૉલ વાગવો સામાન્ય વાત છે. તમને જાણીને નવાઈ લાગશે કે 1624થી અત્યાર સુધીમાં મેદાન પર કુલ 17 ક્રિકેટર બૉલ વાગવાથી મૃત્યુ પામ્યા છે. એમાં સૌથી વધુ ઇંગ્લૅન્ડના 11 ખેલાડીએ જાન ગુમાવ્યા છે. પાકિસ્તાન તથા દક્ષિણ આફ્રિકાના બે-બે તેમ જ ઑસ્ટ્રેલિયા અને ભારતના એક-એક પ્લેયરે જીવ ગુમાવ્યો છે.
પૅટરસન ફીલ્ડિંગમાં ઈજા પામી એ પહેલાં બૅટિંગમાં ઝળકી હતી. તેણે પાંચમા નંબર પર બૅટિંગ કરી હતી અને 32 બૉલમાં તેણે 137.50ના સ્ટ્રાઇક-રેટ સાથે 44 રન બનાવ્યા હતા. તેણે એક સિક્સર અને છ ફોર ફટકારી હતી.
આ પણ વાંચો : વૉટ એ કૅચ! રાધા યાદવની જૉન્ટી રહોડ્સની સ્ટાઇલમાં ડાઇવ…
મૅચ વિશે જાણીએ તો ઍડિલેઇડ સ્ટ્રાઇકર્સની ટીમે 20 ઓવરમાં 171 રન બનાવ્યા હતા જેના જવાબમાં સિડની સિક્સર્સની ટીમે 20 ઓવરમાં નવ વિકેટે 160 રન બનાવતાં ઍડિલેઇડે 11 રનથી વિજય મેળવ્યો હતો.