બ્રાયન લારાની ચોંકાવનારી વાત, રિચર્ડ્સના રુઆબને લીધે પાંચ દિવસ બાથરૂમમાં વીતાવ્યા હતા!

પોર્ટ ઑફ સ્પેનઃ વેસ્ટ ઇન્ડિઝના ભૂતપૂર્વ કૅપ્ટન અને ક્રિકેટના સૌથી મોટા લેજન્ડ્સમાં ગણાતા બ્રાયન લારા (Brian Lara)એ તાજેતરમાં પોતાની ડેબ્યૂ ટેસ્ટને લગતો જે કિસ્સો સંભળાવ્યો એ ક્રિકેટના ચાહકોને ચોંકાવી દે એવો છે.
પ્રિન્સ ઑફ પોર્ટ ઑફ સ્પેન’ તરીકે ઓળખાતા લારાએ કહ્યું હતું કે જ્યારે તેણે પહેલી વાર સર વિવિયન રિચર્ડ્સ (Sir Vivian Richards) સાથે ટીમ શૅર કરી હતી ત્યારે તેની (લારાની) શરૂઆત ડ્રીમ સ્ટાર્ટ જેવું નહોતું.
ઊલટાનું, લારા માટે એ આરંભ ડરામણો બની ગયો હતો. લારા 56 વર્ષનો છે. તે પહેલી ટેસ્ટ ડિસેમ્બર, 1990માં લાહોરમાં પાકિસ્તાન સામે રમ્યો હતો. એ ટેસ્ટના પ્રથમ દાવમાં તેણે 44 રન કર્યા હતા અને અબ્દુલ કાદિરના બૉલમાં આમિર મલિકના હાથમાં કૅચઆઉટ થયો હતો.
આપણ વાંચો: ચેતેશ્વર પૂજારાએ રણજી ટ્રોફીમાં ફટકારી બેવડી સદીઃ બ્રાયન લારાના રેકોર્ડને તોડ્યો
બીજા દાવમાં તે ફક્ત પાંચ રન કરીને ઇમરાન ખાનના બૉલમાં સલીમ મલિકના હાથમાં કૅચ આપી બેઠો હતો. જોકે લારાની કરીઅર શાનદાર હતી. તે ડિસેમ્બર, 2006માં (16 વર્ષ બાદ) અંતિમ ટેસ્ટ પણ પાકિસ્તાનમાં પાકિસ્તાન સામે રમ્યો હતો. એ અંતિમ ટેસ્ટ (Test)માં તે કૅપ્ટન હતો અને પ્રથમ દાવના શૂન્ય બાદ બીજા દાવમાં તેણે 49 રન કર્યા હતા.
એ ટેસ્ટ પાકિસ્તાને જીતી લીધી હતી. લારાએ 131 ટેસ્ટમાં 34 સેન્ચુરીની મદદથી 52.88ની બૅટિંગ સરેરાશે કુલ 11,953 રન કર્યા હતા. અણનમ 400 રન તેનો હાઇએસ્ટ સ્કોર છે જે વિશ્વવિક્રમ પણ છે. લારા હોમટાઉન ટ્રિનિદાદના પોર્ટ ઑફ સ્પેનમાં પહેલી વાર છેક 1993માં (ડેબ્યૂના અઢી વર્ષ બાદ) ટેસ્ટ રમ્યો હતો.
તેણે એક પૉડકાસ્ટ પર કહ્યું છે કે મને પહેલી વાર જ્યારે ટ્રિનિદાદમાં ટેસ્ટ રમવા માટે વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં સામેલ કરવામાં આવ્યો ત્યાર બાદ એક દિવસ હું સવારે 8.00 વાગ્યે પ્રૅક્ટિસ માટે મેદાન પર પહોંચી ગયો હતો.’ જોકે પત્રમાં ટીમ માટેનો રિપોર્ટિંગ ટાઇમ 9.00 વાગ્યાનો હતો.
આપણ વાંચો: વિઆન, તારે લારાનો 400 રનનો રેકૉર્ડ તોડવો જોઈતો હતો, તેં ભૂલ કરી: ક્રિસ ગેઈલ
તમામ દિગ્ગજ ખેલાડીઓ જેમ કે વિવ રિચર્ડ્સ, ગોર્ડન ગ્રિનિજ, ડેસ્મંડ હેઇન્સ, માલ્કમ માર્શલ ડ્રેસિંગ રૂમમાં આવ્યા ત્યારે અગાઉથી જ મેદાન પર પહોંચી ગયેલા લારાને થયું કે આ બધા તેના માટે હીરો છે અને તેમની સાથે રમવાનો મોકો મળ્યો છે એટલે સામે ચાલીને તેમને મળવું જ રહ્યું.
આવું વિચારીને લારા હિંમત ભેગી કરીને મેદાન પરથી ઉપર આવીને ડ્રેસિંગ રૂમની નજીક પહોંચ્યો ત્યારે તેણે જોયું કે તેની ક્રિકેટ-બૅગ ડ્રેસિંગ રૂમમાંથી ઉડતી બહાર આવી રહી હતી. રૂમની અંદરથી કોઈએ તેની એ બૅગ બહાર ફેંકી હતી.
તેણે રૂમમાં જઈને જોયું તો તેનો બધો સામાન પણ વેરવિખેર હતો. લારાએ રૂમની બહાર જઈને બૅગ ઉપાડી લીધી અને ચુપચાપ અંદર જઈને બાથરૂમ પાસે જઈને બેસી ગયો.
આપણ વાંચો: સાઉથ આફ્રિકાના બૅટ્સમૅને લારાનો 400 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડવાનું માંડી વાળ્યું અને પછી કહ્યું…
લારાએ પૉડકાસ્ટમાં કહ્યું છે કે મેં મારી બૅગ જ્યાં રાખી હતી એ જગ્યા વિવ રિચર્ડ્સની બૅગ માટેની હતી. રિચર્ડ્સ હંમેશાં એ જગ્યાએ પોતાની બૅગ રાખતા હતા. મેં તેમની જગ્યાએ મારી બૅગ રાખી હતી એ તેમને કદાચ નહોતું ગમ્યું. ત્યાર બાદ મેં મારી કરીઅરની એ શરૂઆતના અરસાના પાંચ દિવસ ડ્રેસિંગ રૂમના બાથરૂમમાં જ વીતાવ્યા હતા.
‘ ખુદ લારાના મોઢે આ વાત કોઈને પણ ચોંકાવી દે એવી છે. આના પરથી સાબિત થાય છે કે સામાન્ય રીતે ડ્રેસિંગ રૂમમાં નવા ખેલાડીઓ પર કેટલું બધુ દબાણ હતું. ખાસ કરીને ટીમમાં જો દિગ્ગજો ભર્યા હોય તો નવાસવા ખેલાડીએ ખૂબ સાવચેતીભર્યું વર્તન કરવું પડે.
નહીં તો આવી બને. લારાએ પૉડકાસ્ટમાં નાનપણનો વધુ એક કિસ્સો સંભળાવ્યો હતો. જોકે એ કિસ્સો ચોંકાવનારો નહીં, પણ આનંદ અપાવનારો હતો. લારાએ કહ્યું કે 1975માં વેસ્ટ ઇન્ડિઝની ટીમ ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી ત્યારે અમે આખી રાત જાગીને રેડિયો કૉમેન્ટરી સાંભળતા હતા.
અમારા ઘરમાં ત્રણ બેડરૂમ હતા. અમારા પિતા મને અને મારા ભાઈને ફક્ત પ્રથમ સત્રની કૉમેન્ટરી સાંભળવાની જ છૂટ આપતા હતા. ત્યાર પછી અમારે સૂઈ જવું પડતું હતું, કારણકે વહેલી સવારે અમારે સ્કૂલે જવાનું હતું.’