ઝિમ્બાબ્વેના બ્રેન્ડન ટેલરે સાડાત્રણ વર્ષે કમબૅક કરીને રચ્યો નવો ઇતિહાસ

હરારેઃ ઝિમ્બાબ્વેના અનુભવી બૅટ્સમૅન બ્રેન્ડન ટેલરે (Brandon Taylor) નાણાકીય ગેરરીતિ તેમ જ કોકેઇન લેવા બદલ સાડાત્રણ વર્ષ સુધી રમવા સામે મૂકવામાં આવેલો પ્રતિબંધ પૂરો કર્યા બાદ પાછો રમવા આવી ગયો છે અને આવતાવેંત તેણે નવો ઇતિહાસ રચ્યો છે.
તે સૌથી લાંબી વન-ડે કરીઅર (ODI CAREER) પોતાના નામે ધરાવનાર સચિન તેન્ડુલકર અને સનથ જયસૂર્યા પછીનો ત્રીજો ખેલાડી બની ગયો છે. તેણે જાવેદ મિયાંદાદ (MIANDAD)ને પાછળ મૂકી દીધો છે.
આપણ વાંચો: રોહિત વન-ડે કરીઅર બચાવવાના મૂડમાંઃ ઑસ્ટ્રેલિયા ` એ’ સામે રમશે
એટલું જ નહીં, બ્રેન્ડન ટેલર 2001ની સાલ પછીનો એવો ખેલાડી પણ છે જેની વન-ડે કારકિર્દી સૌથી લાંબી છે. ટેલર 39 વર્ષનો છે અને તેને સાડાત્રણ વર્ષ પછીની પ્રથમ વન-ડે રમવાનો મોકો શુક્રવારે હરારેમાં મળ્યો હતો જેમાં તે ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો.
શ્રીલંકાના 6/298ના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ સિકંદર રઝાના 92 રન અને બેન કરૅનના 70 રન અને કૅપ્ટન શૉન વિલિયમ્સના 57 રન છતાં 50 ઓવરમાં આઠ વિકેટે 291 રન કરી શકી હતી અને ઝિમ્બાબ્વેનો સાત રનથી પરાજય થયો હતો.
આપણ વાંચો: પાકિસ્તાનને એવા બે ખેલાડીએ પ્રથમ વન-ડેમાં વેસ્ટ ઇન્ડિઝ સામે વિજય અપાવ્યો જેમણે…
ટેલરે ઑગસ્ટ મહિનાની શરૂઆતમાં સાડાત્રણ વર્ષનો બૅન પૂરો કર્યો હતો. ત્યારે તેને ન્યૂ ઝીલૅન્ડ સામે ટેસ્ટ રમવાની તક મળી હતી. એ સાથે ટેલર 21મી સદીમાં ડેબ્યૂ કરનાર ટેસ્ટ ખેલાડીઓમાં સૌથી લાંબી ટેસ્ટ કરીઅરવાળો ખેલાડી બની ગયો.
બ્રેન્ડન ટેલરે 2004માં વન-ડે કારકિર્દી શરૂ કરી હતી જે અત્યાર સુધી ચાલી રહી છે. તે સૌથી લાંબી વન-ડે કરીઅરવાળા ખેલાડીઓમાં સચિન અને જયસૂર્યાથી પાછળ છે જ, તેણે જાવેદ મિયાંદાદને પાછળ પાડી દીધો છે. બ્રેન્ડન ટેલરની વન-ડે કારકિર્દીને 21 વર્ષ થયા, જ્યારે મિયાંદાદની કારકિર્દી 20 વર્ષ સુધી ચાલી હતી.
આપણ વાંચો: નવી પેસ બોલરે આ વર્લ્ડ રેકોર્ડ સાથે ભારતને વન-ડે સિરીઝ જિતાડી આપી
સૌથી લાંબી વન-ડે કારકિર્દી
(1) સચિન તેન્ડુલકરઃ 18 ડિસેમ્બર 1989થી 18 માર્ચ 2012 સુધી, 22 વર્ષ 91 દિવસની કરીઅર, 463 મૅચ
(2) સનથ જયસૂર્યાઃ 26 ડિસેમ્બર 1989થી 28 જૂન 2011 સુધી, 21 વર્ષ 184 દિવસની કરીઅર, 445 મૅચ
(3) બ્રેન્ડન ટેલરઃ 20 એપ્રિલ 2004થી અત્યાર સુધી, 21 વર્ષ 132 દિવસની કરીઅર, 206 મૅચ
(4) જાવેદ મિયાંદાદઃ 11 જૂન 1975થી 9 માર્ચ 1996 સુધી, 20 વર્ષ 272 દિવસની કરીઅર, 233 મૅચ
(5) ક્રિસ ગેઇલઃ 11 સપ્ટેમ્બર 1999થી 14 ઑગસ્ટ 2019 સુધી, 19 વર્ષ 337 દિવસની કરીઅર, 301 મૅચ