બૉયકૉટ કહે છે, રોહિતનો શ્રેષ્ઠ સમય હવે પૂરો થયો
લંડન: ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડના વર્તમાન તેમ જ ભૂતપૂર્વ ખેલાડીઓ ભારત સાથેની સિરીઝ ચાલુ હોય એ દરમ્યાન ભારતીય ખેલાડીઓનું મનોબળ તોડવાના હેતુથી માઇન્ડ-ગેમ રમવા માટે જાણીતા છે. જેમ ઑસ્ટ્રેલિયનોમાં ઈયાન ચૅપલે સ્પષ્ટવક્તા છે એમ ઇંગ્લૅન્ડના જ્યૉફ બૉયકૉટ પણ જે ઠીક લાગ્યું એ કહી દેવા માટે જાણીતા છે. બૉયકૉટે મંગળવારના ‘ધ ડેઇલી ટેલિગ્રાફ’ને કહ્યું, ‘મને લાગે છે કે રોહિત શર્માનો શ્રેષ્ઠ સમય હવે પૂરો થઈ ચૂક્યો છે. એટલું જ નહીં, ભારતીય ટીમને હૈદરાબાદની પ્રથમ ટેસ્ટમાં વિરાટ કોહલીની ખોટ ખૂબ વર્તાઈ હશે.’
ભારતે પ્રથમ દાવમાં 190 રનની લીડ લીધી એ પછી પણ છેવટે 28 રનના માર્જિનથી પરાજય જોવો પડ્યો હતો.
બૉયકૉટે કહ્યું, ‘કોહલીની ગેરહાજરીમાં રોહિત પર બધો ભાર આવી ગયો હતો, પરંતુ તે માત્ર 24 અને 39 રન બનાવી શક્યો હતો. મને લાગે છે કે ભારતને એની જ ધરતી પર 12 વર્ષે ટેસ્ટ-સિરીઝ હારવવાનો ઇંગ્લૅન્ડને ગોલ્ડન ચાન્સ મળ્યો છે.
બૉયકૉટે રોહિતની કરીઅરનો સંધ્યાકાળ આવી ગયો હોવાની વાત કરી છે, પણ તેમને ધ્યાનમાં હશે જ તેણે બે અઠવાડિયા પહેલાં અફઘાનિસ્તાન સામેની ટી-20માં આ શૉર્ટેસ્ટ ફૉર્મેટની પાંચમી સદી (8 સિક્સર, 11 ફોર સાથે અણનમ 121) ફટકારી હતી અને એ સાથે ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં સૌથી વધુ પાંચ સેન્ચુરીનો વિશ્ર્વવિક્રમ રચ્યો હતો.