ઑસ્ટ્રેલિયામાં બૉક્સરનો ભાઈ અચાનક રિંગમાં આવી ગયો અને પછી…

સિડની: અહીંના સિડની ઍરીનામાં આયોજિત મુક્કાબાજીની હરીફાઈમાં અગાઉ કદી નહીં થઈ હોય એવી ઘટના બની ગઈ. જે બૉક્સરને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો તેનો ભાઈ તકરાર દરમ્યાન અચાનક રિંગમાં આવી ચડ્યો અને તેના ભાઈના હરીફ મુક્કાબાજના ટ્રેઇનરને મોઢા પર પંચ મારી દીધો હતો.
બુધવારે રાત્રે નૉકઆઉટમાં ઑસ્ટ્રેલિયાના માઇકલ ઝેરાફા નામના બૉક્સરને ટેક્નિકલ ધોરણે વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. તેનો હરીફ બૉક્સર ટૉમી બ્રાઉની બાવડા પરની ઈજાને કારણે પ્રથમ રાઉન્ડ પછી આ મુકાબલો છોડી ગયો હતો.
એક તરફ ઝેરાફાએ તેનો હરીફ આ રીતે અધવચ્ચેથી બાઉટ છોડી જતાં નારાજ થયો હતો અને રેફરી સાથે દલીલ કરવા લાગ્યો હતો. બીજી બાજુ, બ્રાઉની પાસે તેના ટ્રેઇનર ટૉમી મેરક્યૂરી પહોંચી ગયા હતા અને રિંગમાંથી બહાર આવી જવાનું કારણ તેને પૂછ્યું હતું. બ્રાઉનીએ બાવડા પરની ઈજાની વાત કરી કે તરત જ ટ્રેઇનર મરક્યૂરી રિંગમાં પહોંચી ગયા હતા અને ઝેરાફાને ધક્કે ચડાવવાની સાથે તેની સાથે દલીલબાજી પર ઊતરી ગયા હતા. બીજા અધિકારીઓ વચ્ચે પડીને બન્નેને છોડાવી રહ્યા હતા ત્યારે અચાનક રિંગમાં આવી ચડેલા બૉક્સર ઝેરાફાના ભાઈ જેસન ઝેરાફાએ બ્રાઉનીના ટ્રેઇનર મરક્યૂરીને મોટા પર પંચ લગાવી દીધો હતો અને પછી ડરીને પોતાના ભાઈની પાછળ જઈને ઊભો રહી ગયો હતો.
આ પણ વાંચો :Football: હાર્ટ એટેક આવતા યુવા ફૂટબોલર મેદાનમાં ઢળી પડ્યો, ફૂટબોલ જગત શોકગ્રસ્ત
ઝેરાફાના ભાઈને બૉક્સિગંના સ્થળેથી કાઢી મૂકવામાં આવ્યો હતો. કૉમેન્ટરી આપી રહેલા અમેરિકાના ભૂતપૂર્વ વર્લ્ડ વેલ્ટરવેઇટ ચૅમ્પિયન શૉન પોર્ટરે પત્રકારોને કહ્યું હતું કે ‘ઝેરાફાના ભાઈએ જે કર્યું એવું વર્તન જરાય પણ ન ચલાવી લેવાય.’
અન્ય ભૂતપૂર્વ બૉક્સરો તેમ જ અધિકારીઓએ ઝેરાફાના ભાઈ પર કાયમ માટે પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘હવે પછી ઝેરાફાના ભાઈ જેસનને ક્યારેય કોઈ બૉક્સિગંના બાઉટમાં પ્રેક્ષક તરીકે ન આવવા દેવો જોઈએ.’
બ્રાઉનીના ટ્રેઇનર મરક્યૂરીએ પણ મીડિયામેનને કહ્યું હતું કે ‘હું જેસન ઝેરાફાના પિતાની ઉંમરનો છું. તેણે મારી સાથે આવું નહોતું કરવું જોઈતું. તેને ઑસ્ટ્રેલિયામાં ક્યારેય કોઈ બૉક્સિગંના બાઉટ વખતે સ્ટેડિયમમાં પ્રવેશ ન મળવો જોઈએ. તેના પર બૅન મૂકી દો.’
દરમ્યાન, ન્યૂ સાઉથ વેલ્સની કૉમ્બેટ સ્પોર્ટ્સ ઑથોરિટીએ જણાવ્યું હતું કે ‘જેસન ઝેરાફાને ક્યારેય કોઈ મુક્કાબાજીની ઇવેન્ટ વખતે પ્રવેશ નહીં મળે. એ ઉપરાંત, અમે તેની સાથે શિસ્તભંગના પગલાં પણ ભરવાના છીએ.’