અર્શદીપ સિંહે બે વિકેટ લઈને ટી-20માં રચ્યો ઇતિહાસ!

કોલકાતાઃ લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે અહીં આજે ઇંગ્લૅન્ડ સામેની સિરીઝની પહેલી ટી-20 મૅચની શરૂઆતની થોડી જ ક્ષણોમાં બે વિકેટ લઈને ભારત માટે નવો ઇતિહાસ રચ્યો હતો. તેણે ઓપનર અને વિકેટકીપર ફિલ સૉલ્ટને આઉટ કર્યો ત્યારે અર્શદીપની ટી-20 ઇન્ટરનૅશનલમાં 96મી વિકેટ થઈ હતી અને એ સાથે તે સૌથી વધુ ટી-20 વિકેટ લેનાર ભારતીય બોલર યુઝવેન્દ્ર ચહલની બરાબરીમાં થઈ ગયો હતો. ત્યાર બાદ અર્શદીપે બીજી વિકેટ લઈને ચહલનો વિક્રમ તોડ્યો હતો.
અર્શદીપના નામે ત્યારે 97મી વિકેટ લખાઈ હતી. અર્શદીપે બીજા ઓપનર બેન ડકેટને રિન્કુ સિંહના હાથમાં કૅચઆઉટ કરીને આ સિદ્ધિ હાંસલ કરી હતી.
આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યારે ટી-20 ઇન્ટરનૅશનલમાં અર્શદીપ (97 વિકેટ) અને ચહલ (96) પછી ત્રીજા નંબરે ભુવનેશ્વર કુમાર (90), જસપ્રીત બુમરાહ (89) અને હાર્દિક પંડ્યા (89) હતો.
આ પણ વાંચો : મેગા ઑક્શનમાં પહેલો ધડાકો અર્શદીપ સિંહે કર્યો, પંજાબે 18 કરોડમાં પાછો ખરીદી લીધો
ફિલ સૉલ્ટ મૅચના ત્રીજા બૉલ પર વિકેટકીપર સંજુ સૅમસનને કૅચ આપી બેઠો હતો. થોડી વાર બાદ અર્શદીપના બૉલમાં બેન ડકેટ ફ્લિકમાં મિડ-વિકેટ પરથી બૉલને બાઉન્ડરી લાઇન તરફ મોકલવાના પ્રયાસમાં હતો ત્યારે તેનો કૅચ પકડવા બે ફીલ્ડર દોડીને આવ્યા હતા જેમાંથી રિન્કુ સિંહને સફળતા મળી હતી.
રિન્કુએ મુશ્કેલ લાગતા આ કૅચને આસાન બનાવી નાખ્યો હતો.
ટી-20માં સૌથી વધુ વિકેટ ન્યૂ ઝીલૅન્ડના ટિમ સાઉધીના નામે છે. તેણે 164 વિકેટ તેમ જ અફઘાનિસ્તાનના રાશિદ ખાને 161 વિકેટ અને ત્રીજા નંબરે બાંગ્લાદેશના શાકિબ અલ હસને 149 વિકેટ લીધી છે.