ટોપ ન્યૂઝસ્પોર્ટસ

બોરીવલીનો રિશીત પુરાણી થાઇલૅન્ડની આંતરરાષ્ટ્રીય સ્કેટિંગ સ્પર્ધામાં જીત્યો બ્રૉન્ઝ મેડલ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
બોરીવલી (પશ્ચિમ)ના યોગીનગરમાં રહેતો 13 વર્ષની ઉંમરનો રિશીત મુંજાલ પુરાણી તાજેતરમાં થાઇલૅન્ડમાં આયોજિત સ્કેટિંગની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ત્રીજા નંબર પર આવીને બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.

આ પણ વાંચો: ભારતીય રનર એશિયન બ્રૉન્ઝ પછી હવે વિશ્વ સ્પર્ધામાં નવા વિક્રમ સાથે જીત્યો ગોલ્ડ…

શ્રી ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજના રિશીતે ‘એન્ડ્યૉરન્સ ઇન્ટરનૅશનલ ચૅમ્પિયનશિપ’ નામની જે સ્પર્ધામાં ચંદ્રક જીત્યો હતો એમાં 13 દેશના સ્કેટર્સે ભાગ લીધો હતો અને તેમની સામેની તીવ્ર હરીફાઈ વચ્ચે તે ત્રીજા સ્થાને આવ્યો હતો.
આ પહેલાં પણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ચંદ્રકો જીતીને પોતાના સમાજનું, મુંબઈનું અને દેશનું નામ રોશન કરનાર રિશીત રાષ્ટ્રીય સ્કેટિંગ સ્પર્ધાઓમાં કુલ આઠ મેડલ જીતી ચૂક્યો છે. 2022માં નેપાળના કઠમંડુમાં આયોજિત એક આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં તે ગોલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝ જીત્યો હતો. 2019માં અને 2021માં રિશીતે (શેડ્યૂલ્ડ બ્રેક સાથે) અનુક્રમે 48 કલાક તથા 96 કલાક સુધી સ્કેટિંગ કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નામ નોંધાવ્યું હતું. તે કુલ મળીને 70થી પણ વધુ મેડલ જીતી ચૂક્યો છે.

આ પણ વાંચો: ડ્રગ્સ ટેસ્ટના બે પૉઝિટિવ રિપોર્ટ પછી પણ આ પ્લેયર જીત્યો યુએસ ઓપનનો તાજ

રિશીત બોરીવલીમાં ચીકુવાડીની વિટી ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ભણે છે. તેના મમ્મી નિમિતા પુરાણીએ ‘મુંબઈ સમાચાર’ને કહ્યું હતું કે ‘રિશીતે ખૂબ મહેનત કરીને સ્કેટિંગમાં આટલા બધા ચંદ્રકો મેળવ્યા છે. સામાન્ય રીતે પ્રૅક્ટિસના દિવસોમાં તે વહેલી સવારે 3.30 વાગ્યે ઉઠીને પ્રૅક્ટિસના સ્થળે સમયસર પહોંચી જાય છે અને ત્યાંથી અભ્યાસ માટે સ્કૂલમાં જાય છે. સ્કેટિંગમાં તેની સફળતામાં તેના કોચ રાજ સિંહનો પણ મોટો ફાળો છે અને તેઓ રિશીતના સૌથી મોટા પ્રેરણાસ્ત્રોત છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button