બાવીસમીથી પાકિસ્તાનમાં બ્લાઇન્ડ વર્લ્ડ કપઃ ભારતીય ક્રિકેટરો ગૃહ મંત્રાલયની મંજૂરીની રાહ જુએ છે
નવી દિલ્હીઃ જોઈ ન શક્તા ક્રિકેટરો માટેનો ટી-20 વર્લ્ડ કપ આ મહિને પાકિસ્તાનમાં રમાવાનો છે અને એ માટે પાકિસ્તાન જવા સંબંધમાં ભારતીય ક્રિકેટ ટીમને ખેલકૂદ મંત્રાલયે આજે એનઓસી (નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ) આપી દીધું હતું અને હવે આ ટીમ કેન્દ્રના ગૃહ મંત્રાલય તથા વિદેશ મંત્રાલયની મંજૂરીની રાહ જુએ છે.
બ્લાઇન્ડ વર્લ્ડ કપની આ ચોથી સીઝન છે અને ભારત ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે. અગાઉના ત્રણેય બ્લાઇન્ડ વર્લ્ડ કપ ભારતે જીતી લીધા હતા. એમાં બે વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને અને એક ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું.
પાકિસ્તાનમાં 22 નવેમ્બરથી ત્રીજી ડિસેમ્બર સુધી યોજાનારા બ્લાઇન્ડ વર્લ્ડ કપની મૅચો લાહોર તથા મુલતાનમાં રમાશે.
ભારતીય ટીમ 21મી નવેમ્બરે વાઘા બોર્ડર મારફત પાકિસ્તાન પહોંચશે.
આ પણ વાંચો: સાઉથ કોરિયા સામે ભારતીય મહિલા હૉકી ટીમની મૅચ અત્યંત રોમાંચક બની અને છેલ્લે…
એક તરફ બીસીસીઆઇએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને જણાવી દીધું છે કે ભારતની નૅશનલ ક્રિકેટ ટીમ ફેબ્રુઆરીની ચૅમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં આવે ત્યાં બીજી તરફ બ્લાઇન્ડ વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ પાકિસ્તાન જવાની તૈયારી કરી રહી છે.
બ્લાઇન્ડ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન ઉપરાંત અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા, નેપાળ અને શ્રીલંકાની ટીમ પણ ભાગ લેશે.
ક્રિકેટ ઍસાસિયેશન ફૉર ધ બ્લાઇન્ડ ઇન ઇન્ડિયા (સીએબી)ના જનરલ સેક્રેટરી શૈલેન્દર યાદવે પીટીઆઇને જણાવ્યું હતું કે `ભારતના 17 ખેલાડીની ટીમ હાલમાં ગુરુગ્રામ (ગુડગાંવ)માં પ્રૅક્ટિસ કરી રહ્યા છે.’