
નવી દિલ્હીઃ ક્રિકેટ ઍસોસિયેશન ફૉર ધ બ્લાઇન્ડ ઇન ઇન્ડિયા (સીએબીઆઇ)એ બુધવારે જાહેર કર્યું હતું કે જોઈ ન શક્તા ક્રિકેટરો માટે પાકિસ્તાનમાં શુક્રવારથી જે બ્લાઇન્ડ વર્લ્ડ કપ યોજાવાનો હતો એમાંથી ભારતે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.
આ પણ વાંચો : કોહલીના શરીરને નિશાન બનાવજો…ઇયાન હિલીએ કેમ ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરને આવી સલાહ આપી?
બ્લાઇન્ડ વર્લ્ડ કપની આ ચોથી સીઝન છે. ભારતીય ટીમને સ્પોર્ટ્સ મંત્રાલય તરફથી પાકિસ્તાનના પ્રવાસે જવા મંજૂરી મળી ગઈ હતી, પરંતુ કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય તરફથી લીલીઝંડી મળવાની બાકી હતી જે ન મળતાં સીએબીઆઇએ આ જાહેરાત કરી છે.
ટૂંકમાં, જોઈ ન શક્તા ભારતીય ક્રિકેટરોને બ્લાઇન્ડ વર્લ્ડ કપમાં રમવા કેન્દ્ર સરકાર તરફથી પરવાનગી નથી મળી.
પાકિસ્તાનમાં આ વિશ્વ કપ 22 નવેમ્બરથી ત્રીજી ડિસેમ્બર સુધી રમાવાનો છે.
સીએબીઆઇએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય ટીમને પાકિસ્તાન ન મોકલવા સંબંધમાં કેન્દ્ર સરકારે જે ચિંતા વ્યક્ત કરી છે અને જે નિર્ણય લીધો છે એનું અમે પૂર્ણપણે સન્માન કરીએ છીએ. ભારતીય ટીમ સઘન તાલીમ લઈ રહી હતી અને આ ટૂર્નામેન્ટમાં રમવા આતુર હતી. જોકે સરકારના માર્ગદર્શનને અમે પ્રાધાન્ય આપીએ છીએ અને ભારતમાં બ્લાઇન્ડ ક્રિકેટના વિકાસ માટે જે પગલાં લેવામાં આવી રહ્યા છે એને અમે પૂર્ણ ટેકો આપીએ છીએ અને આપતા રહીશું.’ ભારતીય ટીમના કૅપ્ટન દુર્ગા રાવ તોમ્પાકીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું,અમે ખૂબ જુસ્સાપૂર્વક રમતા હોઈએ છીએ અને આ વર્લ્ડ કપ માટે પૂરી તૈયારી કરી હતી. ભારતનું પ્રતિનિધિત્વ કરવામાં અમે ગૌરવ અનુભવતા હોઈએ છીએ. આ તક ન મળતાં અમે હતાશ થયા છીએ. જોકે હવે પછીનો વર્લ્ડ કપ બહુ દૂર નથી એટલે અમે તાલીમ લેતા જ રહીશું.
પહેલા ત્રણેય બ્લાઇન્ડ વર્લ્ડ કપ ભારતમાં યોજાયા હતા અને ત્રણેયમાં ભારત ચૅમ્પિયન બન્યું હતું. પહેલા બે વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને અને ત્રીજા વર્લ્ડ કપમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું.
આ પણ વાંચો : ભારતીય મહિલા હૉકી ટીમ પહોંચી ગઈ ફાઇનલમાં, ચીન સાથે થશે ટક્કર
2025ની સાલમાં પાકિસ્તાનમાં વન-ડેની જે ચૅમ્પિયન્સ ટ્રોફી રમાવાની છે એના લગભગ 100 દિવસ પહેલાં ભારતે પોતાની બ્લાઇન્ડ ક્રિકેટ ટીમને પાકિસ્તાન ન મોકલવાનો મહત્ત્વનો નિર્ણય લીધો છે.