જયપુર: ‘કૅચીઝ વિન ધ મૅચીઝ’ એ જૂની કહેવત જયારે પણ કોઈ કૅચની વાત થાય ત્યારે અચૂક યાદ આવી જાય.
રાજસ્થાન સામેની લખનઊની મૅચમાં એક સંભવિત કૅચ ખૂબ ચર્ચામાં હતો.
રવિવારે જિંદગીના ૩૩ વર્ષ પૂરા કરનાર લખનઊની ટીમના કૃણાલ પંડયાને કેપ્ટન રાહુલે મોરચા પર મૂક્યો એ પહેલાં મોહસીન ખાને એક ઓવરમાં ૧૭ રન આપ્યા બાદ યશસ્વી જયસ્વાલ (૨૪ રન)ની મહત્વની વિકેટ લીધી હતી.
રાહુલે પાવરપ્લે પહેલાં રાજસ્થાનની ટીમ પર પ્રેશર જાળવી રાખવા કૃણાલ પંડ્યાને બોલિંગ આપી હતી. રિયાન પરાગ (૪૩ રન) ફુલ ફોર્મમાં રમી રહ્યો હતો ત્યારે તે સ્પિનર કૃણાલના એક બોલમાં તેના જ હાથમાં કૅચઆઉટ થતા રહી ગયો હતો.
વાત એવી છે કે પરાગે શોર્ટ માર્યો ત્યારે વળતો કેચ લેવા કૃણાલ દોડ્યો હતો, પરંતુ નોન-સ્ટ્રાઈક એન્ડ પર ઉભેલા રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસન સાથે તે ટકરાયો હતો. કૃણાલે કૅચ પકડવા ઘણી કોશિશ કરી હતી, પરંતુ સૅમસન સાથે અથડાવાને કારણે કૅચ નહોતો પકડી શક્યો. સૅમસન તેની વચ્ચે આવ્યો હોવા છતાં અને કૅચ છૂટી જવા છતાં કૃણાલ મોટું મન રાખીને સૅમસનની પાસે જઈને તેને ભેટ્યો હતો. આ સીન જોઈને હજારો પ્રેક્ષકો પ્રભાવિત થઈ જ ગયા હશે, કોમેન્ટેટરોએ પણ કૃણાલના આ અભિગમને ખૂબ વખાણ્યો હતો.
સંજય માંજરેકરે કહ્યું, “ઓહ ડિયર, કૃણાલ કમનસીબે એ કૅચ ન પકડી શક્યો, પરંતુ તેણે જે ભાવના બતાવી એ કાબિલેદાદ હતી. કૃણાલ કૅચ પકડવા આવ્યો, પણ સૅમસનનો પણ કોઈ વાંક નહોતો. જો એ ટક્કર ન થઈ હોત તો કૃણાલે કૅચ પકડી જ લીધો હોત.”
રાજસ્થાન રોયલ્સે પણ સોશિયલ મીડિયામાં કૃણાલની દોસ્તીની ભાવનાને ખૂબ બિરદાવી હતી.
Taboola Feed