યુરોમાં બિગેસ્ટ અપસેટ, જ્યોર્જિયાએ રોનાલ્ડોના પોર્ટુગલને હરાવ્યું
રોનાલ્ડો સાથેની વાતચીત ખ્વીચાને ખૂબ કામ લાગી: નૉકઆઉટની લાઇન-અપ નક્કી થઈ
જેલ્સેનકિર્ચેન (જર્મની): યુરોપની ફૂટબૉલ ટીમો વચ્ચેની યુરોપિયન ચૅમ્પિયનશિપ (યુરો-2024)ના ઇતિહાસમાં જેટલા પણ સૌથી મોટા અપસેટ થયા છે એમાંનો એક અપસેટ બુધવારે થયો હતો જેમાં અન્ડરડૉગ ગણાતી જ્યોર્જિયાની ટીમ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોવાળી પોર્ટુગલની ટીમને પરાસ્ત કરી હતી. ર્જ્યોજિયાનો પોર્ટુગલ સામે 2-0થી વિજય થયો હતો. આ વિજય સાથે ર્જ્યોજિયાએ 16 ટીમવાળા નૉકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કરીને પોતાના દેશ માટે નવો ઇતિહાસ સરજ્યો છે. રોનાલ્ડો આ મૅચમાં એકેય ગોલ નહોતો કરી શક્યો.
મૅચ શરૂ થયાને માંડ બીજી જ મિનિટમાં ર્જ્યોજિયાના ખ્વીચા ક્વારાત્ખેલિયા (Khvicha Kvaratskhelia)એ રોનાલ્ડોની ટીમની ડિફેન્સ તોડીને પહેલો ગોલ કરી દીધો હતો. એમાં તેને સાથી ખેલાડી મિકૌતાદ્ઝેનો સાથ મળ્યો હતો. હાફ ટાઇમ વખતે સ્કોર 1-0 હતો અને સેક્ધડ હાફ શરૂ થઈ ત્યાર બાદ માંડ સાત મિનિટ થઈ હતી ત્યાં મિકૌતાદ્ઝેએ પેનલ્ટી કિકમાં ગોલ કરીને જ્યોર્જિયાની સરસાઈ વધારીને 2-0 કરી હતી. પોર્ટુગલ આ મૅચ હારી ગયું, પરંતુ નૉકઆઉટમાં થોડા દિવસ પહેલાં જ એણે પ્રવેશ મેળવી લીધો હતો.
ખ્વીચા ક્વારાત્ખેલિયા ઘણા વર્ષોથી રોનાલ્ડોની કરીઅર પરથી અને તેની સાથેની દોસ્તી પરથી પ્રેરણા લઈ રહ્યો છે. આ મૅચ પહેલાં પણ તેને રોનાલ્ડો સાથે થોડી વાતચીત કરવાનો અવસર મળ્યો હતો. આ ચર્ચા દરમ્યાન ખ્વીચાએ રોનાલ્ડોને કહ્યું હતું કે ‘તું મારો હીરો છે અને હું ગમે એમ કરીને તારું ટી-શર્ટ ભેટમાં મેળવીને રહીશ.’
ખ્વીચાએ મૅચ પછી કહ્યું, ‘મૅચ પહેલાંની વાતચીતમાં રોનાલ્ડોએ મને શુભેચ્છા આપી હતી જે મારા માટે અમૂલ્ય હતી. મૅચ પહેલાં રોનાલ્ડો મારી પાસે આવશે અને મારી સાથે વાતચીત કરશે એની મેં કલ્પના પણ નહોતી કરી. હું એ ક્ષણો કદી નહીં ભૂલું. મને રોનાલ્ડોની પ્રેરણા મળી હતી, પછી તો મારી ટીમને જિતાડીને જ રહુંને?’
યુરો-2024માં છ ગ્રૂપ પાડવામાં આવ્યા છે. દરેક ગ્રૂપમાં ચાર-ચાર ટીમ છે. દરેક ગ્રૂપની ટોચની બે ટીમ 16 ટીમવાળા નૉકઆઉટમાં ગઈ છે. એ રીતે, કુલ 12 ટીમને નૉકઆઉટમાં જવા મળ્યું છે. એ ઉપરાંંત, તમામ છ ગ્રૂપમાં ત્રીજા સ્થાને રહેનારી ટીમમાંથી ત્રીજા સ્થાનવાળી જે ચાર ટીમ સૌથી સારી સ્થિતિમાં છે એ પણ નૉકઆઉટમાં પહોંચી છે અને જ્યોર્જિયા એમાંની એક ટીમ છે.એ રીતે, કુલ મળીને 16 ટીમ નૉકઆઉટ રાઉન્ડમાં પહોંચી છે.
જ્યોર્જિયાનો હવે 30મી જૂને નૉકઆઉટમાં સ્પેન સામે મુકાબલો થશે.
અન્ય એક મૅચમાં (ગ્રૂપ-ઇમાં) રોમાનિયા-સ્લોવેકિયાની મૅચ 1-1થી ડ્રૉમાં ગઈ હતી એમ છતાં બન્ને ટીમને નૉકઆઉટમાં જવા મળ્યું હતું.
ગ્રૂપ-ઇમાં જ બેલ્જિયમની મજબૂત ટીમની યુક્રેન સામેની મૅચ 0-0થી ડ્રૉમાં ગઈ હતી. જોકે બેલ્જિયમને ગોલ-ફરકમાં સારી સ્થિતિ બદલ નૉકઆઉટમાં જવા મળ્યું હતું, જ્યારે યુક્રેનની ટીમ સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી. અહીં યાદ અપાવવાની કે યુક્રેન સાથે યુદ્ધમાં ઉતરેલી રશિયાની ટીમને યુક્રેન પરના આક્રમણ બદલ યુરો-2024માં રમવા જ નથી મળ્યું. ગ્રૂપ-એફમાં ટર્કીએ ચેક રિપબ્લિકને છેલ્લી લીગમાં 2-1થી હરાવીને નૉકઆઉટમાં એન્ટ્રી કરી હતી.
દરેક ગ્રૂપની મોખરાની બે-બે ટીમ (કુલ 12 ટીમ) નૉકઆઉટમાં પહોંચી છે. દરેક ગ્રૂપમાં જે ટીમ ત્રીજા સ્થાને રહી હતી એમાંથી (છમાંથી) ચાર ટીમ ગોલ-તફાવતને લીધે બેસ્ટ હતી એને પણ નૉકઆઉટમાં જવા મળ્યું છે. એ રીતે, ત્રીજા સ્થાનવાળી નેધરલૅન્ડ્સ, જ્યોર્જિયા, સ્લોવેકિયા, સ્લોવેનિયાની ટીમને નૉકઆઉટમાં જવા મળ્યું છે અને હંગેરી તથા ક્રોએશિયાની ટીમ સ્પર્ધાની બહાર ફેંકાઈ ગઈ.
16 ટીમના નૉકઆઉટ રાઉન્ડમાં કોણ ક્યારે કોની સામે રમશે?
(1) 29 જૂન, સ્વિટ્ઝરલૅન્ડ વિરુદ્ધ ઇટલી
(2) 29 જૂન, જર્મની વિરુદ્ધ ડેન્માર્ક
(3) 30 જૂન, ઇંગ્લૅન્ડ વિરુદ્ધ સ્લોવેકિયા
(4) 30 જૂન, સ્પેન વિરુદ્ધ ર્જ્યોજિયા
(5) 1 જુલાઈ, ફ્રાન્સ વિરુદ્ધ બેલ્જિયમ
(6) 1 જુલાઈ, પોર્ટુગલ વિરુદ્ધ સ્લોવેનિયા
(7) 2 જુલાઈ, રોમાનિયા વિરુદ્ધ નેધરલૅન્ડ્સ
(8) 2 જુલાઈ, ઑસ્ટ્રિયા વિરુદ્ધ ટર્કી
Also Read –