ભારતીય મહિલાઓ સેમિફાઇનલમાં

સૌથી મોટું ટોટલ, સૌથી મોટી ભાગીદારીઃ નવી મુંબઈમાં ભારતનો સિલસિલાબંધ વિક્રમો સાથે વિજય
નવી મુંબઈઃ ભારતે ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ન્યૂ ઝીલૅન્ડ સામે વન-ડે વર્લ્ડ કપની ડુ ઑર ડાય મૅચમાં કેટલાક વિક્રમો સાથે 53 રનના મર્જિન સાથે વિજય મેળવીને સેમિ ફાઇનલ (semi final)માં પ્રવેશ કર્યો હતો. ન્યૂ ઝીલૅન્ડ (New Zealand)ની ટીમ તોતિંગ લક્ષ્યાંકના બોજ નીચે દબાઈ જતાં હારી ગઈ હતી. બ્રૂક હૉલિડેનાં 81 રન અને ઇસાબેલ ગેઝનાં અણનમ 65 રન એળે ગયા હતા.

ભારતે (India) વરસાદ પછીની નિર્ધારિત 49 ઓવરમાં ત્રણ વિકેટે 340 રન કર્યા હતા અને ન્યૂ ઝીલૅન્ડને 341 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જોકે ફરી વરસાદ પડતાં ન્યૂ ઝીલૅન્ડને 44 ઓવરમાં 325 રન કરવાનો નવો લક્ષ્યાંક મળ્યો હતો અને તેઓ 8 વિકેટે 271 રન કરી શકી હતી. રેણુકા અને ક્રાંતિ ગૌડે બે-બે વિકેટ તેમ જ અન્ય સ્નેહ, ચરની, પ્રતીકા અને દીપ્તિએ એક-એક વિકેટ લીધી હતી.
212 રનની રેકૉર્ડ-બ્રેક પાર્ટનરશિપ

3/340નો સ્કોર આ વર્લ્ડ કપમાં હાઇએસ્ટ ટીમ-સ્કોર તેમ જ ભારતના વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી મોટું ટોટલ છે. બે ઓપનિંગ બૅટર સ્મૃતિ મંધાના (109 રન, 95 બૉલ, ચાર સિક્સર, દસ ફોર) અને પ્રતીકા રાવલ (122 રન, 134 બૉલ, બે સિક્સર, તેર ફોર) વચ્ચે 212 રનની ભાગીદારી થઈ હતી જે પણ વિશ્વ કપમાં ભારતનો નવો વિક્રમ છે.
મંધાના અને પ્રતીકાનાં વધુ વિક્રમો
સ્મૃતિ મંધાના 14મી સદી સાથે વન-ડેમાં મેગ લેનિંગ (15 સદી) પછીની વિશ્વની બીજા નંબરની બૅટર બની છે. મંધાનાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 17 સેન્ચુરી થઈ છે અને એ સાથે તે અવ્વલ સ્થાને લેનિંગની બરાબરીમાં થઈ ગઈ છે. પ્રતીકા રાવલે 23 વન-ડે ઇનિંગ્સમાં 1,000 રન પૂરા કર્યા જેમાં તેણે 37 વર્ષ જૂના લિન્ડ્સે રીલરના વિશ્વવિક્રમની બરાબરી કરી છે. મહિલા વન-ડે વર્લ્ડ કપની એક જ મૅચમાં બન્ને ઓપનરે સેન્ચુરી ફટકારી હોય એવું ત્રીજી જ વખત બન્યું છે.
જેમાઇમાનાં અણનમ 76
એ પહેલાં, ભારતની મહિલા ટીમે વરસાદના વિઘ્નો વચ્ચે 50 ઓવરને બદલે નિર્ધારિત 49 ઓવરમાં 340 રન કર્યા હતા. પ્રતીકા રાવલ અને સ્મૃતિ મંધાનાની સેન્ચુરી ઉપરાંત જેમાઇમા રૉડ્રિગ્સ 76 રને અણનમ રહી હતી. ન્યૂ ઝીલૅન્ડની સાતમાંથી ત્રણ બોલરને એક-એક વિકેટ મળી હતી.