IPL 2024સ્પોર્ટસ

ધોનીની ઇજા પર આવ્યું મોટું અપડેટ, ટળી શકે છે સંન્યાસ

ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સ્નાયુની ઈજાની સારવાર માટે લંડન જવાની યોજના બનાવી રહ્યા છે. CSKના સૂત્રોએ જણાવ્યું છે કે ધોની સ્વસ્થ થયા બાદ તેમની ભાવિ રણનીતિ નક્કી કરશે. શનિવારે કરો યા મરો મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે હાર્યા બાદ CSK IPL-2024ની પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. આ ત્રીજી વખત છે જ્યારે 5 વખતની ચેમ્પિયન CSK IPL પ્લેઓફમાં ભાગ નહીં લે.

જો કે, સૂત્રોનું કહેવું છે કે ધોની તેની સ્નાયુની ઈજાની સર્જરી માટે લંડન જઈ શકે છે, સ્નાયુની ઈજાના કારણે તેમને IPL દરમિયાન ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. ધોની સંપૂર્ણ રીતે ફિટ નથી, પરંતુ તેઓ ક્રિકેટ રમવાનું ચાલુ રાખવા માંગે છે. સારવાર બાદ જ તેઓ ભવિષ્ય વિશે નિર્ણય લેશે. તેમને સાજા થવામાં 5 થી 6 મહિનાનો સમય લાગી શકે છે.
IPL-2024ની સિઝનની શરૂઆતમાં ધોનીએ અચાનક કેપ્ટનશીપ છોડીને ઋતુરાજ ગાયકવાડને કમાન સોંપી ત્યારે દર્શકો ચોંકી ગયા હતા. આ સમયગાળા દરમિયાન, ધોનીએ વિકેટકીપર બેટ્સમેન તરીકે ટીમ માટે રમવાનું ચાલુ રાખ્યું હતું. મેદાન પર ધોનીના સ્માર્ટ નિર્ણયોની પણ ચર્ચા થઈ હતી. તેમણે બેટથી પણ ધૂમ મચાવી હતી, પરંતુ આખરે ચેન્નાઈની ટીમ 14 મેચમાં 7 જીત સાથે માત્ર 14 પોઈન્ટ જ નોંધાવી શકી હતી. RCBના પણ 14 મેચમાં 7 જીત સાથે 14 પોઈન્ટ હતા પરંતુ ચેન્નાઈ કરતા સારા નેટ રન રેટને કારણે તે પ્લેઓફમાં પહોંચી ગઈ હતી.

ચેન્નાઈનું IPL અભિયાન પૂરું થયા પછી, ચાહકો અને નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા હતા કે આ સિઝન ફ્રેન્ચાઈઝી માટે ધોનીની છેલ્લી સિઝન હોઈ શકે છે, પરંતુ ધોનીએ પોતાના પત્તા ખોલ્યા નહોતા. RCB સામેની હારના બીજા જ દિવસે તેઓ પ્લેન દ્વારા રાંચી પહોંચી ગયા હતા. તેમણે હજુ સુધી કોઈ નિવેદન જારી કર્યું નથી. સાથે જ ચેન્નાઈ ફ્રેન્ચાઈઝીના સીઈઓ કાંશી વિશ્વનાથનનું પણ કહેવું છે કે તેઓ ધોનીના નિર્ણય વિશે કંઈ જાણતા નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button