મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં મળેલી હાર બાદ દિલ્હી કેપિટલ્સે મોટો નિર્ણય લીધો હતો. તેણે ઈંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રુકની જગ્યાએ દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર લિઝાદ વિલિયમ્સને ટીમમાં સામેલ કર્યો છે. અંગત કારણોસર ઈંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રુકે આઈપીએલ 2024માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. દિલ્હી કેપિટલ્સે હવે યોગ્ય સમયે મોટો નિર્ણય લીધો છે.
2021માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યા બાદ વિલિયમ્સે આંતરરાષ્ટ્રીય સ્તરે બે ટેસ્ટ, ચાર વન-ડે અને 11 ટી-20 મેચ રમી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગના સત્તાવાર નિવેદન અનુસાર લિઝાદ વિલિયમ્સન બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયામાં દિલ્હી કેપિટલ્સમાં સામેલ થયો છે.
ટીમમાં 30 વર્ષીય લિઝાદના આવવાથી ફાસ્ટ બોલિંગ લાઇન-અપને મજબૂતી મળશે. ઈશાંત શર્મા અને ખલીલ અહેમદ પણ ટીમમાં છે, પરંતુ પ્રદર્શન એટલું પ્રભાવશાળી રહ્યું નથી.
લિઝાદ વિલિયમ્સને ક્રિકેટ સાઉથ આફ્રિકા ટી20 ચેલેન્જમાં ટાઇટન્સ માટે 9 મેચ રમ્યા બાદ સારા ફોર્મમાં છે. જમણા હાથના ફાસ્ટ બોલરે આ વર્ષની સાઉથ આફ્રિકન ટી-20 સીઝનમાં સુપર કિંગ્સ માટે 9 મેચમાં 15 વિકેટ લીધી હતી.
નોંધનીય છે કે સીઝનમાંથી બહાર થયેલા બ્રુકને કેપિટલ્સે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ફેબ્રુઆરીમાં તેની દાદીનું અવસાન થયા બાદ બ્રુક તેના પરિવાર સાથે રહેવા માટે આઇપીએલ 2024માંથી ખસી ગયો હતો.
Taboola Feed