બેન્ગલૂરુ: રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)ની ટીમમાં એક એકથી ચડિયાતા સ્ટાર ખેલાડીઆ છે, આ ટીમના ખેલાડીઓના ટી-શર્ટનો રંગ અને ડિઝાઇન પણ ફ્રૅન્ચાઇઝીના માલિકોએ બદલ્યા છે, ટીમનો લોગો પણ થોડો બદલાયો છે, ટીમના કૅપ્ટનપદે વિશ્ર્વવિખ્યાત ખેલાડી ફાફ ડુ પ્લેસી છે અને હેડ-કોચ ઍન્ડી ફ્લાવર છે જે આંતરરાષ્ટ્રીય સ્તરે કોચિંગ માટે ખ્યાતનામ છે એમ છતાં ટીમના ભાગ્યમાં કોઈ જ સુધારો નથી દેખાતો.
વિરાટ કોહલી છ માંથી એક મૅચમાં સેન્ચુરી અને બે મૅચમાં 75-પ્લસ રન બનાવી ચૂક્યો છે છતાં આ ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં નીચલા સ્તરેથી ઉપર નથી આવી શકી. છ માંથી પાંચ મુકાબલા હારી ચૂકેલી આરસીબી પહેલી મૅચ હારી અને પછી એક જીતી, પરંતુ ત્યાર બાદ લાગલગાટ ચાર જંગમાં પરાજિત થઈ છે.
અધૂરામાં પૂરું, હવે એવી જાણ થઈ છે કે આ ટીમનો આ વખતનો ફ્લૉપ ઑલરાઉન્ડર ઈજાગ્રસ્ત છે અને આગામી થોડી મૅચોમાં કદાચ ન પણ રમે.
ગ્લેન મૅકસવેલની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ. 2021ની સીઝનમાં આરસીબીના માલિકોેએ તેને 11 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ત્યારથી તેને રીટેન કર્યો છે અને જે સીઝનમાં જેટલી મૅચ તે રમે એ પ્રમાણે તેને પૈસા મળે છે. ટૂંકમાં, 11 કરોડ રૂપિયાવાળા આ ખેલાડી આ વખતે છ મૅચ રમ્યો એટલે એટલી મૅચના તેના પૈસા તો પાકી ગયા.
તેનો આ વખતનો પર્ફોર્મન્સ તો જુઓ કેવો આંચકાજનક છે! તે છ મૅચમાં આવું રમ્યો છે: 0, 3, 28, 0, 1 અને 0.
મૅક્સવેલે કુલ ચાર વિકેટ લીધી છે, પરંતુ તેનું બૅટ સાવ ખામોશ છે. છમાંથી ત્રણ મૅચમાં ઝીરોમાં આઉટ થયો એટલે ટીમ માટે તે માથાનો દુખાવો તો બની ગયો અને હવે તેની ઈજાએ ટીમને વધુ ચિંતામાં મૂકી દીધી છે.
મૅક્સવેલની ઈજા કેટલી ગંભીર છે એનો પૂરો અહેવાલ હજી આવ્યો નથી, પરંતુ આરસીબીની આગામી મૅચ સોમવારે ઘરઆંગણે હૈદરાબાદ સામે રમાવાની છે એટલે ત્યાં સુધીમાં મૅક્સવેલ 100 ટકા ફિટ થઈ જશે કે તેને એકાદ-બે મૅચ માટે પડતો મૂકાશે એ જોવું રહ્યું.
મૅક્સવેલ ગુરુવારે વાનખેડેમાં પોતાના ચોથા જ બૉલમાં લેગ-સ્પિનર શ્રેયસ ગોપાલના બૉલમાં એલબીડબ્લ્યૂ થઈ ગયો હતો. મૂળ બેન્ગલૂરુના 30 વર્ષીય ગોપાલને પીયૂષ ચાવલાની જગ્યાએ લેવામાં આવ્યો અને તેણે મુંબઈને મૅક્સવેલની મહત્ત્વની વિકેટ અપાવી દીધી. મૅક્સવેલ બૅટિંગમાં તો ટીમને જરાય કામ ન લાગ્યો, ફીલ્ડિંગ કરવા ઊતર્યો તો તેનાથી બે કૅચ છૂટ્યા હતા અને ફીલ્ડિંગ દરમ્યાન તેને અંગૂઠામાં ઈજા થઈ હતી.
ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર મૅક્સવેલ ચાર સીઝનથી બેન્ગલૂરુની ટીમમાં છે. એ પહેલાં તે દિલ્હી અને પંજાબ વતી રમ્યો હતો. ઑસ્ટ્રેલિયન ટીમના ચાહકો માટે સારું કહેવાય કે તે મોટા ભાગે ધમાકેદાર બૅટિંગ કરતો હોય છે. જોકે આઇપીએલમાં સતતપણે સારી બૅટિંગ નથી કરી શક્તો એ તેની બહુ મોટી નબળાઈ છે. માત્ર નામ ખાતર તેને ઊંચા ભાવે ખરીદવામાં આવે છે.
વાનખેડે સ્ટેડિયમમાં તેણે 2023ના વન-ડે વર્લ્ડ કપમાં ઈજા હોવા છતાં અફઘાનિસ્તાન સામે કમાલની બૅટિંગ કરીને ડબલ સેન્ચુરી ફટકારી હતી, પરંતુ આઇપીએલમાં તેનું બૅટ કેમ નથી બોલતું?
Taboola Feed