વડોદરાસ્પોર્ટસ

બરોડાને બોલર્સે ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ સામે લીડ અપાવી…

વડોદરા: રણજી ટ્રોફીના પ્રથમ રાઉન્ડમાં શનિવારે ચાર દિવસીય મૅચના બીજા દિવસે બરોડાની ટીમને બોલર્સે ગઈ સીઝનના વિજેતા મુંબઈ સામે 76 રનની સરસાઈ અપાવી હતી. બરોડાના 290 રન સામે મુંબઈની ટીમ 214 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી અને રમતના અંત સુધીમાં બરોડાએ બીજા દાવમાં વિના વિકેટે નવ રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : સૂર્યાએ બૅટિંગ પસંદ કર્યા પછી ‘હૅપી દશેરા’ કહીને આપી શુભેચ્છા, અર્શદીપના સ્થાને બિશ્નોઈ ટીમમાં સામેલ

શુક્રવારે બરોડાનો સ્કોર છ વિકેટે 241 રન હતો, પરંતુ શનિવારે બીજા 49 રનમાં બાકીની ચાર વિકેટ પડી ગઈ હતી. જોકે 90 રનમાં પાંચ વિકેટના સ્કોર પછી 290 રન બનાવવા એ બરોડાની ટીમની મોટી સફળતા કહેવાય. એમાં વિકેટકીપર મિતેશ પટેલના 86 રન તથા અતિત શેઠના 66 રન સામેલ હતા.

મુંબઈએ પૃથ્વી શૉ (7)ની વિકેટ વહેલી ગુમાવ્યા બાદ આરંભને વધુ ઝાંખો નહોતો થવા દીધો. આયુષ મ્હાત્રે (બાવન રન) અને વિકેટકીપર હાર્દિક તમોરે (40 રન) વચ્ચે 63 રનની અને ત્યાર બાદ હાર્દિક તમોરે અને કૅપ્ટન અજિંક્ય રહાણે (29 રન) વચ્ચે 57 રનની પાર્ટનરશિપ થઈ હતી. જોકે 140 રનના સ્કોર પર બે વિકેટ અને 141 રનના સ્કોર પર વધુ એક વિકેટ પડી જતાં મુંબઈની ટીમ સરસાઈ નહીં મેળવી શકે એવું લગભગ નિશ્ર્ચિત થઈ ગયું હતું.

બરોડાના સ્પિનર ભાર્ગવ ભટ્ટ (53 રનમાં ચાર), આકાશ સિંહ (19 રનમાં ત્રણ) અને મહેશ પીઠિયા (પંચાવન રનમાં બે) તેમ જ કૅપ્ટન કૃણાલ પંડ્યા (47 રનમાં એક)ના બોલિંગ પર્ફોર્મન્સને લીધે મુંબઈની ટીમ અંકુશમાં રહી હતી.

અન્ય મૅચોમાં શું બન્યું?

(1) સિકંદરાબાદમાં ગુજરાતે બીજા દિવસે મનન હિંગરાજિયાના 181 રન અને વિકેટકીપર ઉર્વિલ પટેલના 60 રનની મદદથી પ્રથમ દાવમાં 343 રન બનાવ્યા એના જવાબમાં હૈદરાબાદે સાત વિકેટે 222 રન બનાવ્યા હતા. રિન્કેશ વાઘેલાએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી.

(2) કોઇમ્બતુરમાં સૌરાષ્ટ્રએ અર્પિત વસાવડાના અણનમ 62 રનની મદદથી 203 રન બનાવ્યા હતા જેના જવાબમાં તામિલનાડુએ ત્રણ વિકેટે 278 રન બનાવીને 75 રનની સરસાઈ મેળવી હતી. ઓપનર નારાયણ જગદીશને 100 રન અને સાઇ સુદર્શને 82 રન બનાવ્યા હતા.

(3) જયપુરમાં પોંડિચેરીએ પ્રથમ દાવમાં 248 રન બનાવ્યા પછી રાજસ્થાને કૅપ્ટન દીપક હૂડા (105 નૉટઆઉટ)ની સદીની મદદથી છ વિકેટે 234 રન બનાવ્યા હતા.

(4) શ્રીનગરમાં જમ્મુ-કાશ્મીરે શુભમ ખજુરિયા (255 રન)ની ડબલ સેન્ચુરી તથા વિકેટકીપર શિવાંશ શર્મા (106 અણનમ)ની મદદથી 519/7ના સ્કોર પર દાવ ડિક્લેર કર્યા બાદ મહારાષ્ટ્રએ 28 રનમાં એક વિકેટ ગુમાવી દીધી હતી.

(5) લખનઊમાંં બેન્ગાલે ભારતીય ખેલાડી યશ દયાલની ચાર વિકેટને કારણે 311 રનનો સાધારણ સ્કોર નોંધાવ્યા બાદ ઉત્તર પ્રદેશે કૅપ્ટન-વિકેટકીપર આર્યન જુયલના 90 નૉટઆઉટની મદદથી ત્રણ વિકેટે 198 રન બનાવ્યા હતા.

(6) નાગપુરમાં 2023ના રનર-અપ વિદર્ભના 118 રન સામે આંધ્રની ટીમ 167માં આઉટ થઈ ગઈ ત્યાર બાદ વિદર્ભએ બીજા દાવમાં અથર્વ ટૈડના અણનમ 115 રનની મદદથી એક વિકેટે 192 રન બનાવ્યા હતા. લીડ ઊતાર્યા બાદ વિદર્ભના 143 રન હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker