10 બૉલ ઓછા ફેંકાતાં ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને આટલા કરોડ રૂપિયાનો ચાંદલો થઈ ગયો!

બ્રિસ્બેનઃ બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં શનિવારના પ્રથમ દિવસે વરસાદને કારણે અહીં ગૅબાના ગ્રાઉન્ડ પર યજમાન ટીમની ઇનિંગ્સમાં ફક્ત 13.2 ઓવર બોલિંગ થઈ શકી હતી અને પછી ધોધમાર વરસાદ પડતાં રમત સંકેલી લેવામાં આવી હતી. જોકે એ દિવસે માત્ર 10 બૉલ વધુ ફેંકાયા હોત તો ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને મસમોટું નાણાકીય નુકસાન ન ભોગવવું પડ્યું હોત.
આ પણ વાંચો : લાબુશેન `મિયાં મૅજિક’નો શિકાર બન્યો, સિરાજ એકાગ્રતા તોડવામાં સફળ થયો
પીટીઆઇના અહેવાલ મુજબ વાત એવી છે કે ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડનો નિયમ છે કે જો મૅચના કોઈ દિવસે ઓછામાં ઓછી 15 ઓવર બોલિંગ થઈ શકી હોય તો પ્રેક્ષકોને એ દિવસનું ટિકિટનું પૂરું રિફન્ડ આપવા બોર્ડ બંધાયેલું નથી. જોકે શનિવારે 13.2 ઓવર બોલિંગ થઈ શકી અને 10 બૉલ ઓછા ફેંકાયા હતા જેને કારણે બોર્ડે હવે પ્રેક્ષકોને પૂરું રિફન્ડ આપવું પડશે.
એ માટે ઑસ્ટ્રેલિયન બોર્ડે 10 લાખ ઑસ્ટ્રેલિયન ડૉલર (અંદાજે 5.40 કરોડ રૂપિયા)ની જોગવાઈ કરવી પડશે. બીજી રીતે કહીએ તો ફક્ત 10 બૉલને કારણે ક્રિકેટ બોર્ડે 5.40 કરોડ રૂપિયાનું નુકસાન વેઠવું પડશે.
ગૅબામાં શનિવારના પ્રથમ દિવસે 30,145 પ્રેક્ષકોની હાજરી હતી અને એ તમામને બોર્ડ તરફથી ટિકિટનું પૂરેપૂરું રિફન્ડ મળશે.
આ પણ વાંચો : બુમરાહ સિવાયનું બોલિંગ-આક્રમણ નબળું, હેડ-સ્મિથની જોડીએ જીતનો પાયો નાખી આપ્યો
નવાઈની વાત એ છે કે એ દિવસે ગૅબાના મેદાન પર એક કલાકમાં 40 મિલીમીટર વરસાદ પડ્યો હતો.