અમદાવાદના મોદી સ્ટેડિયમ પછી હવે આ શહેરને મળશે દેશનું બીજું મોટું સ્ટેડિયમ
1,650 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે અને 80,000 પ્રેક્ષકો બેસી શકશે

બેંગલૂરુઃ 1,32,000 પ્રેક્ષકો બેસી શકે એટલી સીટ ધરાવતું અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ક્રિકેટ જગતનું સૌથી મોટું સ્ટેડિયમ છે અને હવે ભારતને દેશનું બીજા નંબરનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ થોડા જ સમયમાં મળશે. વાત એવી છે કે બેંગલૂરુ (BENGALURU)માં ચોથી જૂને એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની નજીક નાસભાગની જે જીવલેણ ઘટના બની (જેમાં 11 જણના જીવ ગયા હતા અને 50થી વધુ લોકોને ઈજા પહોંચી હતી) એને પગલે કર્ણાટક રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે બેંગલૂરુમાં સૂર્યા સિટી (Surya City)માં નવું ક્રિકેટ સ્ટેડિયમ બનશે જેમાં 80,000 પ્રેક્ષકો બેસી શકશે. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં 68,000 પ્રેક્ષકો બેસી શકે એટલી બેઠક છે.
રાજ્યના મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયા (Siddaramaiah)એ જાહેરાત કરી છે કે બેંગલૂરુ શહેરની ભાગોળે સૂર્યા સિટીમાં 1,650 કરોડ રૂપિયાના ખર્ચે આ સ્ટેડિયમ બનશે અને એ સાથે બેંગલૂરુમાં ક્રિકેટ ક્ષેત્રે નવો ઇતિહાસ રચાશે. બેંગલૂરુ શહેરે ક્રિકેટ જગતને રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે તથા કે. એલ. રાહુલ સહિત અનેક નામાંકિત ક્રિકેટર આપ્યા છે.
આ પણ વાંચો: બેંગલૂરુના સ્ટેડિયમને કારણે કેમ બીસીસીઆઇ અને આરસીબી ચિંતામાં મુકાયા?
બેંગલૂરુમાં બનનારું સ્ટેડિયમ ભારતમાં બીજા નંબરનું મોટું સ્ટેડિયમ ગણાશે. વાસ્તવમાં બેંગલૂરુમાં આ ક્રિકેટ સ્ટેડિયમ વિશાળ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનો એક હિસ્સો હશે.
ત્રીજી જૂને અમદાવાદમાં આઇપીએલની ફાઇનલમાં પંજાબ કિંગ્સ (પીબીકેએસ) સામે રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી)એ વિજય મેળવ્યો એને પગલે બેંગલૂરુમાં બીજા દિવસે (ચોથી જૂને) અસંખ્ય ક્રિકેટપ્રેમીઓએ વિરાટ કોહલી સહિતના આરસીબીના ચૅમ્પિયનોને જોવાની તૈયારી કરી લીધી હતી અને સોશિયલ મીડિયા પરની જાહેરાત વાંચ્યા પછી લાખો લોકો એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક ધસી આવ્યા હતા અને ગેરવ્યવસ્થાને કારણે ધક્કામુક્કી થઈ હતી. એ ઘટનાને પગલે બેંગલૂરુને નવું વિશાળ સ્ટેડિયમ આપવાનો નિર્ણય લેવાઈ રહ્યો છે. 1,650 કરોડ રૂપિયાનો સમગ્ર ખર્ચ કર્ણાટક હાઉસિંગ બોર્ડ (કેએચબી) દ્વારા ઉપાડવામાં આવશે.
આ પણ વાંચો: વાનખેડે સ્ટેડિયમના BCCIના સ્ટોરમાંથી ₹6.52 લાખની IPL જર્સી ચોરી; પોલીસે ગુનો ઉકેલ્યો
નાસભાગની ઘટનાને પગલે બેંગલૂરુની પ્રતિષ્ઠિત મહારાજા ટ્રોફી ટૂર્નામેન્ટને થોડા દિવસ પહેલાં મૈસૂરુમાં ખસેડવામાં આવી હતી. આ વર્ષે મહિલાઓનો વર્લ્ડ કપ ભારતમાં યોજાશે અને એની બેંગલૂરુની પાંચ મૅચ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમને નહીં મળે એવી સંભાવના છે. 2026ની આઇપીએલની મૅચો પણ આ સ્ટેડિયમમાં નહીં રમાય એવી શક્યતા છે.
બેંગલૂરુના નવા સ્ટેડિયમ સહિતના ખેલકૂદ સંકુલમાં આ પ્રકારની સગવડો હશેઃ (1) 80,000 પ્રેક્ષકો બેસી શકે એટલી ક્ષમતાવાળું વિશાળ ક્રિકેટ સ્ટેડિયમ (2) આઠ ઇન્ડોર અને આઠ આઉટડોર સ્પોર્ટ્સ અરીના (3) અદ્યતન જિમ્નેશિયમ તથા તાલીમ-પ્રૅક્ટિસ માટેની સુવિધાઓ (4) ઑલિમ્પિક્સમાં હોય એવું સ્વિમિંગ-પૂલ (5) ગેસ્ટ હાઉસ, હૉસ્ટેલ તેમ જ હોટેલ અને રેસ્ટોરાં (6) આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ માટે ક્નવેન્શન હૉલ.