
બેંગલૂરુ: અહીંના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમની આઠમા નંબરની જે પિચ પર થોડા દિવસ પહેલાં બેંગલૂરુ સામે હૈદરાબાદે વિક્રમજનક 287 રનનો ખડકલો કરીને વિજય મેળવ્યો હતો એ જ પિચ પર શનિવારે બેંગલૂરુએ (નવા ટ્રેન્ડ મુજબ બદલવામાં આવેલી પિચ પર) લો-સ્કોરિંગ મુકાબલામાં ગુજરાતને 38 બૉલ અને ચાર વિકેટ બાકી રાખીને હરાવ્યું હતું. ઘણા દિવસથી દસમા સ્થાને રહેલી બેંગલૂરુની ટીમ લાગલગાટ ત્રીજો વિજય મેળવીને સાતમા નંબર પર આવી ગઈ છે. હવે મુંબઈ દસમા નંબરે અને ગુજરાત નવમા ક્રમે છે.
શનિવારે બેંગલૂરુએ 148 રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યા બાદ 13.4 ઓવરમાં 152/6ના સ્કોર સાથે આ સીઝનમાં 11માંથી ચોથી મૅચમાં જીત મેળવી હતી.

બેંગલૂરુનો મોહમ્મદ સિરાજ (4-0-29-2) મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. હાઈએસ્ટ 542 રન બદલ ઓરેન્જ કૅપ ફરી વિરાટ કોહલીના કબજામાં આવી ગઈ છે. વિરાટ (42 રન, 27 બૉલ, ચાર સિક્સર, બે ફોર) અને કેપ્ટન ફાફ ડુ પ્લેસી (64 રન, 23 બૉલ, ત્રણ સિક્સર, દસ ફોર) વચ્ચેની 92 રનની પાર્ટનરશિપે વિજયનો પાયો નાખી આપ્યો હતો.
પુત્રને જન્મ આપ્યા પછી પહેલી વાર સ્ટેડિયમમાં આવેલી અનુષ્કાએ પતિ વિરાટની ઇનિંગ્સ ખૂબ માણી હતી. વિરાટ-ડુ પ્લેસીએ 6 ઓવર સુધી ગુજરાતને એકેય સફળતા નહોતી લેવા દીધી. જોકે 92મા રને ડુ પ્લેસીની વિકેટ પડ્યા બાદ વિરાટે એક છેડો સાચવી રાખ્યો હતો. સામા છેડે વિલ જેક્સ (1), રજત પાટીદાર (2), ગ્લેન મેક્સવેલ (4) તથા કેમેરન ગ્રીન (1)ની વિકેટ પડ્યા બાદ ખુદ વિરાટ 11મી ઓવરમાં ટીમના 117મા રને આઉટ થયો હતો. બેંગલૂરુએ 25 રનમાં છ વિકેટ ગુમાવી હતી. વિરાટની વિકેટ પડી ત્યારે બેંગલૂરુએ માત્ર 31 રન બનાવવાના હતા.

મૅચ ફિનિશ કરવા માટે જાણીતા દિનેશ કાર્તિક (21 અણનમ, 12 બૉલ, ત્રણ ફોર) અને સ્વપ્નિલ સિંહ (15 અણનમ, નવ બૉલ, એક સિક્સર, બે ફોર)ની જોડીએ છેક સુધી ગઢ સાચવી રાખી 35 રનની અતૂટ ભાગીદારી સાથે બેંગલૂરુની નૌકા પર કરી હતી.
ગુજરાતે આયરલેન્ડના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર જૉશ લિટલને પહેલી જ વાર રમવાનો મોકો આપ્યો અને તેણે 45 રનમાં ચાર વિકેટનો તરખાટ મચાવ્યો. જોકે તેની બધી મહેનત એળે ગઈ હતી. બે વિકેટ અફઘાની સ્પિનર નૂર અહમદે લીધી હતી.
એ પહેલાં, ગુજરાતે બૅટિંગ મળ્યા પછી માત્ર 147 રન બનાવ્યા હતા. એમાં એમ. શાહરુખ ખાન (37 રન, 24 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) અને રાહુલ તેવટિયા (35 રન, 21 બૉલ, એક સિક્સર, પાંચ ફોર)ના સાધારણ યોગદાન હતા. સુકાની શુભમન ગિલ (બે રન) ફરી ફ્લૉપ ગયો હતો. વૃધ્ધિમાન સાહા (એક રન) પણ સારુ નહોતો રમી શક્યો. બન્ને ઓપનરને સિરાજે આઉટ કર્યા હતા. ગિલ દૂરના બોલને છેડવા જતાં ડીપ પોઇન્ટ પર વૈશાકને કૅચ આપી બેઠો હતો. સાહાને સિરાજે છમાંથી ચાર ઇનિંગ્સમાં આઉટ કર્યો છે. સિરાજ ઉપરાંત યશ દયાલ અને વૈશાકે પણ બે-બે વિકેટ લીધી હતી.